સુરત: શહેરમાં બનેલા 81 બ્રિજના નામકરણ ન થયા હોવાથી લોકોને હાલાકી : લોકો બ્રિજને નામથી નહીં વિસ્તારથી ઓળખે - At This Time

સુરત: શહેરમાં બનેલા 81 બ્રિજના નામકરણ ન થયા હોવાથી લોકોને હાલાકી : લોકો બ્રિજને નામથી નહીં વિસ્તારથી ઓળખે


- નાકરણમાં પાવરધા ભાજપ શાસકો બ્રિજના નામ આપવામાં ઉદાસિન- સુરત મ્યુનિ. વિસ્તારમાં બનાવેલ ત્રણ તાપી, 22 ફ્લાયઓવર અને 56 ખાડી બ્રિજના નામકરણ માટે ભાજપ શાસકો પાસે ફુરસદ નથીસુરત,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવાર  સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 300 સ્કુલનું એક સાથે નામકરણ કરનારા સુરત પાલિકાના ભાજપ શાસકોને સુરત શહેરમાં ઘણાં સમય પહેલા બનેલા 81 જેટલા બ્રિજનું નામ કરણ કરવાની ફુરસદ નથી. આ બ્રિજનું નામકરણ ન કરવામાં આવ્યું હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે. આ બ્રિજને લોકો નામથી નહીં પરંતુ વિસ્તારથી ઓળખી રહ્યા છે. નામકરણ કરવામાં ભાજપ શાસકો પાવરધા ગણવામા આવે છે પરંતુ આ બ્રિજના નામકરણ માટે તેઓ ઉદાસિન દેખાઈ રહ્યાં છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં બનેલા બ્રિજ અને વિવિધ પ્રકલ્પોના નામ મહાનુભવો સાથે જોડીને આપવામાં આવે છે. આ પ્રકારે નામકરણ કરવામાં આવતું હોવાથી તે વિસ્તાર અને પ્રકલ્પની ઓળખ ઉભી થાય છે. સુરત શહેરને હાલમાં બ્રિજ સીટી તરીકે ઓળખવામાં આવે છે અને આ સુરત શહેરમાં અત્યાર સુધીમાં તાપી બ્રિજ, રેલવે ઓવરબ્રિજ અને ખાડી બ્રિજ મળીને 117 જેટલા બ્રિજનું નિર્માણ કરવામા આવ્યું છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં 117 જેટલા બ્રિજ બની ગયાં અને તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે તેમ છતાં હજી સુધી સુરત મ્યુનિ. વિસ્તારમાં બનેલા માત્ર 36 બ્રિજને જ નામ આપવામાં આવ્યા છે. સુરતમાં બનેલી 81 જેટલા બ્રિજનું હજી નામકરણ કરવામાં આવ્યું નથી. આ 81 બ્રિજમાં ત્રણ તાપી બ્રીજ, 22 ફ્લાય ઓવર- રેલ્વે ઓવર બ્રિજ અને 56 ખાડી બ્રિજનો સમાવેશ થાય છે. પાલિકા તંત્ર બ્રિજના નામકરણ કરવામાં ઉદાસીન છે તો બીજી તરફ કેટલીક સંસ્થાઓ દ્વારા બ્રિજના નામને મહાનુભવોના નામ સાથે જોડવા માટે લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે. એક વર્ષ પહેલાં બનેલા પાલ ઉમરા બ્રિજને ડો. બાબા સાહેબ આંબેડકર નામ આપવા માટેની માગણી થઈ રહી છે તો બીજી તરફ અન્ય નામ માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં શાસકો દ્વારા બ્રિજનું નામ કર્યું રાખવું તે અંગે હજી સુધી કોઈ નિર્ણય કરાયો નથી. આવી જ રીતે  વરાછા કતારગામને જોડતાં ઉક્લક નગર  રેલ્વે ઓવર બ્રિજને કોંગ્રેસ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ બ્રિજ નામ આપવા માટેની દરખાસ્ત સામાન્ય સભામાં રજુ કરવામાં આવી હતી પરંતુ  બહુમતીથી આ દરખાસ્ત ઉડાવી દેવામાં આવી હતી.બ્રિજના નામને લોકો મહાનુભવોના નામ સાથે જોડવા માટે સામેથી પાલિકામાં અરજી કરે છે તેમ છતાં ભાજપ શાસકો હજી સુધી નાના મોટા 81 બ્રિજનું નામકરણ કરી રહ્યા નથી.  પાલિકા તંત્ર નામ આપવામાં ઉદાસિન હોવાથી કેટલીક જગ્યાએ ટીપી સ્કીમ અને કેટલીક જગ્યાએ વિસ્તારથી બ્રિજની ઓળખ થાય છે. જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. સુરત અને દેશના હજારો મહાનુભવોએ દેશ માટે અનેક કામો કર્યા છે તેમ છતાં હજી સુધી 81 બ્રિજને નામ  કેમ આપવામાં આવ્યા નથી તેનો ખુલાસો ભાજપ શાસકો કરી શકતા નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.