સોની બજારના વેપારીનું અડધા કરોડનું સોનુ લઇ ભાગીદાર ‘છૂ' - At This Time

સોની બજારના વેપારીનું અડધા કરોડનું સોનુ લઇ ભાગીદાર ‘છૂ’


રાજકોટ તા. ૨૧: સોની બજાર મેઇન રોડ પર દૂકાન ધરાવતાં સોની વેપારીની દૂકાનમાંથી તેનો જ વર્ષો જુનો મિત્ર અને ભાગીદાર તિજોરીનો લોક ખોલી રૂા. ૫૦ લાખનું સોનુ અને બે લાખ રોકડા લઇ છનનન થઇ જતાં મામલો પોલીસમાં પહોંચ્‍યો છે. દૂકાનની તિજોરીના લોકના પાસવર્ડ દૂકાનદાર, તેનો ભાગીદાર મિત્ર અને એક કારીગર એમ ત્રણ જણા જ જાણતાં હતાં. મિત્ર દગો કરી અડધા કરોડનું સોનુ અને બે લાખની રોકડ લઇ ભાગી જતાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ગુંદાવાડી-૨૬માં રહેતાં અને સોની બજારમાં મેઇન રોડ પર પીપળાવાળી શેરીના નાકે કેશવ જ્‍વેલર્સ નામે દૂકાન ધરાવતાં મિતેષભાઇ ચંદ્રકાંતભાઇ પાટડીયા (સોની) (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી તેના જ ધંધાકીય ભાગીદાર રાજન મનુભાઇ ઠુમ્‍મર વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૂા. ૫૦ લાખનું સોનુ અને ૨ લાખની રોકડ ઓળવી જઇ ઠગાઇ વિશ્વાસઘાત કર્યાનો ગુનો નોંધ્‍યો છે.
મિતેષભાઇ પાટડીયાએ પોલીસને જણાવ્‍યું છે કે મેં સોની બજારમાં કેશવ જ્‍વેલર્સ નામની દૂકાન ૨૦૧૯માં મારા પંદર વર્ષ જુના મિત્ર રાજન મનુભાઇ ઠુમ્‍મર સાથે ચાલુ કરી હતી. ૨૦૨૧માં આ ભાગીદારી અમે બીડ કરાવી હતી. અમારી દૂકાનમાં નવ જેટલા માણસો સોની કામની મજૂરી કરે છે. અમારું કામ વેપારીઓ પાસેથી ઓર્ડર લઇ દાગીના બનાવી આપવાનું છે. અમારી પાસે રહેલા ફાઇન સોનુ તેમજ વેપારી પાસેથી સોનાના દાગીના બનાવવા અપાતાં ફાઇન સોના અને હિસાબના રૂપિયા અમે દૂકાનની તિજોરીમાં રાખીએ છીએ. આ તિજોરીના લોક ખોલવા માટે એક ખાનગી નંબર રાખ્‍યા છે. જે નંબર હું તથા ભાગીદાર રાજન અને અમારી દૂકાનમાં વીસ વર્ષથી કામ કરતાં રાજેશભાઇ જયસુખભાઇ વાઘેલા એમ ત્રણ જણા જાણીએ છીએ.
મિતેષભાઇએ આગળ જણાવ્‍યું છે કે તા. ૧૩/૯/૨૨ના રોજ સાંજે સાડા આઠેક વાગ્‍યે દૂકાન બંધ કરવાનો સમય થઇ જતાં કારીગરને દાગીના બનાવવા આપેલુ ફાઇન સોનુ તેમજ અમારી પાસે સ્‍ટોકમાં રાખેલુ ફાઇન સોનુ અને હિસાબના રૂપિયા તિજોરીમાં રાખી લોક કરી દૂકાન બંધ કરી ઘરે જતો રહ્યો હતો. એ પછીના દિવસે ૧૪મીએ સવારે સાડા આઠેક વાગ્‍યે હું અને મારા ભાગીદાર રાજનભાઇ બંને દૂકાને આવ્‍યા હતાં અને તિજોરીમાંથી અમુક ફાઇન સોનુ કારીગરોને કામ કરવા આપેલ. બાકીનું ૧૧૫૦ ગ્રામ ફાઇન સોનુ અને ૨ લાખ રોકડા તિજોરીમાં રહેવા દીધા હતાં.
ત્‍યારબાદ તિજોરી બંધ કરી દીધી હતી. બપોરે સવા બારેક વાગ્‍યે ભાગીદાર મિત્ર રાજને મને કહેલું કે તેની આંખ દુખે છે એટલે તે દવા લેવા જાય છે. તેમ કહી તે નીકળી ગયો હતો. ત્‍યારબાદ એકાદ વાગ્‍યે હું પણ ઘરે જમવા માટે નીકળી ગયો હતો. ત્‍યાર પછી દૂકાનમાં કામ કરતાં રાજેશ ઉર્ફ રાજૂનો મને ફોન આવ્‍યો હતો કે તમે જલ્‍દી દૂકાને આવો. જેથી હું તુરંત ત્‍યાં પહોંચતા રાજુએ કહ્યું હતું કે કારીગરનું કામ પત્‍યા બાદ વધેલુ ફાઇન સોનુ તિજોરીમાં રાખવા જતાં તિજોરી ખાલી જોવા મળી છે. આથી મેં તપાસ કરતાં અંદરથી રૂા. ૫૦ હજારનું ૧૧૫૦ ગ્રામ ફાઇન સોનુ અને રોકડા બે લાખ ગાયબ જણાયા હતાં. તિજોરીનો લોક નંબર હું, ભાગીદાર રાજન અને કારીગર રાજેશ ઉર્ફ રાજુ એમ ત્રણ જ જાણતા હોઇ તપાસ કરતાં ભાગીદાર આ રોકડ અને સોનુ લઇ ગયાનું જણાયું હતું. તેના પિતાને ફોન કરી રાજન વિશે પુછતાં તેણે તે સવારે દૂકાને જવા નીકળ્‍યા બાદ આવ્‍યો નથી તેવું કહ્યું હતું.
અમે રાજનને શોધવા અમારી રીતે તપાસ કરી હતી. પરંતુ તે મળી આવ્‍યો નહોતો. અમારી મિત્રતા અને ભાગીદારીનો ગેરલાભ ઉઠાવી તે કુલ બાવન લાખની માલમત્તા લઇ ભાગી જતાં છેતરપીંડી કરી હોઇ ફરિયાદ નોંધાવી છે. હેડકોન્‍સ. કરણભાઇ જે. વિરસોડીયાએ ગુનો નોંધતાં આગળની તપાસ પીએસઆઇ વી. સી. પરમારે હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.