વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો, હાઈવે ચક્કાજામ કરી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો
મહાકાલ સેનાના અધ્યક્ષને પોલીસ ઘરેથી ઉઠાવી લેતા ક્ષત્રિય સમાજના લોકો વિફર્યા. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયાણીઓ અંગે કરેલી ટીપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે, જેના કારણે ક્ષત્રિયોએ ગામ ગામે જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પુરી નહી થાય ત્યાં સુધી વિરોધ કરવાની હાકલ કરી છે. જેની અગમચેતીના ભાગરૂપે રવિવારે વડાલી ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હતુ. ત્યારે સ્થાનિક પોલીસે મહાકાલ સેનાના અધ્યક્ષને ભવાનગઢ ખાતેના નિવાસ સ્થાનેથી ઉઠાવી લેતા ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને સમાજના આગેવાનો તેમજ યુવાનો જયાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગ હતો ત્યાં પહોંચી જઈને હાઈવે ચક્કાજામ કરીને રૂપાલા હાય.. હાયના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં પોલીસે સુરક્ષાના ભાગરુપે લગાવેલા બેરીકેટ તાકાતપુર્વક હટાવીને ભાજપના કાર્યાલયમાં ઘુસી જતાં સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભાના પુર્વ અધ્યક્ષ રમણલાલ વોરાને ધક્કે ચઢાવી દેતાં મામલો ભારે તંગ બની ગયો હતો. આ સમયે પોલીસે આગવી સુઝ વાપરીને ક્ષત્રિય આગેવાનોને ત્યાંથી પોલીસની ગાડી સુધી લઈ ગયા હતા. ત્યારબાદ બધા પોલીસ મથકે એકત્ર થયા હતા અને મહાકાલ સેનાના અધ્યક્ષને મુક્ત કરવાની માંગ કરીને પોલીસ મથકનો ઘેરાવો કરીને પોલીસનો પણ હુરીયો બોલાવ્યો હતો. જો કે પોલીસ અધિકારીઓએ ફરીથી આવી રીતે કોઈ આગેવાનને ઘરેથી નહીં ઉઠાવશે તેવી બાંહેધારી આપતા મામલો આખરે થાળે પડયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.