યુક્રેનથી પાછા આવેલા સ્ટુડન્ટ્સ શું કરે છે?:રિશા હિંમત કરીને ફરી યુક્રેન ગઈ, હર્ષ રશિયા ગયો પણ તેણે નોંધવા જેવી વાત કરી
24 ફેબ્રુઆરી, 2022નો દિવસ યાદ હશે. રશિયાએ પાડોશી દેશ યુક્રેન પર જોરદાર મિસાઈલ હુમલા શરૂ કર્યા ને યુક્રેન સાથે યુદ્ધની જાહેરાત કરી. બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ તો થયું પણ ભારતમાં બેઠેલા પેરેન્ટ્સને તેમના સંતાનોની ચિંતા થવા લાગી. અમારા બાળકોનું શું, એ પાછા કેવી રીતે આવશે, વિદેશ મંત્રાલયના ફોન સતત એન્ગેજ આવતા રહ્યા. કારણ કે, ભારતના 85 હજાર સ્ટુડન્ટ્સ યુક્રેનમાં ફસાયા હતા. આવા સમયે ભારતની વિદેશ નીતિ કામ કરી ગઈ ને 75 જેટલી સ્પેશિયલ ફ્લાઈટથી ભારતીય સ્ટુડન્ટ્સને વતન પાછા લાવવામાં આવ્યા. મોટાભાગના મેડિકલ સ્ટુડન્ટ હતા. હવે સવાલ એ આવ્યો કે આગળના એજ્યુકેશન માટે કરવું શું?
આવા પ્રશ્ન એ સ્ટુડન્ટ્સને થઈ રહ્યા છે, જે વિદેશ ભણવા જવા માગે છે. અત્યારે એડમિશનની સિઝન ચાલી રહી છે ત્યારે આ સ્ટુડન્ટ્સના અનુભવો પરથી સમજી શકાશે કે, ભવિષ્યમાં પોતાની સાથે આવા સંજોગો ઊભા થાય તો શું કરી શકાય? યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી સ્ટુડન્ટ્સનું શું થયું? એ સવાલ પણ દરેકને થાય. અમે એ સ્ટુડન્ટ્સ અને તેના પેરેન્ટ્સ સાથે વાત કરી જે યુક્રેન વોર સમયે તકલીફોનો સામનો કરી ચૂક્યા છે. અહીંયા અમદાવાદના ચાર સ્ટુડન્ટની વાત કરીએ...
શિવમ નાયક - આગળનો અભ્યાસ કિર્ગીસ્તાન કર્યો
સિદ્ધ નાયક - આગળનો અભ્યાસ અમેરિકા કર્યો
રિશા જૈન - આગળનો અભ્યાસ ફરી યુક્રેન જ કરે છે
હર્ષ ભાવનાની - આગળનો અભ્યાસ રશિયા કર્યો યુક્રેનથી પાછા આવેલા સ્ટુડન્ટ્સમાંથી 80 ટકા સ્ટુડન્ટ્સ બીજા દેશોમાં ભણ્યા
આ સ્ટુડન્ટ્સ કે તેના પેરેન્ટ્સની વાત આગળ વધારીએ તો મેડિકલના એજ્યુકેશન એડવાઈઝર, MD ફિઝિશિયન અને ઓમ એજ્યુકોનના ડાયરેક્ટર ડો. ઉમેશ ગુર્જરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 85 હજાર જેટલા સ્ટુડન્ટ યુક્રેન વોરના કારણે પાછા આવી ગયા. એમાંના 80 ટકા સ્ટુડન્ટ્સે અલગ અલગ દેશો જેવા કે, રશિયા, કિર્ગીસ્તાન, કઝાકિસ્તાન, અર્મેનિયા, જ્યોર્જિયા, બેલારૂસ જેવા દેશોમાં ટ્રાન્સફર લઈ લીધી. કારણ કે તેને નેશનલ મેડિકલ કમિશ (NMC)એ મંજૂરી આપી. બાકી રહ્યા 20 ટકા. તેમાંથી 10 ટકા સ્ટુડન્ટ્સે અભ્યાસક્રમ જ છોડી દીધો. થોડા દિવસો ઓનલાઈન ક્લાસિસ કર્યા પણ અભ્યાસમાંથી ઈચ્છા