( ભકત કવિ દયારામભાઈની નગરી તરીકે ઓળખ ધરાવતાં ) ” દર્ભાવતિ – ડભોઈમા સિનિયર સિટીઝન પરિવાર દ્રારા કવિ દયારામભાઈની ૨૪૬ મી જન્મ જયંતીની ઉજવણી “
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
ડભોઇ નગરમાં કાર્યરત ડભોઇ નગર સિનિયર સિટીઝન પરિવાર દ્વારા બ્રાહ્મણની વાડી ખાતે જન્મોત્સવ સમારંભ, સન્માન સમારંભ અને ભક્ત કવિ દયારામભાઈની ૨૪૬મી જન્મ જયંતીની ઉજવણીનો કાર્યક્રમ પ્રમુખ ગોપાલભાઈ અછોલાલ શાહ ( ખોડીયાવાલા) અને મંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા યોજાયો હતો.
આ સાથે આ પરિવારના જે કોઈ સભાસદ ભાઇ - બહેનનો જન્મદિવસ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ૪ માસમાં આવે છે. તેઓને જન્મોત્સવ અભિવાદન કાર્યક્રમ યોજી સન્માનિત કરાયા હતા. આ કાયૅકમમાં હાજર રહેનાર તમામ સભાસદોને આકર્ષક ગિફ્ટ પણ ભેટરૂપે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન શાહ દીપાબેન હિતેશભાઈ અને નેહાબેન રાજેશકુમારે પોતાના મધૂર સ્વરકંઠે ભક્ત કવિ દયારામના પદો અને ગરબીઓ રજૂ કરી ભકત કવિ દયારામભાઈની ૨૪૬ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. દયારામભાઈના આ રજૂ થયેલ પદોએ આજે તેઓની યાદની ઝાંખી કરાવી હતી.
ભક્ત કવિ દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ ના રોજ ડભોઈ તાલુકાનાં ચાંદોદ ખાતે નાગર બ્રાહ્મણ કુટુંબમાં પિતા પરભુરામ અને માતા રાજકોરને ત્યાં થયો હતો. ડભોઇ તાલુકાના ચાંણોદ ખાતે થયો હતો. તેમને તે સમયે કોઈ ઉચ્ચકોટીનું શિક્ષણ લીધું ન હતું. તેઓને વૈષ્ણવ મંદિરમાં ભજન - પદો ગાવાનો પણ ખૂબ જ રસ હતો. તેમનો મોટાભાગનો ઉછેર તેમનું મોસાળ એટલે કે ડભોઇમાં થયો હતો. તેઓ પ્રભુની પ્રેરણાથી માત્ર ૧૪ વર્ષની વયે યાત્રા કરવા નીકળી ગયેલ હતા. તેઓએ વનમાળીજી મંદિરના શ્રી વલ્લભાચાર્ય મહારાજ પાસે બ્રહ્મસંબંધ લીધો હતો. તેઓએ ત્રણ વાર ભારતીય યાત્રા કરી અને સાતવાર શ્રીનાથજીની યાત્રા કરી હતી. ગુજરાતના ગરબી કવિ એટલે કે દયારામ એવી ઓળખ મેળવી હતી. તેઓએ વ્રજભાષા ,પંજાબી, મરાઠી ,સંસ્કૃત અને ઉર્દુમાં પણ પદો લખ્યા છે. તેઓના ૧૧ ઉપનામ છે.
ડભોઇ - દભૉવતિ નગરીમાં ભક્ત કવિ દયારામની ઉજવણી ખૂબ જ ધામધૂમથી રાજયકક્ષાએ પદ, ભજન, ગરબી અને ગરબાની હરિફાઈ યોજી કરવામાં આવતી હતી. દૂર દૂરથી લોકો આ દયારામ જયંતીના દિવસે કાર્યક્રમમાં આવતા હતા. પરંતુ આજના સમયમાં આ ભક્ત કવિ દયારામની યાદો ડભોઇમાંથી મિટાતી જતી હોય તેમ લાગી રહ્યું છે. હાલ માત્ર નગરનાં આ સિનિયર સિટીઝન પરિવારે ૨૦૧૪ થી દયારામ જયંતિની ઉજવણી કરવાનું બીડું ઝડપ્યું હતું. જેથી તે સંસ્થા દ્રારા આજે પણ આ દયારામ ભાઈની જન્મ જયંતી ઉજવી કરવામાં આવી હતી. જે નગર માટે ખૂબ જ ગર્વની વાત છે.
પરંતુ બીજી બાજુ જોઈએ તો આ ભકત કવિ દયારામભાઈનો ડભોઇ અને ચાંદોદ વચ્ચેનો જે ઐતિહાસિક સંબંધ છે અને જે ઈતિહાસ છે, જે ગૌરવ છે, તે મુજબ તેમના વારસાની જાળવણી થઈ રહી નથી. તેઓની પ્રતિમાઓ, સ્થાપિત મંદિરો અને પુસ્તકલયો જે આજે શરમજનક હાલતમાં છે. જો એમની યાદોને, ઐતિહાસિક વારસાને અને ગૌરવને આવનાર પેઢી સુધી લઈ જવી હોય તો તેઓની પ્રતિમાઓ અને તેમના નામ સાથે જોડાયેલ પુસ્તકલય પુન: ધમધમતા થાય તેવા પ્રયત્નો રાજકીય આગેવાનો, સમાજ સેવકો, સામાજિક સંસ્થાઓ અને નગરનાં જાગૃત નગરજનોએ કરવા જોઈએ. સેવાકીય સંસ્થાઓએ આગળ આવીને ભકત કવિ દયારામભાઈની ઐતિહાસિક યાદો આવનાર પેઢીમાંથી લુપ્ત થઈ ન જાય તે માટે સજાગ અને નક્કર પ્રયત્નો કરવા જોઈએ. તેમજ દયારામભાઈની ભવ્ય પ્રતિમાનું નગરમાં નિર્માણ થાય અને તેઓનાં વારસાની યોગ્ય જાળવણી થાય તે માટે સ્મારક બને તે માટે રાજય સરકારમાં નકકર રજૂઆત થાય તેવા પ્રયત્નો રાજકીય આગેવાનોએ પણ કરવા જોઈએ.
ભકત કવિ દયારામભાઈની જન્મ જયંતીની ઉજવણીના આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝન સંસ્થામાં જોડાયેલ સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને અંતે સ્વરુચિ ભોજન કરી આનંદપૂર્વક કાર્યકમમા સામેલ થયા હતા અને સૌ સભાસદોમા આનંદની લાગણી જોવા મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.