તબલીગી જમાતમાં હોવાની શંકાએ યુવાન પર કુટુંબી ભાઈઓનો છરીથી હુમલો
તબલીગી જમાતમાં હોવાની શંકાએ યુવાન પર કેવડાવાડી મેઇન રોડ પર કુટુંબી ભાઈઓએ છરીથી હુમલો કરતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે ભગવતીપરામાં હુશેની ચોકમાં રહેતાં ફુરકાન હુસેનભાઈ તાઈ (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહંમદ અબ્દુલ તાઈ, મોઈન યાસીન તાઈ અને યુનુસ ઈકબાલ તાઈનું નામ આપતાં ભક્તિનગર પોલીસે 118(1), 115(2), સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સેલ્સમેનનું કામ કરે છે. જેમાં અલગ અલગ દુકાનોમાં જઈ રેડીમેઇટ કપડા વેપારીઓને બતાવી ઓર્ડર મેળવી કમિશન ઉપર કામ કરે છે.
ગઈકાલે સવારના સાડા દસેક વાગ્યે તેઓ ઘરેથી બાઈક લઇ શહેરમાં જુદી-જુદી જગ્યાએ દુકાનોમાં વેપારીઓને ત્યાં જઈ કપડાના ઓર્ડર લીધા હતા. રાત્રીના સમયે ગુંદાવાડી બજારમાં વેપારીને કપડા બતાવી કેવડાવાડી મેઇન રોડ થઇ સોરઠીયા સર્કલ તરફ જતો હતો ત્યારે સપના કોલડ્રીકસની દુકાન પાસે પહોંચતા તેઓની પાછળ ડબલ સવારી બાઇકમાં કુટુંબી સગા મહંમદ અબ્દુલ તથા મોઇન યાસીન ઘસી આવેલ અને મહંમદે છરીનો ઘા ઝીંકી દિધો હતો.
છરીનો ઘા તેમને હાથમાં લાગતાં તેઓ બાઈક સમેત નીચે પટકાયા હતાં. તે વખતે યુનુસ ઇકબાલ તેનું બુલેટ લઈને આવી ગયેલ હતો. ફરીયાદી દોડીને ભાગવા જતા યુનુસે પકડી લીધેલ ત્રણેય શખ્સો ગાળો બોલવા લાગેલ અને મહંમદે છરીનો બીજો ઘા મારી દિધો હતો. યુવાનને લોહી નીકળવા લાગ્યું હતું. તેમજ આરોપીઓએ કહેલ કે, તું અહી રાજકોટ શું કામ આવેલ છો તેમ કહી ત્રણેય ઢીકાપાટુનો મારમારવા લાગેલ હતાં.
તેમજ હુમલાખોરોએ આજે તો બચી ગયો છો, હવે પછી જીવતો નહી રહે તેમ કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈકમાં નાસી છૂટ્યા હતાં. બાદમાં તેમના મોટા ભાઈ આવી જતાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતા.
વધુમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેઓ સુન્ની મુસ્લીમ ધર્મ પાળે છે અને તેમના કુટુંબી સગાને શંકા છે કે, તેઓ તબલીગી જમાતમાં છીએ, જે બાબતે કુટુંબી સગા સાથે છેલ્લા છ મહિનાથી બોલાચાલી થતી હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
