રાજકોટમાં ધો.૧૨ની છાત્રાનો પરીક્ષાના ૧૫ દિવસ પૂર્વે જ આપઘાત
રાજકોટમાં વધુ એક ધો.12 સાયન્સની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આત્મઘાતી પગલું ભરનાર વિદ્યાર્થીની પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં તેણીએ માથાના દુખાવાથી કંટાળી પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિધાર્થીનીના આપઘાતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ જેતપુર તાલુકાના કેરાડી ગામની વતની અને હાલ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલ એમ્પલ ગર્લ્સ હોસ્ટેલમાં રહી યુનિવર્સીટી રોડ ઉપર આવેલી અરૂણોદય સ્કૂલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી દેવાંશી પરસોત્તમભાઈ સરવૈયા નામની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ ઘટના અંગે જાણ થતાં યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વિધાર્થીનીના આપઘાત અંગે તેના પરિવારને જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પુત્રીના મોતના સમાચાર મળતા જ પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિદ્યાર્થીની પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં ગુડ બાય એન્ડ સોરી, મને કાઈ વાંધો નથી, પણ મને નથી ગમતું, માથું બોવ જ દુખ્યા કરે છે. પપ્પા તમે કાઈ ટેનશન ન લેતા સોરી પપ્પા મને માફ કરી દેજો, ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો, ભાઈ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષાના 15 દિવસ પૂર્વે જ વિધાર્થીનીએ આત્મઘાતી પગલું ભરી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.