રેલનગર અવધ બંગલોમાં બે મકાનના તાળા તૂટયા : 18 તોલા સોનુ-ચાંદી, રોકડની ચોરી
રાજકોટમાં અવારનવાર ચોરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે ત્યારે આજે રેલનગર વિસ્તારમાં આવેલા અવધ બંગલોના બે મકાનોમાં તાળા તૂટયા હતા અને તસ્કરો આશરે 18 તોલુ સોનુ, 1 કિલો ચાંદી અને રોકડ સહિતનો દલ્લો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. એક પરિવાર દિકરીના લગ્નપ્રસંગ માટે મોટી મોણપરી ગામે ગયો હતો અને પાછળથી બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા.
જયારે બીજો પરિવાર તેના ઘરના ઉપરના રૂમમાં સુતો હતો ત્યારે તસ્કરો આવ્યા હતા અને પરિવારને પૂરી દઇ નીચેના રૂમમાં રહેલ દાગીના અને રોકડ ચોરી ગયા હતા. બનાવના પગલે પ્રદ્યુમન પોલીસના ઈન્ચાર્જ પીઆઇ ડી.એમ.હરીપરા અને સ્ટાફ દોડી ગયો હતો. તસ્કરોનું પગેરૂ દબાયુ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
બનાવની વિગત મુજબ અવધ બંગલો નં.ર3માં થયેલી ચોરીમાં અહીં રહેતા રાજુભાઇ મકવાણાની દિકરીના લગ્ન હોવાથી પરિવાર તા.31ના રોજ રાત્રે 12.30 વાગ્યે મોટી મોણપરી ગામે પોતાના વતને ગયો હતો અને ઘરને તાળુ મારી દીધુ હતું. દરમ્યાન આજે સવારે છ વાગ્યે પાડોશમાં રહેતા પાડોશીઓએ ઘરના દરવાજા ખુલ્લા જોતા રાજુભાઇને જાણ કરી હતી અને ચોરીનો ખ્યાલ આવ્યો હતો.
રાજુભાઇએ જણાવ્યું હતું કે તેઓ લગ્ન પ્રસંગમાં જવાના હતા ત્યારે તમામ વસ્તુઓની તૈયારી કરી હતી પરંતુ પરિવારના સભ્યોને પહેરવાના દાગીના કબાટમાં ભુલાઇ ગયા હતા. માંડવાના દિવસે દાગીના ભુલાઇ ગયાનું યાદ આવ્યું હતું. પછી લગ્ન પ્રસંગ હોવાથી પરત રાજકોટ આવેલ ન હતા. આજે સવારે તેમના ઘર પાસે રહેતા માસીયાઇ બહેને રાજુભાઇને ઘરના તાળા તુટયા હોવાની જાણ કરી હતી.
તેથી પરિવાર દોડતો ઘરે આવ્યો હતો. અહીં ઘરના કબાટમાંથી સોનાના ત્રણ ચેઇન, છ વીટી, પાંચ નાકના દાણા, ચાર જોડી બુટીયા, બે જોડી પાટલા, કાનની ચૂક અને એકાદ કિલો ચાંદીના દાગીના સહિતનો મુદામાલ જોવા મળેલ નહીં જેથી તુરંત પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં અત્રે અવધ બંગલો શેરી નં.3માં રહેતા વિક્રમભાઇ વાઘેલાના ઘરમાં ચોરી થઇ હતી. પરિવાર રાત્રે જમી પરવારી ઉપરના રૂમમાં સુવા માટે ગયો હતો. સવારે ઉઠી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો બહારથી બંધ હતો. જેથી તેઓએ પાડોશીને ફોન કરી જાણ કરી પાડોશીએ આવી જોતા દરવાજામાં બહારથી આગળીયો મારેલ હતો.
જે ખોલી પરિવાર નીચેના માળે તપાસ કરતા કબાટમાં રાખેલ સોનાનું પેન્ડલ, કાનની બુટી સહિતની સોનાની વસ્તુઓ જોવા મળી ન હતી અને 3પ હજારની રોકડ પણ જોવા મળી ન હતી જેથી તસ્કરો રાતના સમયે આવ્યા હશે અને ઉપર સુતેલા પરિવારને પુરી દઇ દરવાજાને આગળીયો મારી નીચેના માળે ચોરીને અંજામ આપ્યો હશે તેવું અનુમાન છે.
હાલ પ્રદ્યુમન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ.હરીપરા, એએસઆઇ ચેતનભાઇ ચાવડા સહિતનો સ્ટાફ તસ્કરોની શોધખોળમાં લાગી ગયો છે. સાંજ સુધીમાં ચોરીનો ભેદ ઉકેલાય તેવી સંભાવના છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.