દાહોદમાં ૧૩ માં તબક્કાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૨૭૬૦ લાભાર્થી નાગરિકોને રૂ. ૧૦.૦૩ કરોડથી વધુ રકમના યોજનાકીય લાભો અપાયા
મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગરીબોના આર્થિક ઉન્નતિ માટે પ્રતિબદ્ધ – વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા
દાહોદ, તા. ૧૪ : દાહોદમાં આજે યોજાયેલા ૧૩ માં તબક્કાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૨૭૬૦ લાભાર્થી નાગરિકોને રૂ. ૧૦.૦૩ કરોડથી વધુ રકમના યોજનાકીય લાભો અપાયા છે. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેનો લાભાર્થી નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
આ વેળા વિધાનસભા દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, આજે ૧૩ માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ગરીબ નાગરિકો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ જીવન ધોરણ ઊંચું આવી શકે તે માટેનું નક્કર આયોજન કરાયું છે. રાજ્ય સરકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતુત્વમાં ગરીબોના આર્થિક ઉન્નતિ માટે પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ગરીબો, વંચિતોના વિકાસ માટે વિવિધ યોજનાકીય લાભો તેમને સીધા જ પારદર્શી રીતે મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ હજારો ગરીબ લાભાર્થીઓને સીધો જ યોજનાઓનો લાભ મળશે. રાજ્ય સરકાર કોરોનાના કપરા સમયમાં પણ ગરીબોના પડખે રહી છે અને કોઈ પણ દરિદ્રનારાયણ ભૂખે ન સુવે તે માટેની કાળજી રાખી છે. દરેક નાગરિકને નિઃશુલ્ક વેક્સીન આપીને તેમને સુરક્ષિત કર્યા છે.
આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળા ગરીબોની જિંદગીમાં મોટી રાહત બન્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં યોજાયેલા ૧૨ ગરીબ કલ્યાણ મેળાઓમાં ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪ હજાર કરોડથી વધુની સહાય અપાઈ છે. જયારે આજે ૧૩ માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો લાભ મોટી સંખ્યામાં ગરીબ લાભાર્થીઓને મળવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના યશસ્વી નેતૃત્વમાં દેશ વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે ત્યારે દરેક છેવાડાના ગરીબ માણસનું પણ કલ્યાણ અને હિત જાળવવા સરકાર કામ કરી રહી છે. રાજ્ય સરકાર પણ પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગરીબ લોકો સુધી વિકાસના ફળ પહોંચતા કરવામાં સફળ થઇ છે.
આ વેળા મહાનુભાવોએ મંચ ઉપરથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય તેમજ લાભોનું વિતરણ કર્યું હતું.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સ્વાગત પ્રવચનમાં આજના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૨૭૬૦ લાભાર્થીઓને રૂ. ૧૦.૦૩ કરોડથી વધુ રકમની સહાયના યોજનાકીય લાભો સીધા લાભાર્થી નાગરિકને આપવામાં અંગેની માહિતી આપી હતી.
આ પ્રસંગે મહાનુભાવોને હસ્તે પંચાયતી રાજની આગેકૂચ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. પંચમહાલ ખાતે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ અહીંના કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિતોએ રસપૂર્વક નિહાળ્યું હતું.
આ વેળા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય બચુભાઇ ખાબડ, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પૂર્વ ધારાસભ્ય મહેશ ભૂરિયા, અગ્રણી સુધીરભાઇ લાલપુરવાલા, વિનોદભાઇ રાજગોર સહિતના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.