લલિત કગથરાનો આક્ષેપ: ટંકારા બેઠક પર ભાજપના ફોર્મમાં ભૂલ, ફોર્મ રદ કરવા ચૂંટણીપંચને રજૂઆત
ટંકારા વિધાનસભા બેઠક પર સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ તથા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથે વિશાળ રેલી યોજી સમર્થકોની ઉપસ્થિતિમાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને બન્ને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે ટંકારા બેઠક પર ભાજપના ફોર્મમાં ભૂલ હોવાનો આક્ષેપ કોંગી નેતા લલિત કગથરાએ કર્યો છે.
લલિત કગથરાના જણાવ્યા અનુસાર ફોર્મમાં એક પણ જગ્યા ખાલી છોડવાની ના હોય કે ડેશ પણ કરવાનું નથી હોતું છતાં પણ ભાજપનાં બંને ફોર્મમાં ડેશ કરવામાં આવ્યું છે. જેથી આ ફોર્મ રદ થવા પાત્ર હોવાનો તેમણે દાવો કર્યો હતો અને આ બાબતે ચૂંટણી પંચને પણ રજૂઆત કરી હોવાનું મીડિયાને જણાવ્યું હતું.
મોરબી જિલ્લાની મહત્વની અને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી ટંકારા બેઠકનો તવારીખી ઇતિહાસ રોચક છે. વર્ષ 1962માં રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા અપક્ષ લડ્યા હતા અને જીત્યા હતા તો જે તે સમયે કેશુભાઇ પટેલે અહીંથી લડીને વટભેર જીતીને નાયબ મુખ્યમંત્રી પદ મેળવ્યું હતું. નોંધનીય છે કે આ બેઠક પર 3 વાર કોંગ્રેસ, 2 વાર અપક્ષ અને 7 વાર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. ત્યારે હવે ચૂંટણી પૂર્વે જ ભાજપ કોંગ્રેસ વચ્ચે તણખાં ઝરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.