શક્તિ જ ઊડી ગઈ. બાકીના 10 ટકા છે, તે હજી પણ ફસાયેલા છે. ઘણા સ્ટુડન્ટને ઓરિજીનલ ડોક્યુમેન્ટ નથી મળ્યા. ઘણા સ્ટુડન્ટ્સને એકેડેમિક પ્લાન જોઈતો હોય છે, રિઝલ્ટ જોઈતું હોય છે તે નથી મળ્યા. ત્યાંની કોલેજો કે યુનિવર્સિટીઓએ જે પૈસા માગ્યા તે અમુક લોકો આપી ન શક્યા એટલે તેના કારણે કેટલાક સ્ટુડન્ટ્સ ઘરે બેઠા છે. મારી દીકરી ભણે છે તે ટર્નોપીલ શહેરથી યુદ્ધનો સરહદી વિસ્તાર 800 કિલોમીટર દૂર છે યુક્રેન વોર વખતે અમદાવાદ પાછી આવી ગયેલી સ્ટુડન્ટ્ રિશા જૈન આગળનું એજ્યુકેશન પૂરું કરવા ફરી યુક્રેન જ ગઈ છે. તેના રાણીપ ખાતે રહેતા પિતા રાજેશ જૈન કહે છે, નીટ આપ્યા પછી તેને જોઈએ તેવા માર્ક ન આવ્યા એટલે અહીંની સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન ન મળ્યું. અહીંયા ખાનગી કોલેજમાં ફીનું સ્ટ્રક્ચર હાઈ છે. અમે અમારા ગ્રુપમાં સલાહ લીધી અને જાણ્યું કે બે-ત્રણ વ્યક્તિ યુક્રેનથી જ એમબીબીએસ કરીને આવ્યા હતા. એમનો યુક્રેન માટે અભિપ્રાય સારો હતો. એ લોકોનું છ વ્યક્તિઓનું ગ્રુપ હતું. બધા એક સાથે ટર્નોપીલ સિટીમાં ગયા. ત્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો ને વોર શરૂ થઈ ગઈ.
તો ફરી યુક્રેન જ કેમ જવાનું નક્કી કર્યું? જવાબમાં રાજેશ જૈન કહે છે, એનું એક સેમેસ્ટર અહીંયા ઓનલાઈન ચાલ્યું. ઓનલાઈન સ્ટડી ચાલી રહી હતી ત્યારે સિનિયર લોકો સાથે વાતચીત થતી હતી. બીજા સ્ટુડન્ટ જે અહીંયા આવી ગયા હતા તેની સાથે પણ વાતચીત થતી રહેતી હતી. ઘણાએ સલાહ આપી કે બીજા દેશમાં ટ્રાન્સફર લઈ લો. રશિયા ચાલ્યા જાવ કે બીજા દેશમાં એડમિશન લઈ લો. ઘણા લોકોએ તો ભણવાનું જ છોડી દીધું. પણ મારી દીકરીએ કહ્યું કે, લાઈફમાં જે ડેસ્ટીની લખી હશે તે થશે જ, આપણે બેકફૂટ પર નથી જવું. હું ભણીશ તો યુક્રેન જઈને જ ભણીશ. એ જ યુનિવર્સિટીમાંથી એજ્યુકેશન પૂરું કરીશ. મારી દીકરી રિશાની સાથે બીજા ત્રણ સ્ટુડન્ટ હતા. એટલે ચારેયે સાથે મળીને નક્કી કર્યું કે, આપણે યુક્રેન જ પાછા જઈશું. પછી અમે વિઝા પ્રોસેસ કરી. સરકારે તેમાં મદદ કરી. અમને ડાયરેક્ટ યુક્રેનના વિઝા ન મળે એટલે પોલેન્ડના ઈન્ડાયરેક્ટ વિઝા લઈને યુક્રેન પહોંચ્યા. ત્યાંની સરકારે પણ કહ્યું કે, સ્ટુડન્ટ ભલે આવે. અહીં ચિંતા જેવું નથી. જ્યાં મારી દીકરી ભણે છે તે ટર્નોપીલ શહેરથી યુદ્ધનો સરહદી વિસ્તાર 800 કિલોમીટર દૂર છે એટલે ડરવા જેવું લાગ્યું નહીં. આમ પણ યુદ્ધ દરમિયાન ટર્નોપીલ શહેરમાં કાંઈ થયું પણ નથી. સ્ટુડન્ટ હિંમત કરીને ગયા છે ને ભણી રહ્યાં છે. સ્ટુડન્ટ માટે બે વર્ષની નહીં, એક જ વર્ષની ઈન્ટર્નશિપ હોવી જોઈએ : રાજેશ જૈન
