બોટાદ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ - At This Time

બોટાદ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨


સરકારશ્રીની વિવિધ યોજનાઓ અન્વયે બહેનો આજે આર્થિક પગભર બનવાની સાથે જ આત્મનિર્ભર બની રહી

દેશને ઉન્નત ભવિષ્ય તરફ લઈ જવા માટે સરકારશ્રી હરહંમેશ પ્રયત્નશીલ છે

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સંપન્ન

બોટાદ જિલ્લાનાં કુલ ૧૬,૧૩૮ લાભાર્થીઓને રૂ.૧૦૮ કરોડથી વધુની રકમની વિવિધ સહાયનું વિતરણ કરાયું

રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવ્યું છે. ત્યારે બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને આજે જુના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં બોટાદ જિલ્લામાં કુલ ૧૬,૧૩૮ લાભાર્થીઓને રૂ.૧૦૮ કરોડથી વધુની રકમની વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે ૨૧ લાભાર્થીઓને મંચ પરથી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, દેશના કર્મશીલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત અભિગમને આપણે સૌએ વધાવવો જોઈએ. સરકારશ્રીની વિવિધ યોજનાઓ અન્વયે બહેનો આજે આર્થિક પગભર બનવાની સાથે જ આત્મનિર્ભર બની રહી છે. બોટાદમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત ૧૬,૧૩૮ લાભાર્થીઓને રૂ. ૧૦૮ કરોડથી વધુ રકમની સહાય મળી છે. દેશને ઉન્નત ભવિષ્ય તરફ લઈ જવા માટે સરકારશ્રી હરહંમેશ પ્રયત્નશીલ હોવાનું શ્રી વિરાણીએ ઉમેર્યું હતું.

જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો, વંચિતો, પીડિતો સહિત જરૂરીયાતમંદ લાભાર્થીઓને જન કલ્યાણકારી યોજનાઓના લાભો સરળતાથી મળી રહે તે માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું હતું. આ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી છે જેના લાભો છેવાડાના લોકો સુધી પહોંચ્યા હોવાથી લોકોનું જીવનધોરણ ઉચું આવ્યું છે. આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાઓ થકી માતબર રકમની સહાય ચૂકવાઈ છે, જેનો લાભ બોટાદ જિલ્લાનાં અનેક લાભાર્થીઓને મળી રહ્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણી સહિત મંચસ્થ મહાનુભાવોએ પંચાયત વિભાગની વિવિધ યોજનાઓને સમાવી લેતાં “પંચાયતી રાજની આગેકૂચ” પુસ્તકનું વિમોચન કર્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, બોટાદ જિલ્લા રમતગમત કચેરીનાં સહયોગ થકી ભાવનગરનાં કલાવૃંદોએ લોકડાયરો, મિશ્ર-હુડોરાસ રજૂ કર્યાં હતા.

ઉપસ્થિત લોકોએ ગરીબ કલ્યાણ મેળાની ડોક્યુમેન્ટરી સહિત પંચાયતની સફળવાતો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ ઉપરાંત લાભાર્થી શ્રી ઘનશ્યામભાઇ માથોલીયાએ પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી પ્રારંભે પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણીએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. અંતમા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મકવાણાએ આભાર દર્શન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાળીયા, જિલ્લા કલેક્ટરશ્રી બી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી દયાબેન અણીયાળીયા સહિત જિલ્લાનાં પદાધિકારીઓ-અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.