ગીર સોમનાથમાં વરસાદે લીધો વિરામ, તંત્ર નથી કરતું આરામ, તમામ વિભાગોમાં યુદ્ધના ધોરણે ચાલુ છે કામ - At This Time

ગીર સોમનાથમાં વરસાદે લીધો વિરામ, તંત્ર નથી કરતું આરામ, તમામ વિભાગોમાં યુદ્ધના ધોરણે ચાલુ છે કામ


ગીર સોમનાથમાં વરસાદે લીધો વિરામ, તંત્ર નથી કરતું આરામ,
તમામ વિભાગોમાં યુદ્ધના ધોરણે ચાલુ છે કામ
-----------------
ખેતીવાડી, આરોગ્યથી લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તમામ વિભાગોમાં કલેક્ટરશ્રીની દેખરેખ હેઠળ લેવાઈ રહ્યાં છે યોગ્ય પગલા
----------
વરસાદ રોકાતા રાહતનો શ્વાસ લેતું ગીર સોમનાથ, ખેતરોમાં પણ ધીમેધીમે ઓસરી રહયા છે પાણી
---------
ગીર સોમનાથ વહીવટી તંત્રનું સુચારૂ આયોજન, ચોમાસાની કઠીન સ્થિતિમાં ખેતીવાડી-આરોગ્યથી લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સક્રિય કામગીરી

ગીર સોમનાથ,તા. ૧૬: ગીર સોમનાથમાં એકધારા પડી રહેલા વરસાદે હવે વિરામ લીધો છે. જોકે, આ વાતાવરણમાં પણ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું યોગ્ય સંચાલન કરવા માટે જિલ્લાના તમામ અધિકારીઓને તથા સરકારના તમામ વિભાગની ટીમોને સતર્ક રાખવામાં આવી છે. જોખમભર્યા કોઝવે, પુલિયા, નાના-મોટા પુલ પર પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાથી ૧ કિ.મી વિસ્તારમાં આવતાં જિલ્લાના ૨૮ ગામમાં ઉચ્ચ અધિકારીની નિમણૂક કરી સ્થિતિની દેખરેખ રાખવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં જુના જર્જરીત, મરામતના અભાવે, બીનરહેણાંકી કાચા મકાનોની દિવાલો પડવાના બનાવ સિવાય કોઈ અન્ય જાનહાનિ નોંધાઈ નથી.
જ્યારે ભારે વરસાદના કારણે ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના તેમજ વેરાવળ તાલુકાના નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાયેલ છે પરંતુ પાકની સ્થિતિ સારી છે. હાલ વરસાદે વિરામ લીધો હોય પાણીનો નિતાર શરૂ છે. આગામી બે-ત્રણ દિવસમાં હવામાન ખુલ્લું થતાં જ પાકની પરિસ્થિતિ સામાન્ય રહેશે.
ચોમાસાની ઋતુને ધ્યાને લઈને વરસાદના કારણે વાહકજન્ય રોગચાળામાં વધારો ના થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કુલ ૨૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ૪ અર્બન સેન્ટરના મેડીકલ ઓફિસરની દેખરેખ હેઠળ ૩૫ મેઈલ સુપરવાઈઝરના સુપરવિઝન હેઠળ દરેક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આશાબહેનો તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ વીઝીટ કરીને પાણીમાં થયેલ પોરાનો નાશ કરવાની કામગીરી કરવામાં આવી છે. જે દરમિયાન પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફુલદાની, ટાયર,ભંગાર, અગાસી, પાણી ભરેલ ખાડાઓ વગેરે ચેક કરવામાં આવે છે. તે પૈકી જે જગ્યાએ મચ્છરો નું બ્રિડિંગ(પોરા) જોવા મળેલ જેમાં ટેમોફોસ કેરોસીન નાખી મચ્છરના પોરાનો નાશ કરવામાં આવ્યો તેમજ જિલ્લાના ચાર ગામોમાં જંતુનાશક દવાના છંટકાવની કામગીરી કરવામાં આવી છે.
ગીર સોમનાથના પેઢાવાડા ખાતેનો રોડ વરસાદ આવતાં ધોવાઈ ગયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકોને તેમજ સોમનાથથી ઉના અને દિવ તરફ જતાં પ્રવાસીઓને ભારે અગવડતા ભોગવવી પડતી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને એનએચએઆઇ ના સંયુક્ત ઉપક્રમે યુદ્ધના ધોરણે આ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે ટૂંક સમયમાં નેશનલ હાઇવેનો વાહન વ્યવહાર પૂર્વવત્ થઈ જશે અને ટૂરિસ્ટો તેમજ સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી પણ દૂર થશે.
જ્યારે ચોમાસાની સ્થિતિમાં કોઈપણ આપત્તિને પહોંચી વળવા માટે ગીર સોમનાથ જિલ્લામાં NDRFની એક ટીમ વેરાવળના ભાલપરા સાયકલોન સેન્ટર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જ્યારે SDRFની એક ટીમ કોડીનાર તાલુકાના કાજ ગામે અને બીજી ટીમ ઉના તાલુકાના નાળીયા માંડવી ગામે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેથી કોઈ જોખમભરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ ટીમોની ત્વરીત મદદ લઈ જાનહાની નિવારી શકાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.