વિશ્વાસથી વિકાસ યાત્રા
ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે વિકાસની દિશામાં દોટ લગાવી છે જેની પ્રતિતી પ્રત્યેક વ્યક્તિને થઇ રહી છે
વિકાસલક્ષી કામો થકી નાગરિકોની જન સુખાકારીમાં વધારો થશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર
મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના વરદહસ્તે બરવાળા પ્રાંત વિસ્તારના રૂ. ૭.૯૧ કરોડના ખર્ચે કુલ-૨૮૮ વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને બરવાળા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત પ્રાંતકક્ષાનો કાર્યક્રમ યોજાયો
તા.૧૨ : ગુજરાત સરકાર દ્વારા તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ “વિશ્વાસથી વિકાસ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત પ્રાંતકક્ષાના વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિને લીધે ભારતે એક આગવી સિદ્ધી પ્રાપ્ત કરી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ આ વિકાસયાત્રાને આગળ ધપાવવાનું કામ કરી રહ્યાં છે. વિશ્વાસથી વિકાસ યાત્રા દ્વારા બરવાળા પ્રાંતકક્ષાએ રાજ્યની વિવિધ વિભાગોની યોજનાઓનું ઇ-લોકાર્પણ અને ખાતમૂહર્ત કરાયાં છે ત્યારે આગામી સમયમાં વિકાસલક્ષી કામો થકી નાગરિકોની જન સુખાકારીમાં વધારો થશે તેવો દ્રઢ વિશ્વાસ મંત્રીશ્રી પરમારે વ્યક્ત કર્યો હતો. ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે વિકાસની દિશામાં દોટ લગાવી છે જેની પ્રતિતી પ્રત્યેક વ્યક્તિને થઇ રહી છે.
સરકારશ્રીએ જરૂરિયાત મંદ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા આવાસો પુરા પાડ્યાં છે તેમજ માં અમૃતમ કાર્ડ દ્વારા રૂ. ૫ લાખ સુધીનું વિનામુલ્યે આરોગ્ય સુરક્ષા ક્વચ પુરૂં પાડીને આરોગ્યક્ષેત્રે વિકાસ સાધવાની સાથે ખેડૂતોના ખેતરો સુધી માં નર્મદાના નીર પહોચાડીને સિંચાઇની સુવિધા સુદ્રઢ બનાવી છે. સરકારે ખેડૂતોને ટેકાના ભાવો પણ પુરતા પ્રમાણમાં આપીને ખેડૂતોની આવકમાં વધારો કર્યો હોવાનું મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારના વરદહસ્તે બરવાળા પ્રાંત વિસ્તારના રૂ. ૭.૯૧ કરોડના ખર્ચે કુલ-૨૮૮ વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં રૂ.૫.૭૮ કરોડના ખર્ચે ૧૯૩ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૨.૧૩ કરોડના ખર્ચે ૯૫ કામોનું લોકાર્પણ કરાયું હતું.
મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે ખેલમહાકુંભ ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી કરનાર ભીમનાથ ગામની શાળાના શિક્ષક શ્રી અમૃતભાઇ સલાંટનું સન્માન કર્યું હતું. આ વેળાએ બરવાળા શહેર સંગઠન ટીમ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક તરફથી મંત્રીશ્રી પરમારને શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં.
પ્રારંભમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી.ડી.પલસાણાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં બરવાળાના મામલતદારશ્રી પ્રજાપતિએ આભારદર્શન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જોષી, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, બરવાળા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન બાવળીયા, બરવાળા નગરપાલિકાના સભ્યશ્રીઓ, જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ સહિત બરવાળા અને રાણપુરના શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.