રિશાના પિતા રાજેશ જૈન કહે છે, અમારો સરકારને અનુરોધ છે કે, જે સ્ટુડન્ટ બહાર ભણવા ગયા છે. માત્ર યુક્રેન જ નહીં, ફિલિપાઈન્સ ગયા છે કે ચાઈના ગયા છે કે બીજા દેશોમાં ગયા હતા તેમને કોરોના નડી ગયો. કોરોના દરમિયાન એકથી દોઢ વર્ષ ઓનલાઈન અભ્યાસ ચાલ્યો. જે સ્ટુડન્ટ્સ યુક્રેન ગયા હતા તો ત્યાં વોર શરૂ થઈ તો આ લોકોએ છ સેમેસ્ટર ઓનલાઈન ભણવાં પડ્યાં. સરકારે એવા ફેરફાર કર્યા છે કે જે બાળકો વિદેશમાં ભણીને આવ્યા છે તેને FMG આપ્યા પછી બે વર્ષની ઈન્ટર્નશિપ ફરજિયાત છે. જે બાળકોએ ઓનલાઈન અભ્યાસ કર્યો છે તે નિયમ મુજબ એક વર્ષની ઈન્ટર્નશિપ કરી શકે પણ હવે સરકારે ઈન્ટર્નશિપમાં બે વર્ષ કરી નાંખ્યા છે. તો અમારી વિનંતી છે કે, ઈન્ટર્નશિપ બે વર્ષની જગ્યાએ એક વર્ષની કરી નાંખવી જોઈએ. યુક્રેનની કોલેજમાં નવા સ્ટુડન્ટ આવે છે તે લોકલ જ છે, બહારના દેશોમાંથી કોઈ નથી
યુક્રેન ગયેલી રિશા જૈનનાં માતા રાખી જૈન કહે છે, મારી દીકરી રિશા એમબીબીએસ માટે ગઈ હતી. જ્યારે યુદ્ધનો માહોલ હતો ત્યારે તકલીફ પડી હતી. 100 કિલોમીટર ચાલવું પડ્યું હતું. તેની પાસે પૈસા નહોતા. બોર્ડર પર ત્રણ દિવસ ખાધા-પીધા વગર રહ્યા હતા. તેમને પીવાનું પાણી પણ નહોતું મળ્યું. એક વર્ષ તેણે ઓનલાઈન અભ્યાસ કર્યો અને પછી તે ફરી યુક્રેન ગઈ. જ્યારે તે ગઈ ત્યારે તેનું ત્રીજું વર્ષ શરૂ થઈ ગયું હતું. જ્યારે વોર શરૂ થઈ હતી ત્યારે બીજું વર્ષ શરૂ થઈ ગયું હતું. હવે તેને એક વર્ષનો અભ્યાસ અને ઈન્ટર્નશિપ બાકી છે. માર્ચ-2023માં તે યુક્રેન ગઈ. અત્યારે તે જ્યાં રહે છે ત્યાં વોરનો માહોલ નથી. વોર કિવ બાજુ છે અને અભ્યાસ ટર્નોપીલમાં છે. તેની કોલેજમાં હવે બીજા દેશોના નવા સ્ટુડન્ટ કોઈ નથી આવતા. આ લોકોની બેચ છે તે લાસ્ટ બેચ છે. નવા સ્ટુડન્ટ કોલેજમાં છે તે માત્ર યુક્રેનવાળા છે. બહારના દેશના કોઈ સ્ટુડન્ટ નથી. અમારો એરિયા સેઈફ છે: રિશા જૈન
ઓનલાઈન વીડિયો કોલ દરમિયાન રિશા જૈને યુક્રેનથી દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, યુક્રેન અભ્યાસની દ્રષ્ટિએ સારું છે અને અમે જ્યાં ભણીએ છીએ તે એરિયા સેઈફ છે એટલે થયું કે યુક્રેન પાછા જવું જોઈએ. અત્યારે અમારી કોલેજમાં એવા કોઈ ભારતીય સ્ટુડન્ટ નથી જે ફરી યુક્રેન આવ્યા હોય. નવા સ્ટુડન્ટ આવ્યા છે તે બધા યુક્રેનિયન જ છે. બહારના દેશોમાંથી કોઈ નવા સ્ટુડન્ટ ભણવા નથી આવ્યા. એજન્ટોની વાતો પર ધ્યાન ન આપો, NMCની ગાઈડ લાઈન ફોલો કરો : ડો. ઉમેશ ગુર્જર
