બોટાદ જિલ્લામાં ‘લમ્પી સ્કીન ડીસીઝ’ અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું
અન્ય રાજ્યો/ જિલ્લા/ તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ
બોટાદ જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળેલ હોઇ, આ રોગ વાયરસથી એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોઇ અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોટેલી ઈતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ચેપ ફેલાતો હોઇ, પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મુકવા જણાવેલ છે.
લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગાંધીનગરના તા.૨૬/૦૭/૦૨૨ ના જાહેરનામાથી "લમ્પી સ્કીન ડીસીઝ" અન્વયે કેટલાક નિયંત્રણો મુકેલ છે. જેના "controlled ares" એરીયા માં બોટાદ જિલ્લાનો સમાવેશ થયેલ છે. જેથી જિલ્લામાં વાયરસના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે કેટલાક પ્રતિબંધો ફરમાવવા ઉચ્ચ જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એ શાહે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (ટ) અને (ઢ) થી તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાની મહેસુલી હદમાં નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ઉક્ત હુકમ ફરમાવ્યો છે.
• જેમાં અન્ય રાજ્યો/ જિલ્લા/ તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
• પશુઓના વેપાર,પશુ મેળા,પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતાં હોય તેવા આયોજનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
• કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મડદાંને અથવા તેના કોઈ ભાગને ખુલ્લા છૂટા છોડી દેવાની અથવા તેમને લાવવા લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
• આવા રોગવાળા જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગા વગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગ બીજનો નાશ કરવા અને એવા રોગચાળા અથવા જેમને એવો રોગ થયો છે તેમ દેખાતું હોય તેવા જાનવરોએ એકમેકથી છુટા રાખવા તથા તે મુજબ તેમની વ્યવસ્થા કરવી.
આ જાહેરનામાની અમલવારી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૮/૦૮/૨૦૨૨ થી તા.૨૨/૦૮/૨૦૨૨ ( બંન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેના ઉપરના અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.