આસામની સરકારી સ્કૂલો જોવા ક્યારે આવું : કેજરીવાલનો સવાલ - At This Time

આસામની સરકારી સ્કૂલો જોવા ક્યારે આવું : કેજરીવાલનો સવાલ


નવી દિલ્હી, તા.૨૭સરકારી સ્કૂલો મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આસામના મુખ્યમંત્રી હેમંતા બિશ્વા સરમા શનિવારે ટ્વિટર પર બાખડી પડયા હતા. બીજીબાજુ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ભાજપ શાસિત રાજ્યોમાં છ વર્ષ ૭૨,૦૦૦ સરકારી સ્કૂલો બંધ કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આસામના મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો કે તેઓ આસામની સરકારી સ્કૂલો જોવા ક્યારે આવે. કેજરીવાલે બુધવારે એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે સરકારી સ્કૂલો બંધ કરી દેવી એ કોઈ ઉકેલ નથી. સમગ્ર દેશમાં વધુ સરકારી સ્કૂલો ખોલવાની જરૂર છે. આ સાથે તેમણે એક ન્યૂઝ રિપોર્ટની લિંક શૅર કરી હતી, જેમાં દાવો કરાયો હતો કે આસામમાં પણ કેટલીક સ્કૂલો 'બંધ' કરી દેવાઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી ટ્વિટર પર બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.આપ સુપ્રીમો કેજરીવાલે શનિવારે હિન્દીમાં ટ્વીટ કરી હતી કે, 'એમ કહેવાય છે કે તમે કોઈને કહો કે હું ક્યારે આવું?' અને જો સામેવાળી વ્યક્તિ એમ કહે કે 'ગમે ત્યારે આવ' તો તેનો અર્થ થાય છે 'તમે ક્યારેય ન આવશો.' હેમંતાજી મેં તમને પૂછ્યું છે - તમારી સરકારી સ્કૂલો જોવા હું આસામ ક્યારે આવું? તમે મને તેનો જવાબ આપ્યો નહીં. કેજરીવાલની અગાઉની ટ્વીટના જવાબમાં હેમંતા બિશ્વા સરમાએ શુક્રવારે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, અરવિંદજી, તમારી બેદરકારી પીડાદાયક છે. આસામ દિલ્હી કરતાં ૫૦ ગણું મોટું છે. તમારી ૧,૦૦૦ સ્કૂલો સામે અમારી ૪૪,૫૨૧ સરકારી સ્કૂલોમાં ૬૫ લાખ વિદ્યાર્થીઓ ભણે છે. અમારા સમર્પિત શિક્ષકોની સંખ્યા બે લાખથી વધુ છે.બીજીબાજુ દિલ્હીમાં સ્કૂલોમાં વધારાના ક્લાસરૂમ બનાવવા અંગે તપાસના વિવાદ વચ્ચે નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ દાવો કર્યો કે ભાજપ અભણોનો પક્ષ છે અને દેશને અભણ રાખવા માગે છે. દિલ્હીની સરકારી સ્કૂલો ખાનગી સ્કૂલો કરતાં વધુ સારી છે. તેમણે ભાજપ શાસિત રાજ્યોમાં ૨૦૧૫થી ૨૦૨૧ વચ્ચે ૭૨,૦૦૦થી વધુ સરકારી સ્કૂલો બંધ કરાઈ હોવાનો આક્ષેપ મૂક્યો હતો. ૨૦૧૮-૧૯માં જ ૫૧,૦૦૦થી વધુ સ્કૂલો બંધ થઈ. આ વિસ્તારોમાં તેમના ધારાસભ્યો ખાનગી સ્કૂલો બનાવી રહ્યા છે. આ રાજ્યોમાં અંદાજે ૧૨,૦૦૦ ખાનગી સ્કૂલો ખોલવામાં આવી છે. તેમના શાસનમાં આટલી બધી સરકારી સ્કૂલો બંધ કેમ થઈ તેની તપાસ થવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.