બોટાદ જિલ્લાના નવા નાવડા પ્રાથમિક શાળામાં 59માં સ્થાપના દિવસની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરાઈ - At This Time

બોટાદ જિલ્લાના નવા નાવડા પ્રાથમિક શાળામાં 59માં સ્થાપના દિવસની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરાઈ


“ગ્રામજનોનો આર્થિક સહયોગ શાળા માટે પીઠબળ સમાન
સાબિત થાય છે.”: શાળાના આચાર્ય દીલીપભાઈ ગોદાવરીયા

રંગબેરંગી ફુગ્ગાઓ-રિબીન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખિલખિલાતા બાળકોથી કાર્યક્રમ દિપી ઉઠ્યો

બોટાદ જિલ્લાના નવા-નાવડા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામલોકો દ્વારા 59 માં શાળા સ્થાપના દિવસના પ્રસંગની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રભાતફેરીથી કરવામાં આવી હતી જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ગામમાં રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ ગામના અગ્રણી ઓધવજીભાઈ મોણપરા, વાલજીભાઈ વઘાસિયા અને ભરતભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્યશ્રી દીલીપભાઇ ગોદાવરીયાએ જણાવ્યું હતું કે, નવા નાવડા ગામમાંળ આ શાળા તા.01/08/1963 ના રોજ શરૂ થઈ હતી. આજે ગ્રામજનોનો આર્થિક સહયોગ શાળા માટે પીઠબળ સમાન સાબિત થઇ રહ્યો છે, દાતાઓના સહકારથી શાળાએ સારો વિકાસ સાધ્યો છે.

મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગતગીત, પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના 59માં જન્મદિવસ નિમિત્તે ઓધવજીભાઈ મોણપરા અને મંચસ્થ મહાનુભાવો દ્વારા કેક કાપવામાં આવી હતી. કાર્યક્રમમાં ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ નવા નાવડા શાળા પરિવારે સર્વ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં દાતાશ્રી અને ગામનાં અગ્રણીશ્રી ઓધવજીભાઈ મોણપરા અને હિતેષભાઇ ડાયમાંનો શાળા પરિવારે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.