36 વર્ષનો થયો અશ્વિન, જાણો તેની ક્રિકેટ કરિયરના ખાસ રેકોર્ડ્સ અને આંકડા
ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન પોતાના 36માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે, તેનો જન્મ તમિલનાડુના પાટનગર ચેન્નાઇમાં 1986માં થયો હતો. અશ્વિન પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં અત્યાર સુધી 255 મેચમાં 659 વિકેટ ઝડપી ચુક્યો છે જેમાં તેના નામે 3,799 રન છે. પોતાના ઓલ રાઉન્ડ પ્રદર્શનના દમ પર તે ટીમ માટે સંકટમોચકની ભૂમિકા નીભાવે છએ.
ફૂટબૉલનો દિવાનો, બની ગયો ક્રિકેટર
અશ્વિન આજે ભલે વર્લ્ડ ક્રિકેટના ટોચના ક્રિકેટર્સમાં સામેલ હોય પંરતુ તેનો પ્રથમ પ્રેમ ફૂટબોલ છે. તે પહેલા ફૂટબોલર બનવા માંગતો હતો. જોકે, સંયોગથી કઇક એવુ બન્યુ કે તે ક્રિકેટર બની ગયો. શરૂઆતમાં સ્કૂલ ક્રિકેટમાં અશ્વિન ઓપનર બેટ્સમેન તરીકે રમતો હતો. જ્યારે તે 14 વર્ષનો હતો ત્યારે તેને એક બીમારીને કારણે બે મહિના સુધી પથારીમાં રહેવુ પડ્યુ હતુ. તે બાદ તેને બેટિંગની જગ્યાએ બોલિંગ કરવાનું શરૂ કરી દીધુ હતુ.
અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરનો પ્રારંભ 5 જૂન, 2010માં શ્રીલંકા વિરૂદ્ધ વન ડે મેચમાં હરારેમાં કર્યો હતો. તેના સાત દિવસ પછી શ્રીલંકા વિરૂદ્ધ જ હરારેમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યૂ કર્યુ હતુ. અશ્વિનના ટેસ્ટ કરિયરની શરૂઆત વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 6 નવેમ્બર 2011માં દિલ્હીમાં થઇ હતી. પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં અશ્વિને 9 વિકેટ ઝડપીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
અશ્વિનના રેકોર્ડની વાત કરવામાં આવે તો સૌથી ઝડપી 250 અને 300 ટેસ્ટ વિકેટ ઝડપનાર બોલર છે. ઓફ સ્પિનર અશ્વિને માત્ર 45 ટેસ્ટમાં 250 અને 54 ટેસ્ટ મેચમાં 300 વિકેટ ઝડપી હતી. અશ્વિને આ બન્ને આંકડા સુધી પહોચવામાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ડેનિસ લિલીનો રેકોર્ડ તોડ્યો હતો જેને 48 ટેસ્ટમાં 250 અને 56 ટેસ્ટ મેચમાં 300 વિકેટ ઝડપી હતી.
અશ્વિન સૌથી ઝડપી 100 ટેસ્ટ વિકેટ (18 મેચમાં) લેનાર ભારતીય બોલર છે, તે બાદ ઇરાપલ્લી પ્રસન્ના (20)નું નામ આવે છે. અશ્વિન ડેબ્યૂ ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનનાર ચોથો ભારતીય ખેલાડી છે, આ પહેલા નરેન્દ્ર હિરવાણી, પ્રવીણ આમરે અને રૂદ્ર પ્રતાપ સિંહ આ કારનામુ કરી ચુક્યા છે. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં એક જ મેચમાં સદી અને પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ ત્રણ વખત કરનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે.
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ (9) વખત પ્લેયર ઓફ ધ સીરિઝનો ખિતાબ જીતનાર જેક કાલિસ સાથે સંયુક્ત રીતે બીજો ખેલાડી છે. શ્રીલંકાનો મુથૈયા મુરલીધરન (11 વખત) પ્રથમ નંબર પર છે. સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સીરિઝ મામલે અશ્વિન ભારતીય ખેલાડીમાં સૌથી આગળ છે, તે બાદ આ યાદીમાં સચિન તેંડુલકર (પાંચ વખત) અને કપિલ દેવ (ચાર વખત) તેની ઘણા પાછળ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.