વાડીએથી ગામમાં લાઈટ બિલ ભરવા જતી વેળાએ બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયોઃ વૃધ્ધનું મોત
જસદણના ભાડલા ગામની સીમ વિસ્તારમાં રહેતાં ભીમાભાઈ લીંબસિયાનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં પરીવારમાં શોક, અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા પટેલ વૃધ્ધ વાડીએથી ભાડલા ગામમાં લાઇટ બીલ ભરવા જતા હતાં. ત્યારે વિરપર પાસે પહોંચતા સામેથી આવતુ બાઇક તેમના બાઇક સાથે ટકરાતા વૃધ્ધ નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે વૃધ્ધનું કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવ અંગે વૃધ્ધના પુત્રની ફરિયાદ પરથી ભાડલા પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ભાડલા ગામની સીમમાં આવેલી વાડીએ રહેતા ભીમાભાઈ ભાણાભાઇ લીંબાસીયા(ઉ.વ ૬૩)નામના પટેલ વૃધ્ધ ગત તા.૧/૧ ના રોજ સવારે દશ વાગ્યા આસપાસ અહીં વાડીએથી ભાડલા ગામે વીજ બીલ ભરવા માટે જતા હતા. દરમિયાન વિરપર પાસે પહોંચતા સામેથી આવતા બાઈક તેમના બાઈકને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા. તેમને ગંભીર ઇજા પહોંચી હતી. વુધ્ધનું ઘટનાસ્થળે જ કમકાટીભર્યું મોત થયું હતું. બનવાની જાણ થતા ભાડલા પોલીસે બનાવસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ, પટેલ વૃધ્ધ ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ખેતીકામ કરતા હતાં. તેમને સંતાનમાં ત્રણ પુત્રો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની આ ઘટના અંગે વૃધ્ધના પુત્ર હરેશભાઈ ભીમાભાઈ લીંબાસીયા(ઉ.વ૪૧ રહે. હાલ કોઠારીયા રોડ સાગર સોસાયટી રાજકોટ, મૂળ ભાડલા) દ્વારા અકસ્માત સર્જનાર બાઈક ચાલક વનરાજ ધીરૂભાઈ સોલંકી(રહે. વીરનગર) સામે ફરિયાદ નોંધવતા ભાડલા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.