કોવિડમાં કોવિશીલ્ડ રસીની આડઅસર બધાને નથી થઈ, ગભરાવાની જરૂર નથી
હૃદયરોગની બીમારી હોય તો તબીબી સલાહ બાદ મેડિકેશન જરૂરી
કોવિડમાં કોવિશીલ્ડ રસીની આડઅસર બધાને નથી થઈ, ગભરાવાની જરૂર નથી
લોહી ગંઠાઈ જવાથી થતાં મોત રોકવા સંશોધન જરૂરીઃ તબીબો
એસ્ટ્રાજેનેકાની રસી કોવિશીલ્ડની આડઅસરની બાબતો સામે આવી છે, રસીના કારણે હૃદય સહિતના શરીરના અંગોમાં લોહી ગંઠાઈ જવાથી મોતના કિસ્સા સામે આવ્યા છે, રસી બનાવતી કંપનીએ બ્રિટનમાં આડઅસરની બાબતનો સ્વીકાર કર્યો છે. ગુજરાત સહિત દેશભરમાં મોટા ભાગના લોકોને કોરોના સમયે કોવિશીલ્ડની રસી આપવામાં આવી હતી. આ બાબતને લઈ મેડિકલ એસોસિયેશન સાથે સંકળાયેલા તબીબોનું કહેવું છે કે, વેક્સીનની આડઅસર બધાને થઈ નથી, જૂજ લોકોને જ અવળી અસર થઈ છે, બાકી કોવિડ સમયે રસીએ કરોડો લોકોના જીવ બચાવવાનું કામ કર્યું છે. એકંદરે ગભરાવાની ખાસ જરૂર નથી પરંતુ લોહી ગંઠાઈ જવાથી થતાં મોત રોકવા માટે સંશોધન થવું જરૂરી છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત બાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશનું કહેવું છે કે, કોવિડ રસીની આડઅસરની વાત સામે આવી છે, યુવાનોના આકસ્મિક મોત થાય છે તેમાં હવે શું કરવું તે બાબત પર ફોકસ કરીને સંશોધનની જરૂર છે, જેથી લોકોના જીવ બચાવી શકાય. એટલું જ નહિ પરંતુ આ રસી ભવિષ્યમાં આપવી કે કેમ તે પણ એક મોટો સવાલ છે. દેશમાં કરોડો લોકોને રસી આપવામાં આવી છે, જોકે બધાને તેની આડઅસર નથી, જૂજ કિસ્સામાં જ આવું બન્યું છે. કોરોના મહામારી સમયે રસીના કારણે જ મોટી સંખ્યામાં લોકોનો જીવ બચાવી શકાયા છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ ડો. મૂકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, જે લોકો હૃદય સંબંધિત બીમારીથી પીડાતાં હોય તેમણે તબીબની સલાહ લેવી જોઈએ અને જરૂર જણાય તો મેડિકેશન પણ શરૂ કરવું જોઈએ. આડઅસર ચિંતાનો વિષય જરૂર છે પણ ગભરાવાની જરૂર નથી. સામાન્ય રીતે કોઈ પણ રસી આવતાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમય લાગતો હોય છે, જોકે મહામારી સમયે ઈમરજન્સી યૂઝ થયો હતો.
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.