વિંછીયાના મોઢુકા ગામનો દુષિત પીવાના પાણીના પ્રશ્નનો નિકાલ આવ્યો, તંત્રએ તાત્કાલિક તૂટેલી ભૂગર્ભ ગટરની લાઈનનું રીપેરીંગ કામ હાથ ધર્યું. - At This Time

વિંછીયાના મોઢુકા ગામનો દુષિત પીવાના પાણીના પ્રશ્નનો નિકાલ આવ્યો, તંત્રએ તાત્કાલિક તૂટેલી ભૂગર્ભ ગટરની લાઈનનું રીપેરીંગ કામ હાથ ધર્યું.


વિંછીયા તાલુકાના મોઢુકા ગામે કેરી નદીના કાંઠે ગ્રામપંચાયતનો કુવો આવેલો છે. જે કુવામાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું હતું અને તે પાણી આખા ગામને વિતરણ કરાય છે. પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી આ કુવાની બાજુમાંથી પસાર થતી ભૂગર્ભ ગટરની મેઈન લાઈન તૂટી ગયેલ હોવાથી ગટરનું બધું પાણી આ કુવાની બાજુમાં ભરાતું હતું અને તે ગંદુ પાણી ગળાઈને સીધું કુવામાં રહેલ શુદ્ધ પાણી સાથે ભળી જતું હતું. જેના કારણે કુવામાં રહેલું બધું શુદ્ધ પાણી દુષિત થઈ જતું હતું અને તે દુષિત પાણી આખા ગામમાં પીવા માટે વિતરણ કરવામાં આવતું હતું. જેના કારણે ગ્રામજનોના આરોગ્ય જોખમમાં મુકાયા હતા. આ અંગે મોઢુકા ગામના રશીદભાઈ લોહિયા સહિતના ગ્રામજનો દ્વારા ગ્રામપંચાયતના વહીવટદારને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. છતાં જવાબદારો દ્વારા દુષિત પાણી પ્રશ્ને કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનો દુષિત પાણી પીઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જેથી જવાબદાર તંત્ર દ્વારા આખા ગામમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે દુષિત પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠવા પામી હતી. આ અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કરાતાની સાથે જ મોઢુકા ગ્રામપંચાયતના વહીવટદાર અમૃતભાઈ બારૈયા સહિતની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ કરી તૂટેલી ભૂગર્ભ ગટરની લાઈનનું રીપેરીંગ કામ હાથ ધરી દુષિત પીવાના પાણીની સમસ્યા હલ કરવાની કામગીરી હાથ ધરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.