ગત સાંજે લાગેલી આગ સવારે કાબૂમાં આવી
હિંમતનગરના રૂપાલ કંપા પાસે ફેક્ટરીમાં 9 ફાયર ફાયટરે 8 કલાકમાં આગ બુઝાવી; 1 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ કંપા પાસે ગઈકાલે સાંજે ગ્લુ સ્ટીક બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 9 ફાયર ફાયટરની ટીમોએ 8 કલાક સુધી 1 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવી આજે સવારે આગ બુઝાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના રૂપાલ કંપા પાસે પેટ્રોલ પંપ પાછળ આવેલા સ્પાર્ટન ઇન્દ્રસ્ટ્રીઝમાં પ્લાસ્ટિકના દાણામાંથી ગ્લુસ્ટીક બનાવતી ફેક્ટરીમાં શુક્રવારે મોડી સાંજે અચાનક આગ લાગી હતી. જેને લઈને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આસપાસના વિસ્તારોમાંથી લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ હિંમતનગર નગરપાલિકાની ફાયર ટીમને કોલ મળતા તાત્કાલિક 3 ફાયર ફાયટર સાથે સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ વધુ હોવાને લઈને મોડાસા, તલોદ, પ્રાંતિજ અને વિજાપુરથી ફાયર ફાયટર મંગાવ્યા હતા. આગ લાગવાના બનાવને લઈને ગાંભોઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ભીષણ આગ લાગવાને લઈને આખી ફેકટરી ભસ્મીભૂત થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી.
આ અંગે હિંમતનગર ફાયર વિભાગના મયંક પટેલે જણાવ્યું હતું કે, આગ લાગવાની જાણ થયા બાદ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. વધુ આગ હોવાને લઈને હિંમતનગરના 2 બ્રાઉઝર અને 1 મીની ટેન્ડર, મોડાસાના 2 બ્રાઉઝર અને 1 મીની ટેન્ડર, તલોદ અને પ્રાંતિજનું એક-એક મીની ટેન્ડર અને વિજાપુર પાલિકાનું એક બ્રાઉઝર મળી 9 ફાયટરથી આગ બુઝાવવાની શરૂ કરી હતી. આજે સવારે 3 વાગ્યા બાદ સંપૂર્ણ આગ બુઝાવી હતી. અંદાજે 8 કલાકથી વધુના સમયમાં 9 ફાયટર વડે અંદાજે 1 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ બુઝાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.