હાર્ટ ટુ હાર્ટ ભક્તિ ફેરી ૧૯ ઑક્ટોબર મનુષ્ય ગૌરવ દિન તમારો દરેક શબ્દ પ્રાર્થના બને પ્રત્યેક કર્મ યજ્ઞ બને તેવું જીવન જીવો - At This Time

હાર્ટ ટુ હાર્ટ ભક્તિ ફેરી ૧૯ ઑક્ટોબર મનુષ્ય ગૌરવ દિન તમારો દરેક શબ્દ પ્રાર્થના બને પ્રત્યેક કર્મ યજ્ઞ બને તેવું જીવન જીવો


૧૯ ઑક્ટોબર - મનુષ્ય ગૌરવ દિન તમારો દરેક શબ્દ પ્રાર્થના બને પ્રત્યેક કર્મ યજ્ઞ બને તેવું જીવન જીવો

સમગ્ર માનવજાતને સ્પર્શતું કાર્ય કરનાર શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો જન્મદિન તા. ૧૯ ઑક્ટોબર અખિલ વિશ્વનો માનવ સમુદાય તથા સ્વાધ્યાય પરિવાર મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવણી કરે છે.

આજે માણસની કિંમત, સમાજમાં એની પ્રતિષ્ઠા અને એની પાસે રહેલી ભૌતિક સંપત્તિથી અંકાય છે પણ માણસ "દેવી અંશ છે" આ સમજણથી તેનું ગૌરવ થતું નથી. વિત્ત અને સત્તાની તૃષ્ણા માણસ-માણસ વચ્ચે દીવાલરૂપ બની છે માનવ સમાજ માનસિક તનાવ અરક્ષિતતા, ક્ષુદ્રતા, એકાકીપણાની ભાવના અને વિભિન્ન ગ્રંથિઓથી પીડાતો રહ્યો છે. માણસ પોતાનામાં રહેલી ભગવદીય શક્તિને ન પિછાણતા, પોતાને નિરાધાર અને અસમર્થ માને છે. વિશ્વની ચાલક શક્તિ તેની સાથે છે, છતાં તે પોતાને એકલો-અટૂલો સમજે છે.શ્રી પાંડુરંગ શાસ્ત્રીજીએ સ્વાધ્યાયી કૃતિશીલોને "ભક્તિફેરી"માં મોકલી હાર્ટ ટુ હાર્ટ પદ્ધતિ અપનાવી, શિક્ષિત-અશિક્ષિત, ઉજળિયાત-પછાત વગેરે વિવિધ સ્તરના લોકોને, ગીતાની પાયાની વાત સમજાવી કે ઈશ્વર આકાશમાં બેઠો નથી, પણ માનવના હૃદયમાં રહેલો છે. મનુષ્યને ભક્તિનો દષ્ટિકોણ આપી, માનવસમાજમાં એકચ, દિવ્ય ભ્રાતૃભાવ અને સમાનતા નિર્માણ કરનાર તેમનો જન્મદિવસ - ૧૯ ઑક્ટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન સામાન્યતઃ મહાપુરુષની ઉપસ્થિતિમાં તેમના વિચારો પ્રમાણે કાર્યરત ખૂબ જ મોટો સમુદાય હોય જ્યારે તેઓ દેહસ્વરૂપે નથી છતાં પણ તેમના વિચારો અને પ્રેમથી ઊભો કરેલો દૈવી સ્વાધ્યાય પરિવાર, ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા અને સમગ્ર માનવજાત સાથેના દૈવી સંબંધનો વિચાર લઈને નિઃસ્વાર્થભાવે સમાજના અંતિમ માણસ સુધી જતો રહેલો છે. દીદીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ આ પરિવારે પાછલાં કેટલાય વર્ષમાં ન થયું હોય એટલું કામ ગત એક જ વર્ષમાં અનેકગણા ઉત્સાહ અને ઉમંગથી ગતિ આપી કરી દેખાડ્યું છે આવો, આપણે સહુ આજના પર્વે મનુષ્યત્વની ગરિમાને સમજીએ અને મનુષ્ય ગૌરવ દિનના વૈશ્વિક ઉત્સવમાં સહભાગી થઈએ.પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ ૧૯-૧૦-૧૯૨૦ના રોજ થયો હતો. બાળપણથી જ વાંચનશોખને કારણે મુંબઈની એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીમાં તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો વાંચતાં તેઓ કહેતા ‘હું વશિષ્ઠ વિશ્વામિત્રની પરંપરાનો બ્રાહ્મણ છું, કોઈનો આશ્રિત નહીં થાઉં, થઈશ તો માત્ર પ્રભુનો. તેમણે ભીલ, માછીમાર તથા ઉપેક્ષિત જાતિઓમાં જઈ જ્ઞાન અને સ્વમાનની જ્યોત પ્રગટાવી. ગામડે ગામડે ગીતાનો પ્રચાર કરી તેમના અનુયાયીઓ નિઃસ્વાર્થ ભાવે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તીર્થયાત્રા જેવા અનેક પ્રયોગોના માધ્યમથી સ્વાધ્યાય પ્રવૃત્તિ ચલાવે છે. જેમાં યજમાનને માત્ર પ્રકાશ, પાથરણુ અને પાણીની નજીવી સહાય ક૨વાની હોય છે. તા. ૨૫-૧૦-૨૦૦૩ના રોજ સ્થૂળ દેહનો ત્યાગ કરી પરમધામમાં પહોંચી ગયા ત્યારે સમગ્ર સ્વાધ્યાય પરિવારે તેમના વ્યક્તિત્વને ‘અખિલમ્ મધુરમ્' કહીને મૂક અર્ધ્ય આપ્યો.સ્વાધ્યાયકાર્યની આ પરિવાર ભાવના સમાજના કહેવાતા અસ્પૃશ્ય વર્ગને પણ સ્પર્શી ગઈ છે અને આ અસ્પૃશ્ય સમાજ પણ પોતે પણ નિહાળવા ગયા હતા.ફક્ત દલિત સમાજ જ નહીં, માછીમાર સમાજ, વાઘરી સમાજ, આગરી સમાજ, વનવાસી સમાજ, ઠાકોર સમાજ વગેરે આ દૈવી સંબંધથી સ્વાધ્યાય પરિવારના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ ગયા છે.વિશ્વકક્ષાના અનેક પ્રતિષ્ઠિત ઍવોર્ડ - મેગ્સેસ ઍવોર્ડ તથા ટેમ્પલટન એવોર્ડ મળ્યા હૃદયની મહાનતા કેટલી કે આ વિચારકાર્ય અને પદ્ધતિ સ્વીકૃત કરીને જે માન મળ્યાં છે તે સ્વાધ્યાય પરિવારને આભારી છે તેમ ગદિત કંઠે તેઓ કહેતા.કામ પોતે કરે અને યશ બીજાને આપી દેતા. રેમન મેગ્સેસે ઍવોર્ડ મળ્યો ત્યારે પૂ. દાદાએ કહ્યું હતું કે, આનો બધો જ યશ મારા કૃતિશીલોનો છે. એ તેમણે સ્વાધ્યાય માટે પણ સમજાવ્યું છે કે ઋષિઓની દેણગી છે. તૈતરીય ઉપનિષદમાં ઋષિએ વિદ્યાર્થીઓના સમાવર્તન સંસ્કાર (પદવીદાન) વખતે આપેલ મંત્ર સ્વાધ્યાવાત્મા પ્રમનઃ તે શાબ્દિક ન રહેતાં ગામડે ગામડે જીવંત બન્યો છે. એક જીવંત પદ્ધતિ તરીકે અને જીવન તરફ જોવાનો એક વિશિષ્ટ અને આને સંપૂર્ણ દૃષ્ટિકોણમાં પરિણીત થયો છે. સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય એટલે પ્રભુસેવા, આદર્શનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, સ્વ.માં રહેલા ‘અહં’ને પ્રભુમાં ઓગાળવાની પ્રવૃત્તિ.હું કોઈનો છું અર્થાત્ પ્રભુનો છું. પ્રભુની ગોદમાં બદલાયેલી વૃત્તિ

