રાજકોટમાં 25 માનસિક દિવ્યાંગોએ 8,000 રાખડી બનાવી, 11 વર્ષથી ડીસેબલ બાળકોને પગભર કરતી સંસ્થા - At This Time

રાજકોટમાં 25 માનસિક દિવ્યાંગોએ 8,000 રાખડી બનાવી, 11 વર્ષથી ડીસેબલ બાળકોને પગભર કરતી સંસ્થા


ગુજરાત રાજ્યમાં નારી ઉત્કર્ષની અનોખી પહેલના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલ નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે આપણે જે મહિલાઓની વાત કરવાના છીએ તેઓ એક નહિ અનેક પરિવારોને નવીન ઉજાસ તરફ લઈ જઇ રહ્યા છે. તેઓ પોતાના વ્યવસાયની સાથે પોતાનો પરિવાર તો સંભાળે જ છે પરંતુ, અનેક મનોદિવ્યાંગોના વિકાસ માટે નિમિત્ત બનીને તેમના પરિવારોને અનોખી ઊર્જા પ્રદાન કરી રહ્યા છે. વાત થઈ રહી છે રાજકોટની સેતુ સંસ્થાની. રાજકોટ શહેરમાં રાજપૂતપરામાં આવેલી સેતુ સંસ્થાની સ્થાપનાનો મૂળ પાયો બની એક માનસિક રીતે અક્ષમ સ્ત્રી. નારી વંદનાની ઉજવણી વખતે આ નારીનો ફાળો પણ યાદ રાખવો રહ્યો. નેહાબેન ઠાકરને તેમના મનોદિવ્યાંગ નણંદની પરિસ્થિતિ જોઈને આ સંસ્થા શરુ કરવાનો વિચાર આવ્યો. તેમણે હાલ અંધ મહિલા વિકાસ ગૃહમાં ફરજ નિભાવતા જાગૃતિબેન ગણાત્રા સાથે મળીને વર્ષ 2013માં આ સંસ્થાની સ્થાપના કરી. ત્રણ દિવ્યાંગ બાળકો સાથે સ્થપાયેલી આ સંસ્થા હાલ વટવૃક્ષ સમી બની છે. જેમાં હાલ 10થી 40 વર્ષના 25થી વધુ દિવ્યાંગોને જીવનની નવી દિશા મળી રહી છે. અહીના મનોદીવ્યાંગો દ્વારા દર વર્ષે 8,000 રાખડીઓ બનાવવામાં આવે છે અને તેના વેચાણ થકી મનોદીવ્યાંગો આર્થિક રીતે પગભર બને છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.