MD ફિઝિશિયન અને ઓમ એજ્યુકોનના ડાયરેક્ટર ડો. ઉમેશ ગુર્જરે કહ્યું કે, અત્યારે બી ગ્રુપ રાખીને નીટની એક્ઝામ આપનારાની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. એનું કારણ એ છે કે, બી ગ્રુપના સ્ટુડન્ટને ધારી સફળતા ન મળે તો એ ગ્રુપ લઈને એન્જિનીયરિંગમાં જઈ શકે. આર્ટ્સ પણ લઈ શકે. આ વખતે માનો કે, 25 લાખથી વધારે સ્ટુડન્ટે નીટની એક્ઝામ આપી પણ ભારતમાં MBBSની સીટ 1 લાખ 10 હજાર જ છે. એટલે સ્વાભાવિક છે કે સ્ટુડન્ટ્સ વિદેશમાં તો જવાના જ છે. પણ NMC (નેશનલ મેડિકલ કમિશન)ની ગાઈડ લાઈન 18 નવેમ્બર 2021ના દિવસે આવી તેન મુજબ આલતુ ફાલતુ દેશો અને આલતુ ફાલતુ કોલેજો માર્કેટમાંથી જતી રહી. એટલે સારા દેશોની સારી સંસ્થાઓમાં ભણવાનો ફ્લો રહેવાનો તો છે જ.
અત્યારે સ્ટુડન્ટ્સને વિદેશ મોકલવા માટે માર્કેટ ઓપન છે. જેને જે ઠીક લાગે તે સલાહ આપે છે ને જાહેરાતો, માર્કેટિંગ કરે છે. પણ હું એમ કહીશ કે NMCની ગાઈડ લાઈન છે તેમાં વિદેશ અભ્યાસ માટેના 10 પોઈન્ટ છે. તે ધ્યાનમાં રાખવા જોઈએ. એ ફૂલફીલ નહીં થતા હોય ને સ્ટુડન્ટ પાછા ફરશે તો એને અહીંયા FMGની એક્ઝામ આપવાની હોય છે અથવા જે-તે સમયે નેક્સ્ટ-વન કે નેક્સ્ટ-ટુ એક્ઝામ આવશે તે આપવા નહીં મળે. એટલે એવા દેશોમાં જવું જોઈએ કે જે દેશોમાં NMCની ગાઈડ લાઈન ફૂલફીલ થતી હોય. ભારતમાં પેઈડ ઈન્ટર્નશિપ હોય છે, એ પણ એક જ વર્ષની!!
સ્ટુડન્ટ્સને એકની જગ્યાએ બે વર્ષની ઈન્ટર્નશિપ કરવી પડશે. આ નિયમથી સ્ટુડન્ટ્સને કેવી અસર થશે? જવાબમાં ડો. ઉમેશ ગુર્જર કહે છે, આમાં કેલ્ક્યુલેશન સમજવાની જરૂર છે. ભારતમાં ભણો કે વિદેશમાં, મિનિમમ અભ્યાસક્રમ સાડાચાર વર્ષનો હોય છે. તમે જે દેશમાં, જે કોલેજમાં જાવ છો ત્યાં તમારે એક વર્ષની ઈન્ટર્નશિપ ફરજિયાત કરીને આવવાની છે. અને પછી જ્યારે સ્ટુડન્ટ અહીંયા આવે છે ને FMG કે નેક્સ્ટ જે એક્ઝામ હશે તે આપવાની, પાસ કરવાની ને પછી એક વર્ષની ઈન્ટર્નશિપ કરવાની છે. હા, ફાયદો એ છે કે એ ઈન્ટર્નશિપ પેઈડ રહેશે. એટલે એક વર્ષની ઈન્ટર્નશિપ ત્યાં અને એક વર્ષની ઈન્ટર્નશિપ અહીંયા કરવાની. યુક્રેનનો અધૂરો અભ્યાસ છોડનાર સ્ટુડન્ટ હર્ષ ભાવનાની શું કહે છે?
