દાહોદ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ મંત્રી પ્રદીપભાઇ પરમાર ના હસ્તે કરાવવામાં આવ્યો.
દાહોદ, તા. ૫ : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમારે દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો જિલ્લામાં પ્રારંભ કરાવ્યો છે. અહીંથી તેમણે લીલી ઝંડી બતાવીને આ માટેના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રાના પ્રથમ દિવસે મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમારે તાલુકા પંચાયત દાહોદનાં રૂ. ૪૩૩.૬૪ લાખના ખર્ચે સંપન્ન ૧૭૪ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું તેમજ આરએન્ડબી વિભાગના રૂ. ૨૧.૩૧ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલા ૧૦૯.૫૪ કિમીના ૫૭ રસ્તાઓના કામોને પણ જનસંમર્પિત કર્યા હતા. મંત્રી શ્રી પરમારે જિલ્લામાં રૂ. ૨૫૦.૭૮ લાખના ખર્ચે પૂર્ણ થનારા નવા ૯૭ વિકાસ કાર્યોનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રાના પ્રારંભ પ્રસંગે મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં સુશાસન અને વિકાસની તેજ ગતિથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેચ્યું છે. ગુજરાત રાજ્યે પણ છેલ્લા ર૦ વર્ષમાં વિકાસના નવા સીમાચિહ્નો સર કર્યા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી ગામે ગામ વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની નેમ સાથે આ વિકાસ યાત્રાનો પ્રારંભ કરાયો છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતે આ ૨૦ વર્ષમાં અનેક આપત્તિઓનો સામનો કર્યો છે પરંતુ આ આપત્તિને ગુજરાતની ખમીરવંતી ધરતીએ અવસર બનાવ્યો છે. ભૂંકપમાં તારાજ થયેલું કચ્છ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં પાછું ઉભું થયું. રાજ્યમાં નર્મદા યોજનાના અનેક અવરોધોને પ્રધાનમંત્રીશ્રીએ દૂર કરીને ગુજરાતના લોકોની સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આણ્યો છે. નર્મદાના નીર ખેતરે ખેતરે પહોંચતા ખેડૂતોની સમસ્યાઓ દૂર થઇ છે તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં શાળાપ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ થકી શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સુંદર પરિણામો મળ્યા છે અને શિક્ષણના સ્તર અને ગુણવત્તામાં વધારો થયો છે. રાજ્યમાં યુનિર્વસિટીઓની સંખ્યામાં પણ વધારો થયો છે તેમ મંત્રી શ્રી પરમારે ઉમેર્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોના વેક્સિનને દરેક નાગરિક સુધી પહોંચતી કરીને કોરોનાને મ્હાત આપી છે. સાથે વિશ્વના અનેક દેશોની પણ વેક્સિન બાબતે મદદ કરી મહામારી સમયે ભારત દેશે વૈશ્વિક કક્ષાએ મહત્વનું યોગદાન આપ્યું છે.
તેમણે દાહોદ જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની પણ વાત કરી હતી અને હાફેશ્વર યોજના અને મહીસાગરની કડાણા યોજના થકી જિલ્લાની પાણીની સમસ્યાનો કાયમી નિકાલ થશે તેમ જણાવ્યું હતું. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓની વાત કરીને છેવાડાના નાગરિકો સુધી યોજનાકીય લાભો પહોંચતા કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી.
નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલે વંદે ગુજરાત વિકાસ યાત્રા થકી દાહોદનાં ગામે ગામ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચતા કરવાનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, સરકારની વિવિધ યોજનાઓમાં જનસહયોગ સાંપડે તો તેનું નિચ્છિત પરિણામ પ્રાપ્ત થાય છે. તેમણે રાજ્યે વિકાસની નવી કેડી કંડારીને સમગ્ર દેશમાં ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરી આવ્યા હોવાનું જણાવ્યું હતું.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ગુજરાતે સાધેલા અપ્રતિમ વિકાસની વાતને જનજન સુધી પહોચાડવાના ભાગરૂપે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ હેઠળ દાહોદ જિલ્લામાં ૩ રથો સાથે જિલ્લા પંચાયતની બેઠકોને આવરી લઇને વિવિધ ગામોમાં રથ પરિભમ્રણ કરશે. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લામાં રૂ. ૪૪૦૪ લાખના ૧૦૭૦ જનવિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે. તેમજ રૂ. ૪૯૬૨ લાખના ૧૩૭૪ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કરી પ્રારંભ કરાશે. આ ઉપરાંત ૮૬૦૦ થી વધુ લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભની વહેચણી કરાશે.
કાર્યક્રમમાં ૧૨ જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના, ખેતીવાડી વીજ જોડાણ, કુટિર જયોત વિજય જોડાણ, મુખ્યમંત્રી માતૃવંદના યોજના સહિતની યોજનાઓના લાભોનું મહાનુભાવોએ વિતરણ કર્યું હતું. તેમજ સો ટકા વેક્સિનેશન કરાવનારા ગામના સરપંચોનું પણ બહુમાન મહાનુભાવોએ કર્યુ હતું.
સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પ ઉપરાંત આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવી આપવાના સુવિધા કરવામાં આવી હતી. મહાનુભાવોએ અત્રે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આભાર પ્રવચન કર્યું હતું.
આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, અગ્રણી શ્રી પર્વતસિંહ ડામોર, શ્રી લલીતભાઇ, ડીઆરડીએ નિયામક શ્રી સી.બી. બલાત સહિતના અધિકારીશ્રીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.