૨ સપ્ટેમ્બર - આંતરરાષ્ટ્રીય નારિયેળ દિવસ નાળિયેરની ખેતી કલ્પવૃક્ષ સમાન : સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ નાળિયેર આધ્યાત્મિક અને ઔષધિય રીતે ખૂબ મહત્વપૂર્ણ - At This Time

૨ સપ્ટેમ્બર – આંતરરાષ્ટ્રીય નારિયેળ દિવસ નાળિયેરની ખેતી કલ્પવૃક્ષ સમાન : સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ નાળિયેર આધ્યાત્મિક અને ઔષધિય રીતે ખૂબ મહત્વપૂર્ણ


કોવિડ-૧૯નાં સમયગાળા દરમિયાન નાળિયેરે ઇમ્યુનિટી બૂસ્ટરની ગરજ સારી હતી

ખોરાકથી લઈને પીણું તેમજ સૌંદર્ય પ્રસાધનથી લઈને સાફ સફાઈ કરવાનાં સાધનોમાં ઉપયોગી નાળિયેરનું ઝાડ રોજગારી પણ આપે છે
આલેખન: રાધિકા જે. વ્યાસ
માહિતી બ્યુરો, બોટાદ: દર વર્ષે ૨ સપ્ટેમ્બરનાં દિવસને આંતરરાષ્ટ્રીય નાળિયેર દિવસ (World Coconut Day) તરીકે ઉજવવામાં આવે છે. માનવીના આરોગ્ય માટે નારિયેળ પાણીથી લઈને કોપરું અને તેનું તેલ શ્રેષ્ઠ છે. વર્લ્ડ કોકોનટ ડેની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને આરોગ્યની દ્રષ્ટિએ નાળિયેરનું મહત્વ સમજાવવાનો તેમજ તેની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાનો છે. નાળિયેર સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. આપણાં દેશમાં સદીઓથી નારિયેળનું આધ્યાત્મિક અને ઔષધિય મૂલ્ય રહેલું છે. પુજા-પાઠમાં અથવા તો શરીરની શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં નારિયેળ ખૂબ જ ગુણકારી છે. નારિયેળનાં મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે ૨જી સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ નારિયેળ દિવસ' ઉજવવામાં આવે છે.

વિશ્વ નાળિયેર દિવસનો ઇતિહાસ:

આ દિવસ સૌપ્રથમ ૨૦૦૯માં એશિયા પેસિફિક કોકોનટ કોમ્યુનિટી દ્વારા ઉજવવામાં આવ્યો હતો. મુખ્યત્વે, એશિયન અને પેસિફિક પ્રદેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે આ પ્રદેશોમાં વિશ્વનાં સૌથી વધુ નાળિયેર ઉત્પાદન કેન્દ્રો છે. વિશ્વભરમાં આ દિવસે નાળિયેર કેવી રીતે ઉગાડવા અને સાચવવા તે અંગે જાગૃતિ લાવવા સાથે ફળનાં ફાયદાઓને સમજાવવામાં આવે છે. ભારતમાં પણ આ દિવસ ઉજવવામાં આવે છે.

આરોગ્ય માટે ટોનિક સમાન નાળિયેર અનેક રીતે ગુણકારી :

કાચાં નાળિયેરમાં કોપર, સેલેનિયમ, આયર્ન, ફૉસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવાં ઘણાં પોષક તત્વો રહેલાં છે જે શરીરને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે. ગળામાં દુખાવો અને બ્રોંકાઈટિસ જેવી બીમારી સામે કાચું નાળિયેર ખૂબ ઉપયોગી સાબિત થાય છે. કોવિડ-૧૯નાં સમયગાળા દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નાળિયેર ખૂબ ઉપયોગી બન્યું છે. કાચું નાળિયેર અલ્ઝાઇમર જેવાં રોગો અટકાવવામાં પણ અસરકારક નિવડ્યું છે અને તેનાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
એવું પણ કહેવામાં આવે છે કે, નાળિયેર પાણીમાં દૂધ કરતાં પણ વધારે પોષકતત્વો રહેલાં છે. નાળિયેર પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી શરીરમાં રહેલી પાણીની કમીને પણ દૂર કરી શકાય છે. શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને વધારવા માટે નારિયેળ પાણી એ ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર પાણીનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ થાય છે.

નાળિયેરની ખેતીને કલ્પવૃક્ષની ખેતી સમાન પણ માનવામાં આવે છે. નાળિયેરના પ્રત્યેક ભાગનો ઉપયોગ ખોરાકથી લઈને પીણું તેમજ સૌંદર્ય પ્રસાધનથી લઈને સાફ સફાઈ કરવાનાં સાધનો બનાવવામાં થાય છે. નાળિયેરનું આખું ઝાડ તેના જીવનકાળ દરમિયાન પ્રત્યેક વ્યક્તિને ઉપયોગી થવાની સાથે રોજગારી પણ આપે છે. આજે સમગ્ર વિશ્વમાં દસ જેટલી વેરાયટીનાં નાળિયેરની ખેતી થઈ રહી છે. સામાન્ય સંજોગોમાં પ્રત્યેક નાળિયેરીનું ઝાડ પાંચ વર્ષે ઉત્પાદન આપવાની શરૂઆત કરે છે અને 50 વર્ષ સુધી તેનું ઉત્પાદન જોવા મળે છે. નાળિયેરીનાં છોડ 15 ફૂટથી લઈને 40 ફુટ સુધીની ઉંચાઇનાં પણ જોવા મળે છે. પ્રત્યેક દેશની આબોહવા અને જે તે જાતિના નાળિયેરની ખેતીને અનુરૂપ હોય તે પ્રકારે સમગ્ર વિશ્વમાં નાળિયેરની ખેતી થઇ રહી છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.