યુક્રેનમાં એમબીબીએસનો અધૂરો અભ્યાસ છોડીને રશિયામાં ટ્રાન્સફર લઈ અભ્યાસ પૂરો કરી રહેલા હર્ષ ભાવનાની દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહે છે, મેડિકલમાં યુક્રેનમાં સારું એજ્યુકેશન અને એફોર્ડેબલ ફી હતી એટલે હું અને મારા ફ્રેન્ડ્સ યુક્રેન ભણવા ગયા. વોર શરૂ થઈ ત્યારે મારો અભ્યાસ થર્ડ યરમાં સેકન્ડ સેમેસ્ટર સુધી પહોંચી ગયો હતો. વોર શરૂ થયા પછી ભારત આવી ગયો ને સેમેસ્ટરના બે મહિના બાકી હતા તે ઓનલાઈન પૂરા કર્યા. 18 નવેમ્બર, 2021એ NMCની ગાઈડ લાઈન આવી તે મુજબ અમારા માટે ટ્રાન્સફર ઓપ્શન્સ હતા. અમે ટ્રાન્સફર લેવાનું નક્કી કર્યું. એ સમયે ટ્રાન્સફર માટે ઘણા ઓપ્શન હતા. જેમ કે, જ્યોર્જિયા, કઝાકિસ્તાનસ ઉઝબેકિસ્તાન એવા બધા દેશો હતા. મને ખ્યાલ હતો કે જ્યોર્જિયાની વિઝા પ્રોસેસ લાંબી છે ને વિઝા આવવામાં પણ વાર લાગે છે. જ્યારે બીજા દેશોમાં આ ઈશ્યૂ નહોતો. પણ બીજા દેશોમાં અભ્યાસનાં વર્ષો વધી જતા હતા. ખાસ કરીને રશિયા એવો દેશ હતો જે પાંચ વર્ષનો અભ્યાસ અને એક વર્ષની ઈન્ટર્નશિપ હતાં. રશિયામાં બે વર્ષ પૂરાં થઈ ગયા છે ને હવે એક વર્ષની ઈન્ટર્નશિપ બાકી છે તે પૂરી કરવાની છે. રશિયામાં હું અર્ખાનગિસ્ક ઓબ્લસ્ટ સિટીમાં ભણું છું. એ ફિનલેન્ડ બોર્ડર તરફ છે. રશિયામાં ભણવા ગયો પણ ત્યાં ભારતીય એમ્બેસીનું ગાઈડન્સ લીધું
વાતચીતમાં હર્ષ ભાવનાનીએ એમ પણ કહ્યું કે, રશિયા તરફ ગુજરાતી સ્ટુડન્ટ્સનો ફ્લો છે ખરો પણ ઈંગ્લીશ કન્ટ્રી જેટલો નહીં. ઈંગ્લીશ કન્ટ્રીમાં અભ્યાસ માટે ગુજરાતી સ્ટુડન્ટ વધારે જાય છે કારણ કે ઈંગ્લીશ કન્ટ્રીઝમાં અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ કરવાના હેતુથી જતા હોય છે. જ્યારે રશિયામાં અભ્યાસની જ વાત કરીએ તો શરૂઆતના ત્રણ વર્ષ ઈંગ્લીશમાં ભણવાનું ને પછીના ત્રણ વર્ષ રશિયનમાં ભણવાનું હોય છે. ઘણા એજન્ટો સ્ટુડન્ટ્સને ગેરમાર્ગે દોરીને બીજા દેશોમાં મોકલતા હોય છે પણ મેં એજન્ટોનો કોન્ટેક્ટ જ ન કર્યો ને રશિયામાં ભારતીય એમ્બેસીનો સંપર્ક કરીને પ્રોસેસ કરી હતી. ત્યાંથી મને જે યુનિવર્સિટીનો કોન્ટેક્ટ આપવામાં આવ્યો તેને પૂછ્યું તો કહ્યું કે, અમારે ત્યાં થ્રૂ-આઉટ છ વર્ષ ઈંગ્લીશમાં જ એજ્યુકેશન છે. એટલે મેં પછી એ યુનિવર્સિટી સિલેક્ટ કરી. ઈન્ટર્નશિપ વિશે હર્ષ કહે છે, 18 નવેમ્બર 2021 પછીથી જે સ્ટુડન્ટસ વિદેશમાં ગયા હોય ને એડમિશન લીધું હોય તેમના માટે વિદેશમાં એક વર્ષની ઈન્ટર્નશિપ ફરજિયાત છે. અને ભારતમાં આવીને પણ એક વર્ષની ઈન્ટર્નશિપ ફરજિયાત છે. ત્યાં તમે ઈન્ટર્નશિપ કરી છે તેનું એલિજીબિલીટી સર્ટીફિકેટ પણ ભારતમાં બતાવવું પડે છે.
