રાજકોટમાંથી એમ.ડી.ડ્રગ્સના રૂા.1.71 લાખના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
યુવાનોમાં સ્ટેટસ બની રહેલા ડ્રગ્સનો પગપેસારો રાજકોટ શહેરમાં વધી રહ્યો છે. જેની સામે સમયાંતરે પોલીસ લાલ આંખ કરીને નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા શખ્સોને પકડી રહી છે. ત્યારે યુનિવર્સિટી રોડ પરના હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસેથી બે શખ્સોને એમ.ડી. ડ્રગ્સ 18 ગ્રામ રૂા. 1.71 લાખના જથ્થા સાથે એસઓજીની ટીમે દબોચી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત અનુસાર એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નજીક બે શખ્સ નશીલા દ્રવ્ય સાથે ઉભા હોવાની માહિતી મળતા સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. જયાં પોલીસે બાઇક સાથે ઉભેલા બે શખ્સને સકંજામાં લઇ પુછપરછમાં મુળ મોરબી પંથકનો અને રાજકોટમાં પુષ્કરધામ મેઇન રોડ મેહુલ ચતુર ગામી અને કાલાવડ રોડ ન્યારી ડેમ પાસે ડેકોરા બ્લોસમ એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ગોપાલ કરકર હોવાનું જણાવ્યું હતું.
બંને શખ્સની પોલીસે તપાસ કરતા મેહુલ ગામી પાસેથી 17.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી બંનેની અટકાયત કરી પ્રાથમિક પુછપરછ કરતા મેહુલ મેફેડ્રોન મુંબઇથી મંગાવતો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી વેચાણ કરે છે અને મેહુલ રોનકને વેચાણ કરવા માટે થોડુ થોડુ ડ્રગ્સ આપતો હતો. પોલીસે 1.75 લાખનું 17.11 ડ્રગ્સ, મોબાઇલ ફોન-2 અને બાઇક 1 મળી રૂા. ર.46 લાખનો મુદામાલ કબ્જે કરી મેહુલ એમ.ડી. ડ્રગ્સ મુંબઇથી કયાં પેડલર પાસેથી ખરીદી કરીને લાવ્યો તે અંગે પુછપરછ હાથ ધરી હતી. બંને આરોપીને યુનિવર્સિટી પોલીસને હવાલે કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.