લગ્નના ફુલેકામાં નામચીન અંકિત શાહ અને સાગ્રીતોએ ભગીરથસિંહ જાડેજાને છરીના ઘા ઝીંક્‍યાઃ હત્‍યાનો પ્રયાસ - At This Time

લગ્નના ફુલેકામાં નામચીન અંકિત શાહ અને સાગ્રીતોએ ભગીરથસિંહ જાડેજાને છરીના ઘા ઝીંક્‍યાઃ હત્‍યાનો પ્રયાસ


રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક નજીક તિરૂપતીનગરમાં બ્રહ્મસમાજની વાડી પાસે રાતે લગ્નના ફુલેકા વચ્‍ચેથી ગાડી કાઢવા બાબતે નામચીનની છાપ ધરાવતાં માધાપર ચોકડી પાસે રહેતાં શખ્‍સે ત્રણ સાગ્રીતો સાથે મળી રૈયા રોડ શિવપરાના ભગીરથસિંહ જાડેજા અને તેના ફઇના દિકરા મયુરસિંહ ઝાલા પર છરીથી હુમલો કરી હત્‍યાનો પ્રયાસ કરતાં દેકારો મચી ગયો હતો. હુમલામાં ભગીરથસિંહને ગંભીર ઇજા પહોંચી છે, જ્‍યારે મયુરસિંહને સારવાર બાદ સવારે રજા અપાઇ હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક નજીક શિવપરા-૩માં રહેતાં અને ગોંડલ ખાતે પ્રાઇવેટ નોકરી કરતાં મયુરસિંહ ભરતસિંહ ઝાલા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી નામચીનની છાપ ધરાવતાં અને અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા અંકિત શાહ તથા ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૭, ૩૨૪, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્‍યાનો કોશિષનો ગુનો નોંધ્‍યો છે.
મયુરસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે ૧૭/૨ના શુક્રવારે રાતે હું ઘરે હતો. પડોશમાં રહેતાં મારા ભત્રીજા ધવલસિંહ વિજયસિંહ રાઠોડના લગ્ન હોઇ જેથી રાતે લગ્નનું ફુલેકુ લઇને અમારા ઘર પાસેથી નીકળી તિરૂપતીનગર-૭માં આવેલા રાધેકૃષ્‍ણ મંદિર ખાતે દર્શન કરવા જવા બધા લોકો નીકળ્‍યા હતાં. આ વખતે રાતે અગિયારેક વાગ્‍યે બ્રહ્મસમાજ ચોક બ્રહ્મસમાજની વાડી પાસે પહોંચતા મારા મામાના દિકરા ભગીરથસિંહ ભરતસિંહ જાડેજાનો કે જે મારા ઘર નજીક રહેતાં હોઇ તેમનો ફોન આવ્‍યો હતો કે તું ઝડપથી બ્રહ્મસમાજ વાડીના ગેઇટ પાસે આવ. ફોન ચાલુ હતો ત્‍યારે મેં ઝડઘાનો અવાજ સાંભળ્‍યો હતો.
આ પછી હું તરત ત્‍યાં પહોંચ્‍યો હતો. ત્‍યારે ચાર શખ્‍સો માથાકુટ કરતાં હતાં અને ત્રણના હાથમાં છરીઓ હતી. આ લોકો મારા મામાના દિકરા ભગીરથસિંહ જાડેજા સાથે ઝપાઝપી કરતાં હતાં અને ગાળો દેતાં હતાં. હું તેને છોડાવવા જતાં એ લોકો અંદરો અંદર બોલતાં હોઇ જેથી એકનું નામ અંકિત શાહ હોવાની ખબર પડી હતી. આ અંકિતે મને છરીનો ઘા ડાબા પગના સાથળમાં ઝીંકી દીધો હતો. આ વખતે ભગીરથસિંહ મને બચાવવા આવતાં અંકિત અને સાથેના શખ્‍સોએ પેટના ભાગે ઉપરા ઉપર છરીના બે ઘા મારી દીધા હતાં.
આ વખતે મારા મોટા બાપુ પ્રવિણસિંહ ગુમાનસિંહ ઝાલા, મારા મોટા ભાઇ સહદેવસિંહ ઝાલા સહિતના આવી જતાં મને અને ભગીરથસિંહે રિક્ષામાં બેસાડી હોસ્‍પિટલે લઇ ગયા હતાં. હુમલો કરનારા ચારેય ભાગી ગયા હતાં. મને રસ્‍તામાં જાણવા મળ્‍યું હતું કે લગ્નના ફુલેકા વખતે રસ્‍તામાં ભગીરથસિંહ જાડેજા ટ્રાફિક ક્‍લીયર કરાવતાં હતાં તે વખતે અંકિત શાહ સહિતના ગાડી લઇને વચ્‍ચેથી નીકળવા જતાં તેને સાઇડમાં ઉભુ રહેવાનું કહેવાતાં તેણે માથાકુટ કરી હતી અને હમણા આવું છું કહીને થોડી જ વારમાં બીજા શખ્‍સોને લઇને આવ્‍યો હતો અને છરીથી તૂટી પડયો હતો. સ્‍ટાફ ટીમે રાતો રાત અંકિત સહિતને દબોચી લેવા માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્‍સીમાં અંકિતના ઘરે દરોડો પાડયો હતો. પરંતુ તે હાથમાં આવ્‍યો નહોતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.