રાજકોટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો શુભારંભ.
રાજકોટ શહેર તા.૩૧/૩/૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટના બિલિયાળા ખાતેથી 'મેન્સ્ટ્રુઅલ હાઈજીન અવેરનેસ કેમ્પ' નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાન હેલ્થ એન્ડ હાઈજીન પ્રા.લી.કંપની દ્રારા અંદાજે રૂ.૯૧ લાખના ખર્ચે સમગ્ર રાજ્યના આદિવાસી વિસ્તાર તથા સરકારી શાળાઓની ૨,૫૧,૦૦૦ જેટલી દિકરીઓને સેનિટરી પેડનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. આ નવા યુનિટના ઉદધાટન પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને આરોગ્ય ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે આજે શરૂ થયેલ આ પ્લાન્ટ વડાપ્રધાનના નિર્ધારને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારત વૈશ્વિક સ્તરે વિકાસયાત્રામાં અગ્રેસર છે, ત્યારે વર્તમાનની જરૂરિયાતને અનુરૂપ ઉત્પાદનોનું નિર્માણ કરવું તે પ્રશંસનીય કદમ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં છેવાડાના ગામ અને સામાન્ય માનવી સુધી આરોગ્યની સેવાઓ સરળતાથી મળે તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. વડાપ્રધાનના નેતૃત્વમા આપણે હોલીસ્ટીક હેલ્થ કેરની પ્રણાલિને આત્મસાત કરી છે. રાજ્ય આરોગ્યલક્ષી સેવાઓના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. સેનિટરી પેડ આરોગ્ય જાળવણીની દ્રષ્ટિએ આજના યુગની જરૂરિયાત છે ત્યારે આ પ્લાન્ટ તેમના આરોગ્યલક્ષી ઉત્પાદનોથી વડાપ્રધાનના હેલ્થ અને વેલનેસમાં ભારતને અગ્રેસરતા તરફ લઈ જવાનો સંકલ્પ પૂરો કરશે. વડાપ્રધાનએ મેક ઇન ઈન્ડિયા સાથે આત્મનિર્ભર ભારત નિર્માણની દિશા આપણને આપી છે, આજે ભારતમાં આટલું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદકતા ધરાવતો પ્લાન્ટ અહીં સૌરાષ્ટ્રમાં સ્થાપિત થાય છે તે આ દિશામાં વધુ એક નકકર કદમ છે. રોજ એક કરોડથી વધુ ડાયપર અને હાઈજીન પ્રોડક્ટનું ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે આ પ્લાન્ટ રોજગારી સર્જન અને નિકાસ એકમ બનવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમની દ્રઢતાનું ઉત્તમ ઉદાહરણ તે પૂરું પાડે છે. લગભગ ૨૨૦૦ થી વધારે લોકોને રોજગારી સહિત ૫૦%થી વધારે મહિલાઓને રોજગારી આપીને આ યુનિટે મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. પાન હેલ્થ કેર ગ્રુપે ટીમ વર્ક, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, સ્વચ્છતા અભિયાન, સંસ્કૃતિનો સમન્વય અને માન મર્યાદા જેવા પંચકર્મોથી પોતાની ધરોહરને મજબૂત બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન તેમણે ખેડૂતોના વિકાસ માટે કપાસના મૂલ્યમાં વધારો કરી 'ફેક્ટરી ટુ ફેશન એન્ડ ફોરેન' ની ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ અમલમાં મૂકી હતી. જેને વેગ આપવા નવી ટેક્સટાઇલ પોલિસી-૨૦૨૪ સરકારે અમલી બનાવી છે. આ પોલીસી ટેક્સટાઇલ ઉદ્યોગોને વેગ આપવામાં સફળ રહી છે. રાજકોટ આસપાસના વિસ્તારોમાં ટેકનિકલ ટેક્સટાઇલની સુઘડ ઈકો-સિસ્ટમ ઊભી કરવામાં પણ આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારત-૨૦૪૭ ની સંકલ્પના માટે સ્વચ્છ ભારત પર વિશેષ ભાર મૂક્યો છે, સાથે જ મેદસ્વિતા અને ટી.બી.મુક્ત ભારત બનાવવાનું આહવાન કર્યું છે. સરકાર ટી.બી.ના દર્દીઓને નિ:શુલ્ક કીટ આપે છે. ત્યારે આ પ્લાન્ટ સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. ગુજરાતમાં હેલ્થ અને હાઈજીન ક્ષેત્રે ભારતનું સૌથી મોટા યુનિટ શરૂ કરવા બદલ સાંસદ પરષોત્તમ રૂપાલાએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આ યુનિટ નવી ટેકનોલોજીના ઉપયોગ થકી મેઈક ઈન ઈન્ડીયા અને મેઈક ફોર ગ્લોબલના વડાપ્રધાનના ધ્યેયને સાર્થક કરવા આગળ વધશે. ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ભારત હેલ્થ અને હાઈજીન ક્ષેત્રે ૨%ના યોગદાનથી લઇને આજે ૧૨% યોગદાને પહોંચ્યું છે. સાંસદએ ભવિષ્યમાં યુવાનો વિવિધ ક્ષેત્રમાં આગળ આવે અને મહત્તમ પ્રગતિ કરીને વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી. મુલાકાતના પ્રારંભે મુખ્યમંત્રીએ દેશના સૌથી મોટા સેનિટરી પેડ ઉત્પાદક એકમની તકતી અનાવરણ કરી મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં પાન હેલ્થ કેરના સી.ઈ.ઓ ચિરાગભાઈ પાનએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલને રૂ.૧ કરોડનું તથા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટને ૧ અન્નપૂર્ણા રથ અને વિવેકાનંદ યુથ કલબને ૫૧ મોબિલિટી ટ્રાયસિકલના અનુદાનના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વ રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથરીયા, ગીતાબા જાડેજા, કાંતિભાઈ અમૃતીયા, પ્રકાશ વરમોરા, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક હિમકર સિંહ, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, અગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા, બાન લેબ્સ કંપનીના માલિક મૌલેશભાઇ ઉકાણી, પાન હેલ્થ એન્ડ હાઈજીન પ્રા.લી.ના મનસુખભાઈ પાન, ડો.અનિલભાઈ પટેલ, અરવિંદભાઈ પાન, જતીનભાઇ પાંચાણી, અલ્પેશભાઈ તથા સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
