રાજકોટના ભાજપ કાર્યાલયમાં તોડફોડનો પ્રયાસ : કારમાં આવેલ શખ્સો દેકારો કરવા લાગતા રાત્રે પોલીસના ધાડેધાડા ઉતારાયા
150 ફૂટ રિંગ રોડ, ફોર્ચ્યુન હોટલ પાસે આંબેડકરનગર બસ સ્ટોપ સામે આવેલાં વિધાનસભા- 71 ના મધ્યસ્થ કાર્યાલય પર ગઈ રાત્રે કારમાં આવેલા ચાર શખ્સોએ ડખો કરી તોડફોડનો પ્રયાસ કરતાં પોલીસના ઘાડેધાડા ઉતરી આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં ચારેય શખ્સ શંકાસ્પદ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું અને પક્ષ તરફથી પણ કોઈ ફરિયાદ થઈ ન હતી. જો કે, તાલુકા પોલીસે કારના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, 150 ફૂટ રિંગરોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આંબેડકરનગર બસ સ્ટોપ સામે આવેલ ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર કાર્યકરો ચર્ચા કરી રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે એક કાર ઘસી આવી હતી. જેમાં સવાર ચાર શખ્સ કારમાંથી ઉતરી સીધા જ બિલ્ડિંગમાં ઉપર ચડી ગયા હતા. આ સમયે પહેલા માળે બેલાની પાળીને પગ અડી જતાં કેટલાક બેલા નીચે પડી ગયા હતાં. તેમજ એક વ્યક્તિ શમિયાણા પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ધવલ હરિપરા અને માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ દેસાઈ સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મોડી રાતે બનેલ બનાવથી રાજકારણ પર ગરમાયું હતું. વધુમાં તાલુકા પીઆઈ ધવલ હરિપરાએ જણાવ્યું હતું કે, મોડી રાતે અજાણ્યાં ચાર શખ્સો કારમાં ઘસી આવ્યા હતાં અને ચારેય વચ્ચે કોઈ ચાવી બાબતે માથાકૂટ અને બોલાચાલી થઈ હતી. દરમિયાન ત્યાં નજીકમાં રહેલ કાચી બેલાની દિવાલ પડી ગઈ હતી. શંકાસ્પદ હાલતમાં રહેલા શખ્સોએ ભાજપના કાર્યકરો સાથે કોઈ માથાકૂટ કરી ન હતી.
માત્ર ગણતરીની મિનિટોમાં જ ચારેય શખ્સ કારમાં ફરાર થઈ ગયાં હતાં. દરમિયાન તપાસમાં આસપાસમાં કોઈ સીસીટીવી પણ ન હોવાથી તપાસ મુશ્કેલ બની હતી. પરંતુ ત્યાં હાજર લોકોમાંથી મળેલ કારના નંબરના આધારે તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વધુમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, ચારેય કોઈ શંકાસ્પદ ઈરાદે આવ્યા હોવાની પૂરેપુરી શંકા સેવાઈ રહી છે. પરંતુ પક્ષ તરફથી કોઈ ફરિયાદ આપવામાં ન આવી હતી. છતાં પોલીસે તપાસ યથાવત રાખી શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.