ફ્રુટના ધધાર્થીઓ વચ્ચે ધંધાખારને લીધે છરી-ધોકા ઉડયાઃ પાંચને ઇજા
જ્યુબીલી શાક માર્કેટ નજીક નાગરિક બેંક પાસે ઢેબર રોડ વન-વેના ખુણા નજીક સવારના પ્હોરમાં ફ્રુટના ધંધાર્થીઓ વચ્ચે ગ્રાહકોને ખેંચી જવા મામલે છરી-ધોકાથી મારામારી થતાં પાંચને ઇજા થઇ હતી. જેમાં પિતા-પુત્રને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યારે સામેના પક્ષના પિતા-પુત્ર સહિત ત્રણને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવને પગલે સવારે ભરાતી ફ્રુટબજારમાં નાસભાગ મચી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ જ્યુબીલી તાર ઓફિસ પાસે રહેતાં હનીફભાઇ આમદભાઇ સાકરીયા (ઉ.વ.૫૮) તથા તેમનો પુત્ર ઇરફાન હનીફભાઇ સાકરીયા (ઉ.વ.૨૭) સવારે સાતેક વાગ્યે નાગરિક બેંક પાસે ફ્રૂટ વેંચવા ઉભા હતાં ત્યારે મારામારી થતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ પોલીસની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર અન્ય ફ્રુટના ધંધાર્થીઓ હનીફભાઇ, દાનીસ, અફઝલ તથા ત્રણ અજાણ્યાએ છરી-ધોકાથી હુમલો કર્યાનું જણાવતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
સામા પક્ષે હનીફભાઇ દાઉદભાઇ શેખ (ઉ.વ.૬૫), દાનીસ હનીફભાઇ શેખ (ઉ.વ.૨૫) અને હનીફભાઇ આમદભાઇ ચંદા (ઉ.વ.૨૫) ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેમના કહેવા મુજબ પોતે ઢેબર રોડ વન વે પાસે ફ્રુટ વેંચવા ઉભા હોઇ હનીફભાઇ, ઇરફાન સહિતે છરીથી હુમલો કર્યો હતો. ખાનગી હોસ્પિટલ દ્વારા આ અંગે એ-ડિવીઝનને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. ભાવેશભાઇએ બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા પિતા-પુત્રએ જણાવ્યું હતું કે પોતાની લારીએ ફ્રુટના ગ્રાહકો વધુ આવતાં હોઇ તેને ખેંચી જવા મામલે સામેના દાનીસ, હનીફભાઇ સહિતના સાથે બોલાચાલી થતાં હુમલો થયો હતો. સવારના પ્હોરમાં ફ્રુટ બજારમાં બઘડાટી બોલી જતાં નાસભાગ મચી ગઇ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.