માંડવા પદ્ધતિથી શાકભાજીની ખેતીમાં પોગલુના 55 વર્ષીય હસમુખભાઈ એ કાઠું કાઢ્યું - At This Time

માંડવા પદ્ધતિથી શાકભાજીની ખેતીમાં પોગલુના 55 વર્ષીય હસમુખભાઈ એ કાઠું કાઢ્યું


માંડવા પધ્ધતિથી શાકભાજીની ખેતીમાં પોગલુના ૫૫ વર્ષિય હસમુખભાઇએ કાઠુ કાઢયું
ડ્રિપ ઇરીગેશન અને મલ્ચિંગ પધ્ધતિથી ખેતી કરતા પાણીનો બચાવ થાય છે
હસમુખભાઇ પટેલ
સાબરકાંઠા જિલ્લાનો પ્રાંતિજ તાલુકો એટલે શાકભાજીમાં અગ્રેસર. પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના ૫૫ વર્ષીય હસમુખભાઈ પટેલે પોતાની આગવી કોઠા સૂઝથી શાકભાજીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. હસમુખભાઈએ કેમેસ્ટ્રીના વિષયમાં સ્નાતકની પદવી મેળવી છે. તેઓ એક ખેડૂત તરીકે ખૂબ જ સારી ખેતી કરે છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે ખેડૂતો માટે એક નવો રાહ ચીંધ્યો છે.
હસમુખભાઈ જણાવે છે કે, તેઓ ૨૫ વીઘામાં શાકભાજીની ખેતી કરે છે. જેમાં તેમની પોતાની જમીન અને બીજા લોકો પાસેથી ભાડા પેટે રાખીને ખેતી કરે છે. હાલમાં વેલાવાળી શાકભાજીની માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબની ખેતી કરે છે. તેમણે માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે, જે લગભગ ૫ વર્ષ સુધી તો ચાલે જ છે. જેમાં ટામેટી, દુધી, કાકડી, કંકોડા જેવી વેલાવાળી શાકભાજી સાથે ડ્રાફ્ટીંગ રીંગણ, વટાણા, મૂળા અને ફૂલાવરની ખેતી કરે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, આ વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે. જેના થકી ખૂબ જ સારી આવક મળે છે. આ વખતે તેમને ૬ વીઘા જમીનમાં ટામેટી, એક વીઘામાં રીંગણ, બે વીઘામાં કારેલી, એક વીઘામાં દૂધી, એક વીઘામાં કાકડી, આ સિવાય અડધા વીઘા જમીનમાં કંકોડા વાવ્યા છે. ટૂંક સમયમાં ડ્રાફ્ટિંગ રીંગણ, ચાર વિધા જમીનમાં ફુલાવર, એક વીઘામાં વટાણા, મૂળા જેવા વિવિધ શાકભાજી કરવાના છે.
હાલમાં તેઓએ પ્રાયોગીક ધોરણે અડધા વીઘા જમીનમાં કંકોડાની માંડવા પદ્ધતિથી ખેતી કરી છે. જેમાં આંતરા દિવસે ૨૦ થી ૨૫ કિલો કંકોડા નીકળે છે. તેઓ હોલસેલ ભાવમાંથી ₹100 કિલો કંકોડાનું વેચાણ કરે છે. આ સિવાય તેઓ જણાવે છે કે ત્રણ વીઘા જે ડ્રાફ્ટિંગ રીંગણ કરવાના છે તેનુ લગભગ આ વખતે તેમને ૨૬00 મણ જેટલો ઉતારો મળશે.
ટામેટા માંથી ગયા વર્ષે દસ લાખના ટામેટાનું વેચાણ કર્યું હતું. પાછલા વર્ષે તેમણે ૧૫ વીઘા શાકભાજી કરી હતી. જેમાંથી ૧૫ લાખનું વેચાણ કર્યું હતું. પ્રથમ વખત માંડ્વાનો અને બીજા બધા ખર્ચ કાઢતા તેમણે સાતથી આઠ લાખનો નફો થયો હતો. આ વર્ષે નફાનુ પ્રમાણ વધુ રહેશે કારણ કે આ વર્ષે માંડવાનો ખર્ચ નહી થાય.
હસમુખભાઇ જણાવે છે કે, આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રીપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે. જેથી પાણીનો વ્યય ના થાય અને છોડને જરૂર મુજબનું પાણી મળી રહે તથા છોડમાં લાંબો સમય ભેજ ટકી રહે તે માટે મલ્ચિંગ ખૂબ જ સારો વિકલ્પ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી પદ્ધતિસરની ખેતી કરવામાં પાણીનો બચાવ થાય છે જે લાંબા ગાળે ખૂબ જ મહત્વનો સાબિત થાય તેમ છે. હાલમાં વડાપ્રધાન શ્રી દ્વારા જળસંચય અને જળસંરક્ષણની જે વાતો કરવામાં આવી રહી છે. તેનો મુખ્ય લાભ ખેડૂતને થવાનો છે. કારણ કે પાણીની સૌથી વધુ જરૂર ખેતીમાં પડતી હોય છે. ખેડૂત માટે પાણી સૌથી મહત્વનો મુદ્દો છે. પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાથી જમીન બિન ઉપજાવ થવાના સંભવ રહે છે.
ડ્રીપ ઈરીગેશ, મલ્ચિંગ પદ્ધતિ પાણીના બચાવવા માટેનો સારો સોર્સ બની રહેશે. અંતમાં હસમુખભાઈ જણાવે છે કે, ૧૦ વિધા જમીનમાં સારી ખેતી કરો તો નોકરીની જરૂર ન રહે. તેઓ આ શાકભાજીની ખેતીમાં ૧૫ થી ૨0 માણસોની રોજી પૂરી પાડી શકે છે. જે તેમના માટે ખૂબ જ સંતોષ અને ખુશીની વાત છે. આપણે પોતાના માટે તો કંઈક કરીએ છીએ પણ સાથે બીજાનુ પણ ભલુ થાય તો ભગવાન આપણા ઉપર રાજી રહે છે એમ કહી તેઓ પોતાનો આધ્યાત્મિક અભિગમ રજૂ કરે છે.
રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા.97144 03435


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.