તેમણે કહ્યું કે, રશિયામાં પણ સારા સ્કોપ છે. રશિયામાં હું જ્યાં ભણું છું ત્યાં 10થી 12 તો ભારતીય પ્રોફેસર છે. જેણે MBBS પૂરું કર્યું હોય ને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને પ્રોફેસર તરીકે કામ કરે છે. ત્યાં ભણ્યા પછીનો સ્કોપ સારો છે. રશિયામાં 50 જેટલી યુનિવર્સિટી છે. તેમાંથી 10 જ એવી છે જે NMCની ગાઈડ લાઈન મુજબ છ વર્ષ ઈંગ્લીશમાં જ ભણાવે છે. ત્રણ વર્ષ ઈંગ્લીશ અને ત્રણ વર્ષ રશિયન ભણ્યા પછી તમે ભારત પાછા આવો છો તો એ ભારત સરકાર માન્ય કરે છે કે નહીં, તે સવાલ છે. બે ભાઈઓમાંથી એક કિર્ગીસ્તાન અને બીજો અમેરિકા ગયો!
અમદાવાદમાં હેલ્થ ઓફિસર તરીકે કામ કરતા મનીષાબેન નાયકનો પુત્ર સિદ્ધ નાયક વોર સમયે યુક્રેનથી આવ્યો ને થોડો સમય ઓનલાઈન એજ્યુકેશન કર્યું. પછી એમબીબીએસ પૂરું કરવા તે અમેરિકા ગયો છે. તો તેનો પિતરાઈ ભાઈ શિવમ નાયક વોર સમયે તેના છેલ્લા છેલ્લા વર્ષમાં હતો. પાછા આવીને બાકીનો અભ્યાસ તેણે કિર્ગીસ્તાનમાં પૂરો કર્યો ને હવે ભારત આવીને કડીમાં ઈન્ટર્નશિપ કરે છે. એક ભાઈ પહેલાં યુક્રેન ગયો હતો અને બીજો ભાઈ તેના બે વર્ષ પછી યુક્રેન ગયો હતો. બંને યુક્રેનમાં સાથે જ ભણતા પણ વોર શરૂ થતાં પાછા આવવું પડ્યું ને પછી દેશ જ અલગ થઈ ગયા. યુક્રેનના લેટેસ્ટ ન્યૂઝ શું છે ?
યુક્રેન સંબંધિત બે લેટેસ્ટ ન્યૂઝ છે. બંને ક્રમવાર વાંચો...
1. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સકીએ કહ્યું કે, યુક્રેન યુદ્ધને હવે લાંબુ ચલાવવા નથી માગતું. અમે ઈચ્છીએ છીએ કે, આ જલદી પૂરું થાય. યુદ્ધ દરમિયાન અમારા ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ છે. કેટલાક મહિનાઓમાં સમજૂતી યોજનાની માગણી કરી છે. ઝેલેન્સકીએ આ વાત યુરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ સાથેની મુલાકાત દરમિયાન કરી હતી.
2. રશિયાએ છેલ્લા 7 જુલાઈ, 2024ની રાતથી 8 જુલાઈ, 2024ની રાત સુધીના 24 કલાકમાં યુક્રેન પર 55 વખત એરસ્ટ્રાઈક કરી છે. જેમાં 11 લોકોનાં મોત થયાં છે અને 43થી વધુ લોકો ઘાયલ થયાં છે. રશિયન સમાચાર એજન્સી RIA મુજબ, રશિયન સેનાએ યુક્રેનના અલગ-અલગ સ્થળો પર 6 રોકેટ અને 70થી વધુ ગ્લાઈડ બોમ્બથી હુમલો કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.