વ્યાજખોરોનો ત્રાસ : મકાન નામે કરી આપવા ધમકી - At This Time

વ્યાજખોરોનો ત્રાસ : મકાન નામે કરી આપવા ધમકી


રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અનેક વખત સામે આવી ચુકયા છે. તેવામાં મૃતક પિતાએ લીધેલા વ્યાજે રૂપિયાની દીકરી પાસે ઉઘરાણી કરી ત્રાસ અપાતો હોવાની રજુઆત પોલીસ કમિશ્નરને થઇ છે.
રજુઆતકર્તા દક્ષાબેન અમૃતભાઇ (બાબુભાઇ) રત્નોતરે જણાવ્યું કે હું મારા બે વર્ષના પુત્ર અને માનસિક વિકલાંગ ભાઇ સાથે મોરબી રોડ પર ગાંધી વસાહત સોસાયટીમાં માતા પિતાના મકાનમાં રહું છું. માતા પિતા અવસાન પામતા પહેલા મારા અને મારા ભાઇના નામે મિલ્કતનું વસીયતનામુ લખી ગયા હતા.
પિતાના અવસાન પછી વ્યાજે રૂપિયા આપવનો વ્યવસાય કરતા આરોપી મુળજીભાઇ નાનજીભાઇ રત્નોપર (રહે. મહાત્મા ગાંધી પ્લોટ, બેડીપરા, પારેવડી ચોક), અરવિંદભાઇ નાનજીભાઇ રત્નોતર (રહે. નરસિંહનગર સોસાયટી, આર.ટી.ઓ. કચેરી પાછળ, માર્કેટીંગ યાર્ડ પાસે), કનુભાઇ નાનજીભાઇ રત્નોતર (રહે. મહાત્મા ગાંધી પ્લોટ, બેડીપરા, પારેવડી ચોક), દિનેશ નાનજીભાઇ રત્નોતર કરહે. 1-નરસિંહનગર સોસાયટી, મહાકાલેશ્વર મંદિરની બાજુમાં, જૈન બોર્ડિંગની પાછળ, એરપોર્ટ ફાટક પાસે) કીર્તિબેન દિનેશભાઇ રત્નોતર (રહે. 1-નરસિંહનગર સોસાયટી) સહિતનાઓએ એક સંપ કરી ‘તારા પિતાએ અવસાન પહેલા અમારી પાસેથી વ્યાજે રૂા. 6 લાખ લીધા હતા. તેના રૂા. 10 લાખ આપ અથવા મકાન અમારા નામે કરી દે’ તેમ કહી ધમકીઓ આપી 10 ટકા વ્યાજે રૂપિયા નહીં પરત કરો તો જીવવાનું હરામ કરી દેશું તેમ કહી અમને ત્રાસ આપતા હોય કાયદેસર કાર્યવાહી કરવા દક્ષાબેને માંગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.