નાગરિકોને ઇ-એફઆઇઆર સહિતની નવી ટેક-સુવિધાઓ વિશે માહિતગાર કરવા દાહોદમાં કાર્યક્રમ યોજાયો
ગુજરાત પોલીસ નવી ટેકનોલોજીને અપનાવવામાં દેશભરમાં અગ્રેસર - ગોધરા પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા
દાહોદ પોલીસ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ – જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા
દાહોદ, તા. ૨૯ : દાહોદ નગરના પંડિત દીનદયાલ સભાગૃહ ખાતે ગોધરા પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડાની અધ્યક્ષતામાં ઇ-એફઆઇઆર સહિતની બાબતો વિશે નાગરિકો માહિતગાર બને એ માટે કાર્યક્રમ યોજાયો હતો. એમ.એસ. ભરાડાએ રાજ્યમાં પોલીસે અપનાવેલી નવી ટેકનોલોજી વિશે વિગતે વાત કરી હતી અને ગુજરાત પોલીસ દેશમાં ટેકનોલોજીના ઉપયોગમાં અગ્રેસર હોવાનું જણાવ્યું હતું.
ગોધરા પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ નવી ટેકનોલોજીને અપનાવવામાં દેશભરમાં અગ્રેસર છે. રાજ્યમાં ઇ-ગુજકોપ એ એક મહત્વનો પ્રોજેક્ટ છે. જેમાં પેપરલેસ કામગીરી અંતર્ગત એફઆઇઆર તેમજ અન્ય તમામ રજીસ્ટરમાં સીધી એન્ટ્રી થઇ જાય છે. જેને ઉચ્ચ અધિકારીશ્રીઓ જોઇ શકે છે અને માર્ગદર્શન આપી શકે છે.
તેમણે જણાવ્યુંકે, દરેક પોલીસ સ્ટેશનમાં અત્યારે સીસીટીવી કેમેરા લાગી ગયા છે જેથી કરીને માનવાધિકાર ભંગની ફરિયાદો નહીવત બની છે. ઉપરાંત દાહોદ, ગોધરા સહિતના શહેરોમાં પ્રથમ તબક્કામાં સીસીટીવી કેમેરા લગાવાયા છે જેથી ગુનેગારોને તાત્કાલિક પકડી શકાય. આ પ્રોજેક્ટથી પણ ગુનાખોરીમાં ઘટાડો થયો છે.
તેમણે ઉમેર્યું કે, પોલીસ પાસે પણ ટેકનોલોજી આધારિત અત્યાધુનિક સાધનો આવી જવાથી ગુનાઓ ઉકેલવામાં ઝડપ વધી છે. પોકેટ કોપ મોબાઇલ થકી શંકાસ્પદ વાહન વિશે તમામ માહિતી તાત્કાલિક હાથમાં આવી જાય છે. ડિજિટલ ફિન્ગર પ્રિન્ટ થકી ગુનેગારની આખી કુંડળી પોલીસ પાસે આવી જાય છે અને તે ત્યાર બાદ કોઇ પણ સ્થાને એ ગુનેગાર પકડાય તો તુરત ફિન્ગરપ્રિન્ટ આધારે બધી જ માહિતી મળી જાય છે.
ડાઇલ ૧૦૦ અને જીપીએસ ટ્રેકર દ્વારા પોલીસ કેટલી ઝડપથી પહોંચી કે નહિ એ માહિતી મળી જાય છે. જેથી પોલીસ બેદરકારી પકડી શકાય છે. બોડી વોર્ન કેમેરા થકી પોલીસ હાલમાં કયા છે, શું કરી રહી છે, શું વાત કરી રહ્યાં છે એ પણ સાંભળી શકાય છે. તેમ તેમણે જણાવ્યું હતું અને ફોરેન્સીક સાધન સામગ્રી, અકસ્માત નિવારણ માટેના પ્રોજેક્ટ તેમજ આરોપીની વિગત આપતી ટેકનોલોજી પ્રોજેક્ટ વિશે નાગરિકોને માહિતી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જિલ્લા પોલીસ ટેકસેવી બની હોવાનું જણાવી કહ્યું કે, સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે પોલીસને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરાઇ રહી છે. ત્યારે નાગરિકોએ આ ટેકનોલોજી વિશે માહિતી મેળવીને તેનો ઉપયોગ કરવો જોઇએ. તેમજ અન્ય લોકોને પણ આ બાબતે માહિતગાર કરવા જોઇએ.
તેમણે જણાવ્યું કે, ઇ-એફઆઇઆરમાં પોલીસને સમયમર્યાદા અને જવાબદારી સુનિચ્છિત કરાઇ છે. તેમજ તેનું સુપરવિઝન મલ્ટીપલ લેવલથી કરાઇ રહ્યું છે. જેથી કરીને નાગરિકોનો સમય બચશે અને પોલીસની કામગીરી વધારે ઝડપથી થશે. આ ટેકનોલોજી થકી હવે નાગરિકોને પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહી નથી પરંતુ પોલીસ નાગરિકો પાસે સામેથી આવે છે.
આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, નાગરિકોને ઇ-એફઆઇઆર સહિતની નવી ટેકનોલોજી વિશે વિગતે સમજ આપી તેના ઉપયોગ કરવા વિશે માહિતી અપાઇ હતી. તેમજ કાર્યક્રમ સ્થળે કયુઆર કોડ મારફતે એપ ડાઉનલોડ કરવાની વ્યવસ્થા કરાઇ હતી. જેનો ઉપસ્થિત નાગરિકોએ ઉપયોગ કરી એપને ડાઉનલોડ કરી હતી.
આ પ્રસંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, એએસપી વિજયસિંહ ગુર્જર, એએસપી જગદીશ બાંગરવા, ડીવાયએસપી પરેશ સોલંકી, ડીવાયએસપી હર્ષ બેન્કર, ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, સહિતના અધિકારીઓ, નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.