વેરાવળ: મત્સ્યોદ્યોગના ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ઉત્પાદનો બનાવવા અંગે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો* ———-
*વેરાવળ: મત્સ્યોદ્યોગના ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ઉત્પાદનો બનાવવા અંગે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો*
----------
*સીઆઈએફટી દ્વારા મત્સ્યોદ્યોગના વિવિધ કચરાના ઉપયોગથી નવા ઉત્પાદન બનાવવા અંગે અપાયું માર્ગદર્શન*
----------
*મત્સ્યોદ્યોગમાં પ્રેરણાત્મક સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસીકોને મેમેન્ટો આપી કરાયા સન્માનિત*
----------
*ગીર સોમનાથ, તા.૧૪:* જિલ્લાનું વેરાવળ બંદર મત્સ્યોદ્યોગ માટેનું મહત્વનું કેન્દ્ર છે. મત્સ્યોદ્યોગ સામેના પડકારો તેમજ તેમાં રહેલી શક્યતાઓને ઓળખી ICAR-CIFT તેમજ સોસાયટી ઓફ ફિશરિઝ ટેક્નોલોજીસ્ટ્સ દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાનને અનુલક્ષી હોટલ રેજીન્ટા સેન્ટ્રલ ખાતે ‘વેસ્ટ-ટૂ-વેલ્થ’ વિષય અંતર્ગત રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુંબઈ, કેરળ, હૈદરાબાદ, કોચીન વગેરે શહેરોમાંથી આવેલા તજજ્ઞોએ વેરાવળના મત્સ્યોદ્યોગમાંથી ઉત્પન્ન થતાં વેસ્ટ(કચરા)માંથી બેસ્ટ ઉત્પાદનો અંગે તલસ્પર્શી માહિતી આપી હતી.
ચાર તબક્કામાં યોજાયેલા આ સેમિનારમાં ICAR-CIFT પ્રભારી વૈજ્ઞાનિક ડૉ.આશિષ કુમાર ઝાએ વેરાવળમાં એક્વાકલ્ચર અને મત્સ્યોદ્યોગના સોલિડ વેસ્ટ, ડોમેસ્ટિક વેસ્ટ, લિક્વિડ વેસ્ટ જેવા વિવિધ કચરાઓ અંગે માહિતી આપી તેનું યોગ્ય યુટિલાઈઝેશન કરવા અંગે સમજણ આપી હતી.
જ્યારે ડૉ.જ્યોર્જ નૈનન, કે.શ્રીજીથ, ડૉ.ઝેયનુદ્દીન એએ, ડૉ.ગીતાલક્ષ્મી સહિત અન્ય તજજ્ઞોએ ઝીંગા, સૂરમાઈ. કરચલા જેવા વિવિધ દરિયાઈ ઉત્પાદનમાંથી પેદા થતા કચરાના વિવિધ સ્ત્રોતોને રિસાયકલ કરી, વેલ્યુ એડિશન કરી અને બ્યૂટી પ્રોડક્ટ્સ, દવાઓ, ખાતર, સ્પ્રે સહિતની વિવિધ પ્રોડક્ટ્સ બનાવી શકાય છે તેવું સમજાવી આ પ્રોડક્ટ કેવી રીતે તૈયાર થાય તે અંગે જણાવી વેસ્ટ પ્રોડક્ટના ઉત્પાદનો અને પર્યાવરણ પર તેની પોઝિટિવ અસરો પર માર્ગદર્શન આપ્યું હતું.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ દરિયાઈ જીવસૃષ્ટિ પણ પર્યાવરણની મહત્વની કડી હોવાનું જણાવી વધુને વધુ સંવર્ધન થાય તેવો વિચાર રજૂ કર્યો હતો અને વેરાવળના માછીમારો પણ આ પ્રયત્નમાં સહભાગીતા નોંધાવે અને ઉદ્યોગકારો ફિશ યુટિલાઈઝેશનમાં ઝીરો વેસ્ટ તરફ આગળ વધે એવી અપીલ કરી હતી. SEAI પ્રમુખ જગદિશભાઈ ફોફંડીએ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટથી નફો પણ વધારી શકાય છે એવું ઉમેરી વેસ્ટ મેનેજમેન્ટ પરત્વે વધુ કાળજી લેવા જણાવ્યું હતું.
સેમિનારમાં ‘ઝિંગાના વિશિષ્ટ ઉત્પાદનો’ તેમજ ‘માછલી કાપવાની વિશિષ્ટ શૈલીઓ’ વિશે સમજણ આપતી બુકલેટનું પણ વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રેરણાત્મક સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસીકોને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ રાષ્ટ્રિય સેમિનારમાં તજજ્ઞો કેતનભાઈ સુયાણી, ડૉ.સારિકા, ડૉ.દીવુ, અશ્ચિનકુમાર ઝા સહિત એમપેડા તેમજ કેવીકેના સભ્યો, વેરાવળના અગ્રણી ફિશ એક્સ્પોર્ટર્સ, આંત્રપ્રિન્યોર્સ તેમજ કામધેનુ યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટર્સ અને ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.