ગણપતિ ઉત્સવના તહેવારને લઈ પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા
*જિલ્લામાં ગણેશોત્સવના તહેવારને લઇને પ્રતિબંધિત હુકમો જાહેર*
***************
જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ગણેશમહોત્સવ તહેવાર તારીખ ૩૧/૮/૨૦૨૨ થી તારીખ ૯/૯/૨૦૨૨ સુધી ઉજવનાર છે.આ તહેવારમાં જિલ્લામાં ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના થતી હોય છે. તેમજ ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન સરઘસ નિકળતું હોય છે અને શ્રદ્ધાળુઓ દ્વારા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી સાવચેતીના પગલા રૂપે કેટલાંક પ્રતિબંધિત હુકમો જાહેર કરાયા છે. જેમાં શ્રી ગણેશજીની માટીની મૂર્તિ નવ(૯) ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગો ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ. શ્રી ગણેશજીની પી.ઓ.પીની મૂર્તિ પાંચ(૫) ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેરમાર્ગો પર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખી છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર તથા મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ. મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ. કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હ કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચાણ ઉપર પ્રતિબંધ. વિસર્જન સરઘસ માટેના પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ. વિસર્જન સરઘસ માટેના પરમીટમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય સ્થળ ઉપર વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ. આ પ્રતિબંધ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સાબરકાંઠાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં લાગુ કરવાનું રહેશે. આ હુકમ તારીખ ૯/૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતા -૧૮૬૦ની કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫ હેઠળ સજા/દંડને પાત્ર થશે
રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.