લખનૌમાં મહિલાનુ મોતઃ અત્યંત ઝનૂની સ્વભાવના પિટબુલ ટેરિયર ડોગ, 41 દેશોએ પ્રતિબંધ મુક્યો છે
નવી દિલ્હી,તા.15 જુલાઈ 2022,શુક્રવારલખનૌમાં 80 વર્ષની મહિલાનુ તેના જ પાળેલા કુતરા પિટબુલ ટેરિયરે હુમલો કરીને મોત નીપજાવ્યુ હોવાની ઘટનાએ દેશમાં ચકચાર મચાવી છે.જોકે પિટબુલ ટેરિયર પ્રજાતિના ડોગ દ્વારા માલિક પર હુમલો કરવાની આ પહેલી ઘટના નથી. આ પ્રજાતિના કુતરા ભારે ખૂંખાર હોય છે અને તેઓ પોતાના માલિક પર હુમલો કરવા માટે કુખ્યાત છે. જેના પગલે દુનિયાના 41 દેશોએ આ પ્રજાતિના કુતરા પાળવા પર પ્રતિબંધ મુકેલો છે.કુતરા પાળવાના ભારે શોખીન અમેરિકન લોકોમાંથી પણ ઘણા પિટબુલ ટેરિયર પ્રજાતિના કુતરાને પસંદ કરતા નથી. કારણકે આ કુતરા ક્યારે ગુસ્સે થશે તે નક્કી નથી હોતુ. જે ઘરમાં નાના બાળકો હોય ત્યાં તો આ કુતરા પાળવા વધારે ખતરનાક બની શકે છે.અમેરિકામાં જે કુતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવે છે તેમાં 20 ટકા જેટલા પિટબુલ જ હોય છે. કારણકે ઘણા માલિકો આ કુતરાને છોડી દેતા હોય છે.અમેરિકામાં પાળેલા કુતરામાં પિટબુલની ટકાવારી છ ટકા જ છે પણ તે બીજી પ્રજાતિઓના કુતરા કરતા માણસો પર હુમલો કરવામાં અવ્વલ છે. અમેરિકામાં અને કેનેડામાં 2009 થી 2018 દરમિયાન પિટબુલ પ્રજાતિના કુતરાઓએ 3569 લોકોને હુમલો કરીને મારી નાંખ્યા છે અથવા તો ગંભીર રીતે ઘાયલ કર્યા છે. આમાંથી કેટલાક તો અપંગ પણ થઈ ગયા છે.અમેરિકામાં કુતરા કરડવાની ઘટનાઓમાં 80 ટકા મામલા પિટબુલ ટેરિયર સાથે જોડાયેલા હોય છે. ઉપરાંત પિટબુલના હુમલો કરવાના કારણે સર્જરીની જરુર પડી હોય તેવા કિસ્સા અન્ય કુતરાઓના કરડવાના કિસ્સા કરતા પાંચ ગણા વધારે છે.અમેરિકામાં 2016 થી 2019 દરમિયાન પિટબુલના હુમલાના કારણે 110 અમેરિકન લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી 57 તો તેના માલિક જ હતા.2021માં 37 અમેરિકન્સ પિટબુલના હાથે માર્યા ગયા હતા. આ પૈકી 21 તો પિટબુલના માલિક હતા અથવા પરિવારના સભ્ય હતા.ઉલ્લેખનીય છે કે, લખનૌમાં મંગળવારે બંગાલી ટોલા વિસ્તારમાં રહેતા 80 વર્ષના મહિલા સુશીલા ત્રિપાઠી પર તેમના જ પાળેલા ડોગ પિટબુલ ટેરિયરે હુમલો કરી દીધો હતો. જેમાં તેમનુ મોત થયુ હતુ. એ પછી આ કુતરાને પાંજરા પાછળ ધકેલી દેવાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.