કેદીઓ માટેના સોશિયો-સાયકોલોજિકલ કેર સેન્ટરનો પ્રારંભ સરકારની બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે - CM - At This Time

કેદીઓ માટેના સોશિયો-સાયકોલોજિકલ કેર સેન્ટરનો પ્રારંભ સરકારની બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે – CM


રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં ઔષધીય વન સહિત બહુવિધ ન્યાયિક સેવાઓનું લોકાર્પણ કરાયું હતું.
બહુવિધ કાનૂની સેવાઓના પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે આજે શરૂ કરેલી પ્રવૃત્તિઓ દર્શાવે છે કે કાનૂની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર હવે માત્ર મફત કાનૂની સહાય પૂરતું મર્યાદિત ન રહેતાં તમામ કાનૂની સેવાઓની પ્રવૃત્તિઓને આવરી લઈને મહાન ક્ષિતિજ સુધી વિસ્તર્યું છે, એ અભિનંદનીય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમૃત કાળના સંકલ્પોની વાત કરી હતી, તેનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જનસમાન્ય સુધી ન્યાય પહોંચાડવા માટે આપણે સૌથી કર્તવ્યબદ્ધ થવાનો સંકલ્પ લઈશું તો આપણે ‘સૌને ન્યાય’ની સંકલ્પનાને સાકાર કરી શકીશું.

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ભારતીય બંધારણમાં કલમ ૨૧ અંતર્ગત દરેક વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્યનો અધિકાર આપવામાં આવ્યો છે. જેલના કેદીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એ માટે આપણે કાળજી લેવાની હોય. આજે ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સહયોગથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે સેન્ટર ફોર સોશિયો-સાયકોલોજિકલ કેર ઑફ પ્રીઝન ઇન્મેટ્સનો પ્રારંભ થઈ રહ્યો છે, જે સરકારની બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીએ ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સત્તામંડળની બહુવિધ કાનૂની પ્રવૃત્તિઓ માટે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારને અભિનંદન પાઠવીને જણાવ્યું કે કાનૂની સેવાને મફત કેસ લડવા પૂરતું મર્યાદિત નહિ રાખીને સેવાક્ષેત્રને વિસ્તાર્યું છે, એનાથી ગરીબ-વંચિત લોકો સુધી ન્યાય પહોંચી શકશે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનએ થોડા સમય પહેલાં દેશના મુખ્ય ન્યાયાધીશો અને મુખ્યમંત્રીઓની પરિષદમાં કહેલું કે સુરાજ્યનો આધાર ન્યાય છે. જનતા સમજે એવી ભાષામાં તેમના સુધી પહોંચવું જરૂરી છે. આજે ગુજરાતીમાં અનુવાદિત પુસ્તક 'જનસમસ્ત અને કાયદો'નું વિમોચન થયું છે, એ વડાપ્રધાનના વિચારને અનુરૂપ છે.

કોરોના મહામારી દરમિયાન આયુર્વેદની અસરકારકતાનો અનુભવ યાદ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હાઇકોર્ટમાં ઔષધીય વનથી લોકોમાં પર્યાવરણ અને આયુર્વેદ અંગે જાગૃતિ વધશે.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની નવીન વેબસાઈટનું લોન્ચિંગ વડાપ્રધાનએ આપેલા ‘ઇઝ ઓફ લિવિંગ’ના મંત્ર સાથે આત્મનિર્ભરતા તરફનું સરાહનીય પગલું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી એ નેશનલ લીગલ સર્વિસીસ ઑથોરિટીને ૨૫ વર્ષ પૂરાં થવાના નિમિત્તે તેની સેવાઓ અને પ્રવૃત્તિઓને યાદ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.