નેપાલી લોક ક્યા કર સકતે હૈ.. તે બતાવી આપવા યુવકે સુરસાગરમાં ઝંપલાવ્યું
વડોદરા,તા.5 જુલાઈ 2022,મંગળવારવડોદરાના સુરસાગર તળાવમાં બ્યુટીફિકેશનનું કામ પૂરું થઈ ગયું છે અને તળાવની ફરતે રેલિંગ કરી ગેટ મૂકવામાં આવ્યા છે તેમ છતાં અંદર કૂદવાના બનાવો બની રહ્યા છે.આજે બપોરે આવા જ એક બનાવમાં ડૂબતા યુવકને બચાવવા ફાયબ્રિગેડ મદદે આવી હતી.સુસાગર તળાવમાં ગેટ કૂદીને એક યુવક કૂદી પડતા સિક્યુરિટી ગાર્ડ દોડી ગયો હતો.પરંતુ,આ યુવક ને તરતા આવડતું હોવાથી તે ઝડપભેર આગળ નીકળી ગયો હતો જેથી સિક્યુરિટી ગાર્ડે બુમરાણ મચાવી હતી.બનાવને પગલે વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભેગા થઈ જતા ટ્રાફિક જામ થયો હતો. નજીકમાં જ દાંડિયા બજાર ફાયર બ્રિગેડ હોવાથી કોઈ વ્યક્તિએ જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથે તળાવમાં ઉતરી હતી.દરમિયાન યુવક તળાવની મધ્યમાં બની રહેલી શિવજીની સુવર્ણજડિત પ્રતિમા સુધી પહોંચી ગયો હતો અને પોટલા પર બેસી ગયો હતો. ફાયર બ્રિગેડ તેની નજીક પહોંચતા તે ફરીથી કૂદી પડ્યો હતો અને કુરાને ક્લાસીસ તરફ તરીને જઈ રહ્યો હતો ત્યારે થાકી જતાં ડૂબવા માંડ્યો હતો. જેથી ફાયર બિગેડે તેને બચાવી લીધો હતો.પૂછપરછ દરમિયાન યુવકનું નામ હેમરાજ થાપા સંજય નગર સમાસાવલી રોડ હોવાનું ખુલ્યું હતું. તેણે કહ્યું હતું કે, હું જ્યારે તળાવના કિનારે હતો ત્યારે કેટલાક યુવકો એ નેપાળી લોગ ક્યા કર સકતે હૈ... તેવી કોમેન્ટ કરી હતી. જેથી મેં તેઓને મારી હિંમત બતાવવા આ કૃત્ય કર્યું હતું. ફાયર બ્રિગેડે તેને પોલીસને સોંપવા તજવીજ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.