વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર માટે સુશાસન જ સૌપ્રથમ પ્રાથમિકતા “ખેલ મહાકુંભ” અને “રમશે ગુજરાત જીતશે ગુજરાત”થકી ગુજરાત ખેલક્ષેત્રે અગ્રીમ હરોળમાં સ્થાન પામ્યું છે - At This Time

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર માટે સુશાસન જ સૌપ્રથમ પ્રાથમિકતા “ખેલ મહાકુંભ” અને “રમશે ગુજરાત જીતશે ગુજરાત”થકી ગુજરાત ખેલક્ષેત્રે અગ્રીમ હરોળમાં સ્થાન પામ્યું છે


રાજ્યમંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારનાં અધ્યક્ષસ્થાને બોટાદનાં આદર્શ વિદ્યાસંકુલ ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

બોટાદનાં આદર્શ વિદ્યાસંકુલ ખાતે રાજ્યમંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારનાં અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આગામી 36માં નેશનલ ગેમ્સનાં આયોજન અંગે પ્રત્યેક જિલ્લા, તાલુકા સહિત રાજ્યભરનાં લોકો જાગૃત થાય અને તેમનામાં રમત-ગમત પ્રત્યેની ભાવના કેળવાઈ તે હેતુસર બોટાદમાં જિલ્લાકક્ષાનો જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે કાર્યક્રમના અધ્યક્ષ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે જણાવ્યું હતું કે, આપણાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુદ્રઠ માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માટે સુશાસન સૌપ્રથમ પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે, વિકાસની વ્યાખ્યા મર્યાદિત નથી, પ્રત્યેક ક્ષેત્રે સમતોલ વિકાસ થાય તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે ત્યારે આજે બોટાદની આ પાવન ધરતી પર રમત-ગમત પ્રત્યે જાગૃતિ કેળવાઈ તે હેતુસર આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રમત-ગમત વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ ખુબ જરૂરી છે. ત્યારે આપણાં વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતાં ત્યારે તેમણે ગુજરાતને રમત ક્ષેત્રે અગ્રીમ હરોળમાં લાવવા “ખેલ મહાકુંભ” તેમજ “રમશે ગુજરાત, જીતશે ગુજરાત” જેવાં કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ખેલ મહાકુંભમાં છેવાડાનો ખેલાડી પણ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું અને રાજ્યનું નામ રોશન કરવામાં સક્ષમ બન્યો છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે રાષ્ટ્રનો સૌથી પ્રતિષ્ઠિત રમત મહોત્સવ- “36માં નેશનલ ગેમ્સ”નું આયોજન આપણાં ગુજરાતનાં આંગણે થવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય રમતોત્સવ રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર ખાતે યોજાશે.
ગઢડાનાં ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમારે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મજબુત અને સશક્ત બનાવવાની નેમ સાથે એક નવું સુત્ર આપ્યું છે, જે છે “ફીટ ઈંડિયા”. યોગ, કસરત, પ્રાણાયમ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. ત્યારે વડાપ્રધાનશ્રીની યુવાનો સતત પ્રયત્નશીલ રહે તેવી લાગણી છે. જેના અનુસંધાને આ નેશનલ ગેમ્સ થકી અનેક યુવાનોમાં રમત-ગમત પ્રત્યે રૂચિ કેળવાઈ રહી છે.
કાર્યક્રમમાં બોટાદ જિલ્લાકક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પ્રથમ ત્રણ શાળાઓને મંત્રીશ્રી પરમારનાં હસ્તે પુરસ્કારનો ચેક અર્પણ કરાયો હતો. સાથોસાથ જિલ્લાનાં વિવિધ શૈક્ષણિક સંકુલોનાં ખેલાડીઓ વચ્ચે રસ્સાખેંચ, કબ્બડી, વોલીબોલ સહિતની સ્પર્ધા યોજાઇ હતી. આ તકે તમામે “ફીટ ઈંડિયા”ની શપથ લીધી હતી.
કાર્યક્રમમાં ઈન્ચાર્જ કલેક્ટરશ્રી પી.ડી.પલસાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ સતાણીએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, એસ.પી.શ્રી કિશોરભાઈ બલોલિયા, ભાજપ જિલ્લા પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાળિયા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.