ગાંધીનગરમાં ભૂવા પડવાની શરૂઆત બાદ નગરપાલિકા સફાળી જાગી - At This Time

ગાંધીનગરમાં ભૂવા પડવાની શરૂઆત બાદ નગરપાલિકા સફાળી જાગી


ગાંધીનગર, તા. 13 ઓગષ્ટ 2022, શનિવારહાલ તો ગાંધીનગરની દશા એવી છે કે ઠેર-ઠેર ભૂવા પડ્યાના દ્રશ્યો જોવા મળ્યા છે. આ વર્ષે પડી રહેલા ભારે વરસાદના કારણે ભૂવાએ ગાંધીનગરની સિકલ બદલી નાખી છે. તેની પાછળ કોઈ જવાબદાર હોય તો તે છે ગાંધીનગર પાલિકાની નબળી કામગીરી. સાથે જ આ ભૂવા દર્શાવે છે કે, ગાંધીનગર પાલિકાની અને કોન્ટ્રાક્ટરોની કામગીરી કેવી મજબૂત છે. ગાંધીનગરથી અમદાવાદ જતા રસ્તા પર એસ.જી. હાઈવે નજીક આવેલી તારાપુર ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચેની ગટરલાઈનનું રીપેરીંગ નેશનલ હાઈવે ડિવિઝન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ કામગીરીને કારણે સરગાસણ સ્થિત સિવરેજ પમ્પિંગ સ્ટેશન પર પમ્પિંગ બંધ રાખવાની જરૂર પડી છે. જેના કારણે ઓવરફ્લો થતાં ગાંધીનગર શહેરના અમુક વિસ્તારો, સ્થાનો અને અંડરપાસ પર ગટર ઉભરાવાની અને ગટરનું પાણી બેક મારવાની સ્થિતિ સર્જાય છે. સાથે વધુમાં આ ઘટનાને પગલે ગાંધીનગર શહેરની અનેક ગટરોની લાઈનમાં પ્રેશર સર્જાવાને કારણે પાણી બેક મારવાની સંભાવના છે તેમજ આ કારણે અમુક સ્થાનો પર ભૂવા પડવાની શક્યતાઓ છે. આવા તમામ સ્થાનો પર તંત્ર દ્વારા બેરિકેટિંગ કરવામાં આવેલ છે. આવા બેરીકેટિંગ કરેલા સ્થાનો પર નાગરિકોની સલામતીને ધ્યાને લઈને બેરીકેટિંગ હટાવીને રાહદારીઓને કે વાહનચાલકોને આગળ ન વધવા વિનંતી સૂચનો આપવામાં આવ્યા છે. ત્યાર બાદ ગાંધીનગરમાં અનેક જગ્યાએ ભૂવાઓ પડ્યા બાદ હવે નગરપાલિકા સફાળી જાગી છે. સાથે જ નાગરિકોને પડી રહેલી તકલીફ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. આ કામગીરી પૂર્ણ થાય ત્યારે ગટર લાઈન અને સીવરેજ પમ્પિંગ સ્ટેશન ઝડપથી કાર્યરત થાય એ માટે સમગ્ર તંત્રને કાર્યરત કરવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરના નાગરિકોની સલામતીને ધ્યાને લઈને આ મેસેજ લોકોને આપવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.