રાજકોટમાં આજથી ઉમેદવારીપત્રક ભરવાનો પ્રારંભ - At This Time

રાજકોટમાં આજથી ઉમેદવારીપત્રક ભરવાનો પ્રારંભ


રાજકોટ સહિત રાજયની લોકસભાની 26 બેઠકોની ચૂંટણી સાથે વિધાનસભા બેઠકોની તા.7 મે ના આયોજીત કરાયેલ ચુંટણીનું જાહેરનામું આવતીકાલે તા.12ને શુક્રવારે પ્રસિદ્ધ થનાર છે. તેની સાથે જ ઉમેદવારોના નામાંકનપત્ર ભરવાનો પ્રારંભ થનાર છે.
ઉમેદવારો તા.19 સુધી તેમના નામાંકનપત્ર ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરી શકશે જયારે તા.20ના નામાંકનપત્રોની ચકાસણી થશે. નામાંકનપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ તા.22 નિયત કરી દેવામાં આવી છે. નામાંકનપત્ર રજુ કરતા સમયે ચુંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત માત્ર પાંચ વ્યક્તિઓને પ્રવેશ અપાશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે ઉમેદવારોને નામાંકનપત્ર ભરવા માટે આ વખતે તા.12થી19 નિયત કરવામાં આવી છે જેમાં તા.13 અને 14ના શનિ-રવિ અને તા.17ના રામનવમીની જાહેર રજા આવે છે. ગુજરાતમાં હોટટોપીક બનેલી રાજકોટ લોકસભા બેઠકની આવતીકાલથી નામાંકનપત્રક ભરવાનું શરૂ થતા જ રાજકીય ગરમાવો આવશે.
રાજકોટની નવી કલેકટર કચેરી ખાતે રાજકોટ લોકસભા બેઠકના આવેદનપત્ર ભરવા માટે જીલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી એમ બે જગ્યા પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચુંટણીનું જાહેરનામુ આવતીકાલે પ્રસિદ્ધ થતાની સાથે જ આ જાહેરનામાને જીલ્લાની ગ્રામ પંચાયતથી લઈને કલેકટર સુધીની કચેરીઓમાં કુલ ત્રણ હજાર જાહેરનામાની આ નકલ લગાડવામાં આવશે.
આ જાહેરનામુ પ્રસિદ્ધ થતાની સાથે જ 24 જેટલી સ્ટેટીક સ્કવોડ કાલથી જ પોઝીશન લઈ ચેકીંગમાં ઉતરશે તેની સાથે જ કોમ્બીંગ વધશે. આ ઉપરાંત બેંકોમાં સાયલેન્ટ પડેલા બેંક એકાઉન્ટમાં પણ લાખોની રોકડનો વ્યવહાર થાય તો તેની પર પણ બાજ નજર રાખવા માટે જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા તમો બેંક મેનેજરોને સૂચના આપી દેવામાં આવી છે.
રાજકોટ લોકસભાની બેઠકની ચુંટણી માટે હવે આગામી તા.25ની આસપાસ ચુંટણી સ્ટાફનો બીજો રેન્ડમાઈઝેશન કરવામાં આવનાર છે. તેમજ મતદાનના આગલા રવિવારે રાજકોટ લોકસભા બેઠકના તમામ 2236 મતદાન બુથો પર બીએલઓ ચકાસણી કરનાર છે.
અહી એ ઉલ્લેખનીય છે કે અગાઉ જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષી દ્વારા 10500 ચુંટણી સ્ટાફનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરી તેઓને હોદા ફાળવી દેવામાં આવેલ હતા જે બાદ હવે બીજુ રેન્ડમાઈઝેશન આગામી તા.25ની આસપાસ કરવામાં આવનાર છે.
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં કુલ 2236 મતદાન મથકોમાંથી 725 મતદાન બુથો સંવેદનશીલ જાહેર કરાયાનું જાણવા મળેલ છે. જેમાં રાજકોટ શહેરના 358 અને ગ્રામ્યના 469 બુથોનો સમાવેશ કરાયો હોવાની વિગતો મળે છે. આવા બુથો પર પોલીસ ફોર્સ અને અર્ધલશ્કરી દળોનો વિશેષ જાપ્તો રાખવામાં આવનાર છે.
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થતાની સાથે જ રાજકીય ગરમાવો વેગ પકડશે. આ લોકસભા બેઠકની ચુંટણી પ્રક્રિયા સુચારુરૂપથી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે રાજકોટ જીલ્લા ચૂંટણીતંત્ર પુર્ણરૂપે સજજ થવા પામેલ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.