નિર્મળ થાય તેવી સમજણ પાકી કરવા માટે સ્વાધ્યાય જરૂરી છે.સ્વાધ્યાય એટલે સદ ઈચ્છા કરવા ભેગા થવું, જ્યાં માણસ લાચાર થતો નથી. ઓશિયાળો થતો નથી. મહેરબાની લેતો નથી. મફતનું લેતો નથી. સ્વાર્થીકે બાપડો થતો નથી.જે કોઈનું કદી બૂરું ઇચ્છતો નથી. સદા સારું ઇચ્છે છે. એટલે પ્રભુને કેન્દ્રમાં રાખીને પ્રભુ માટે કામ કરે છે તે સ્વાધ્યાયી."સ્વાધ્યાયી"એટલે કૃતિ ભક્તિ દ્વારા માનવને હૂંફ આપવા અને હૂંફ લેવા ગામે ગામે ફરતો રહેનારો પ્રભુનો બંદો.

‘સ્વાધ્યાયી’નો ધ્યેય હોય છે, કોઈનું કંઈ પણ લીધા વિના પ્રભુનું કામ કરવું, કારણ કે તે જાણે છે કે જગતનો જગદીશ સચરાચર બ્રહ્માંડને ચલાવે છે તે જ મારું શરીર અને જીવન ચલાવનાર છે.

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.