ગરીબ કલ્યાણ મેળાના ૧૩મી કડીનો ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
*૧૩મા તબક્કામાં બે દિવસીય ગરીબ કલ્યાણ મેળા અભિયાન અંતર્ગત ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે*
*-મુખ્યમંત્રીશ્રી-*
· *૧૨ તબક્કામાં ૧પ૬૭ ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી ૧.૬૫ કરોડ દરિદ્રનારાયણોને ૩૪,૫૯૬ હજાર કરોડના લાભ-સહાય હાથોહાથ પહોંચાડ્યા છે*
· *રાજ્યના ગરીબો અને વંચિતોને સરકારી યોજનાનો લાભ હાથોહાથ આપી તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે હાથ પકડ્યો છે*
· *ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી કોઇ પણ વચેટિયાઓ વિના સરકારી યોજનાઓના લાભો અને સહાય સીધેસીધા ગરીબોને આપવામાં આવી રહ્યા છે*
· *વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે સમાજના છેવાડના માનવીને મુખ્યધારામાં લાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે*
*પંચમહાલ જિલ્લામાં ૩૫,૫૮૩ ઉપરાંત લાભાર્થીઓને ૨૮૧ કરોડની વિવિધ સહાયનું વિતરણ*
*મુખ્યમંત્રીશ્રીએ પંચાયત વિભાગની વિવિધ ૨૨ જેટલી યોજનાઓને સમાવી લેતી આગેકૂચ કોફી ટેબલ બુકનું કર્યું વિમોચન *
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગરીબ કલ્યાણ મેળાની ૧૩મી કડીનો આદિજાતિ જિલ્લા ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તેની સાથે વિવિધ જિલ્લાઓમાંથી પણ મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવો પણ જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ભાવવહી સ્વરે જણાવ્યું કે, રાજ્યના ગરીબો અને વંચિતોને સરકારી યોજનાનો લાભ હાથોહાથ આપી તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે હાથ પકડ્યો છે. ગરીબો અને વંચિતોના ઉત્કર્ષ માટેના શ્રેષ્ઠ કાર્યો ગુજરાતમાં થયા છે.
રાજ્ય સરકારના કાર્યમંત્ર હર હાથ કો કામ, હર કામ કા સન્માનનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી કોઇ પણ વચેટિયાઓ વિના સરકારી યોજનાઓના લાભો અને સહાય સીધેસીધા ગરીબોને હાથોહાથ આપવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૨ તબક્કામાં ૧પ૬૭ ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી ૧.૬૫ કરોડ દરિદ્રનારાયણોને ૩૪,૫૯૬ હજાર કરોડના લાભ-સહાય હાથોહાથ પહોચાડવામાં આવ્યા છે.
પંચમહાલ જિલ્લામાં ૩૫,૫૮૩ ઉપરાંત લાભાર્થીઓને ૨૮૧ કરોડની વિવિધ સહાયનું મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પંચાયત વિભાગની વિવિધ ૨૨ જેટલી યોજનાઓને સમાવી લેતી આગેકૂચ કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે દેશની ધૂરા સંભાળી ત્યારે પોતાના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે, મારી સરકાર, ગરીબો, વંચિતો, પીડિતો અને અંત્યોદયના ઉત્થાન માટે સતત સમર્પિત રહેશે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારે સમાજના છેવાડના માનવીને મુખ્યધારામાં લાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધર્યા છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી વિકાસની રાજનીતિના બે દાયકાના ફળ આપણે સૌ ચાખી રહ્યા છીએ. તેમણે ગુજરાતમાંથી ગરીબી દૂર કરવા સાથે રોજગારી આપવા અને ઉદ્યોગોના વિકાસ સાથે લોકોને ધંધારોજગાર આપવા માટેનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. દરેક ક્ષેત્રમાં વિકાસ કરીને વંચિતોને યોજનાકીય લાભો આપવાનું તેમણે શરૂ કર્યું છે. જેના ફળ આપણને આજે મળી રહ્યા છે.
વડાપ્રધાનશ્રીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતમાં સુવ્યવસ્થિત માર્ગો, પીવાનું શુદ્ધ પાણી, ઘરઘર ૨૪ કલાક વીજળી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો, તેમ કહેતા શ્રી પટેલે ઉમેર્યું કે, આ પાયા ઉપર અમારી સરકાર વધુ તેજ ગતિથી આગળ ધપી રહી છે.
