રાજકોટમાંથી બે દિવસ માં ચાર શખ્સોને પિસ્તોલ અને કાર્ટીસ સાથે પોલીસે દબોચ્યા
શહેર પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખતાં શખ્સો પર ઘોંસ બોલાવી હોય તેમ અવિરત બીજા દિવસે પણ વધું બે શખ્સોને ગેરકાયદેસર હથિયાર સાથે દબોચી લીધાં હતાં. 48 કલાકમાં ચાર શખ્સોને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ મોડી રાતે માલીયાસણ ચોકડી પાસેથી મહમદ દલને તમંચા સાથે એલસીબી ઝોન-1 ની ટીમે અને ભગવતીપરામાંથી નામચીન ગંજેરી દાઉદ ઉર્ફે ભયલોને પિસ્તોલ સાથે એસઓજીએ દબોચી લીધો હતો.
જ્યારે એક દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે પીઠડ આઈ સોસાયટીમાંથી જયસુખ ઉર્ફે જશો અને સિધ્ધાર્થ સોસાયટીમાંથી શાપરના સોહિલ ઉર્ફે રેહાનને ભક્તિનગર પોલીસે પિસ્તોલ અને કાર્ટીસ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત અનુસાર, એલસીબી ઝોન-1 ના પીએસઆઈ બી.વી.બોરીસાગર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા, જિતેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ હિતેષ પરમારને માલીયાસણ ચોકડી ઓવર બ્રિજ નીચે એક શખ્સ ટ્રેક પેન્ટના નેફામા ગેરકાયદેસર હથિયાર રાખી ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળેથી શખ્સને પકડી તેનું નામ પૂછતાં મહમદ હાસમ દલ (ઉ.વ.33),(રહે. ભગવતીપરા આશાબાપીરની દરગાહ પાસે, નદીના કાંઠે) હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમે શખ્સની તપાસ કરતાં તેની પાસેથી એક લોખંડના બેરલવાળી દેશી બનાવટનો તમંચો મળી આવતાં આરોપીનો ધરપકડ કરી રૂ.10 હજારનો તમંચો કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.
પૂછતાછમાં આરોપી મહમદ દલ પોતાના શોખ માટે થોડાં સમય પહેલાં ચોટીલામાંથી પરપ્રાંતીય શખ્સ પાસેથી તમંચો મેળવ્યાની પ્રાથમિક કબુલાત આપતાં વધું પૂછપરછ માટે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બીજા દરોડામાં એસઓજી પીઆઈ જે.એમ.કૈલાની રાહબરીમાં એએસઆઈ ફીરોજ શેખ, ધર્મેશ ખેર, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલાને દાઉદ ઉર્ફે ભઈલો કદીર શાહમદાર નામનો શખ્સ ભગવતીપરા, ભગવતીપરા નદીના કાઠે સૌચાલય સામેના રોડ પર ગેરકાયેદસર હથીયાર સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળેથી દાઉદ ઉર્ફે ભઇલો કદીરભાઇ શાહમદાર (ઉ.વ.34),(રહે. ભગવતીપરા, આશાબાપીરની દરગાહ પાસે, ભરત પાનની સામે) ને પકડી તેની તપાસ કરતાં પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટની પીસ્ટલ અને 2 જીવતા કારતુસ મળી આવતાં આરોપીની ધરપકડ કરી પિસ્તોલ અને જીવતા કારતુસ મળી રૂ.25 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પૂછતાછ હાથ ધરી હતી.
પુછતાછમાં પકડાયેલો દાઉદ ઉર્ફે ભયલો પિસ્તોલ અને કારતુસ થોડાં દિવસ પહેલાં એક પરપ્રાંતીય શખ્સ પાસેથી મેળવ્યા હોવાની પ્રાથમિક કબુલાત આપી હતી. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી ગંજેડી છે અને છ મહિના પહેલાં અમદાવાદ પોલીસે તેને એનડીપીએસ ગુનામાં પકડ્યા બાદ તે પાંચ માસ પહેલાં છૂટીને પરત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરૂદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ મથકમાં દારૂ, હથિયાર, એનડીપીએસ ગુના નોંધાયેલ છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે પીઠડ આઈ સોસાયટીમાં આવેલ હિંગળાજ પાન પાસેથી જયસુખ ઉર્ફે જશો વલ્લભ વાઘેલા (રહે. નકલંક સોસાયટી શેરી નં.1, માંડાડુંગર) ને પિસ્તોલ અને કારતુસ સાથે પકડી લીધો હતો. જ્યારે ભક્તિનગર પોલીસે સિધ્ધાર્થ સોસાયટીમાંથી શાપરના મચ્છીના ધંધાર્થી સોહિલ ઉર્ફે રેહાન નામના શખ્સને પિસ્તોલ અને કાર્ટીસ સાથે દબોચી કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.