ગુજરાતમાં મહત્તમ ઔદ્યોગિક મૂડી રોકાણ આવે તે માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલાના પરિણામે આજે ગુજરાતમાં મોટા ઉદ્યોગસમૂહો કાર્યરત થયા છે અને તેના કારણે મૂડી રોકાણ વધવાની સાથે લોકોને રોજગારી પ્રાપ્ત થઇ રહી છે. ગુજરાત વિદેશી રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. દાયકાઓથી ગુજરાત સમગ્ર દેશમાં રોજગારી આપવામાં અગ્રેસર છે. એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. .
તેમણે ઉમેર્યું કે, પહેલા માત્ર એક પોકેટમાં જ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. રોજગારી માટે વડોદરાથી વાપી સુધીના પટ્ટામાં જ જવું પડતું હતું. તેની સામે પાયાની ભૌતિક અને આંતરમાળખાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના કારણે આજે તાલુકાકક્ષાએ પણ ઉદ્યોગો સ્થપાયા છે અને લોકોને સ્થાનિક જ રોજગારી મળતી થઇ છે. જેના કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
ગરીબોને પગભર કરવા માટે રોજગારીની સ્થિતિનો ચિતાર આપતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, બે દાયકા પૂર્વે ગુજરાતમાં માત્ર ૨.૮૬ લાખ ઉદ્યોગો હતો, હવે અત્યારે ૧૬ લાખ જેટલા નાનામોટા ઉદ્યોગો ગુજરાતમાં કાર્યરત છે અને તેમાં જરૂરતમંદોને રોજગારીના અવસરો મળી રહ્યા છે.
ડબલ એન્જીન સરકારનો લાભ ગુજરાતને મળી રહ્યો છે, તેની ભૂમિકા આપતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પાકા આવાસો, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ જોડાણ, જનધન યોજનામાં બેંક ખાતા, પીએમ સ્વનિધિમાં નાના ફેરિયાઓને ગેરેંટી વિનાની લોનસહાય આપવામાં આવી છે. આ ઉપરાંત નલ સે જલ અંતર્ગત ગુજરાતમાં ૯૮ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. સાથે આદિજાતિ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધે એ માટે મેડિકલ અને ઇજનેરી કોલેજો શરૂ કરવામાં આવી છે. જેના કારણે આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પ્રાપ્ત થઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગોધરા જિલ્લા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે, કડાણા ડેમમાંથી પાનમ ડેમમાં પાણી નાખવાની યોજનાને રાજ્ય સરકાર દ્વારા તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજના સાકાર થતાં ખેડૂતો માટે સિંચાઇનું પાણી ઉપલબ્ધ થશે.
વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આત્મનિર્ભર ગુજરાત થકી સાકાર કરવા સૌને સાથે મળી આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ અંતે અનુરોધ કર્યો હતો.
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું કે અંત્યોદયની ભાવના સાકાર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો માર્ગ પ્રશસ્ત કરી વંચિતોને તેમને મળવા પાત્ર લાભો એક છત્ર હેઠળ આપવાની કાર્યશૈલી વિકસાવી છે અને તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આગળ વધારી છે. છેલ્લા બે દાયકાથી સર્વસમાવેશક નીતિથી સરકારે જનવિશ્વાસ સંપાદિત કર્યો છે. સ્પષ્ટ નીતિ અને સાફ નિયતને કારણે ગુજરાતે વિકાસના અનેક કીર્તિમાન સ્થાપ્યા છે.
પ્રારંભમાં કલેકટરશ્રી સુજલ મયાત્રાએ સૌનો આવકાર કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો સર્વશ્રી જયદ્રથસિંહજી પરમાર, સી. કે. રાઉલજી, શ્રીમતી સુમનબેન ચૌહાણ, જિલ્લા પ્રભારીશ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ,અગ્રણીઓ,અધિક વિકાસ કમિશનર શ્રી અર્જુનસિંહ રાઠોડ, પ્રભારી,અગ્રણીઓ, પદાધિકારીઓ,અધિકારીઓ સહિત લાભાર્થીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિનોદ પગી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.