75મો સ્વતંત્રતા દિન ઊજવવા દેશભરમાં અભૂતપૂર્વ ઊત્સાહ - At This Time

75મો સ્વતંત્રતા દિન ઊજવવા દેશભરમાં અભૂતપૂર્વ ઊત્સાહ


- ચંડીગઢમાં 5885 બાળકોએ લહેરાતા તિરંગાની માનવ પ્રતિકૃતિનો નવો ગિનિસ રેકોર્ડ બનાવ્યો - તિરંગા અભિયાન દેશભરમાં લોકોમાં દેશભાવના જગાડશે : અજમેર દરગાહ, જમિયત ઉલેમા-એ-હિન્દે પણ સોશિયલ મીડિયા પ્રોફાઈલના ડીપીમાં તિરંગો મૂક્યો- દેશભરમાં ત્રણ દિવસના 'હર ઘર તિરંગા' અભિયાનને વ્યાપક પ્રતિસાદ : ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળીનવી દિલ્હી : ભારતને આઝાદ થયાને ૭૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આખો દેશ 'આઝાદી કા અમૃતમહોત્સવ'માં ગળાડૂબ થઈ ગયો છે. દરેક દેશવાસીના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ લાવવા અને દેશવાસીઓમાં દેશભક્તિનો ભાવ ઉજાગર કરવા કેન્દ્ર સરકારનું ત્રણ દિવસનું 'હર ઘર તિરંગા' અભિયાન શનિવારથી શરૂ થઈ ગયું છે. દેશના મોટા-મોટા રાજકારણીઓ, બોલિવૂડ હસ્તીઓ, ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય માણસ આ અભિયાનમાં જોડાઈને પોતાના ઘરે તિરંગો ફરકાવી રહ્યો છે. આ અભિયાનના ભાગરૂપે શનિવારે ચંડીગઢમાં ૫,૮૮૫ બાળકોએ લહેરાતા તિરંગાની માનવ પ્રતિકૃતિ બનાવી નવો ગિનિસ રેકોર્ડ બનાવ્યો છે.ભારતના ૭૫મા સ્વતંત્રતા દિનની ઊજવણી માટે દેશભરમાં શનિવારથી શરૂ થયેલા ત્રણ દિવસના 'હર ઘર તિરંગા' અભિયાનમાં કેન્દ્રીય મંત્રીઓ, ભાજપના નેતાઓ સહિત સેંકડો માણસો જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયને આ અભિયાન હેઠળ પોતાના ઘર પર તિરંગો ફરકાવવા અને સોશિયલ મીડિયામાં પોતાના પ્રોફાઈલના ડીપીમાં તિરંગો લગાવવા અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ તેમના નિવાસ સ્થાનો પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. સ્વતંત્રતા દિવસની તૈયારીઓ હેઠળ ભાજપે ૧૪મી ઑગસ્ટે વિભાજન કરૂણાંતિકા દિવસની પૂર્વ સંધ્યાએ 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું છે.આ સાથે ચંડીગઢમાં ૫,૦૦૦થી વધુ બાળકોએ સાથે મળીને લહેરાતા રાષ્ટ્રધ્વજની દુનિયાની સૌથી મોટી માનવ પ્રતિકૃતિ બનાવનીને નવો ગિનિસ રેકોર્ડ સર્જ્યો છે. ચંડીગઢના સેક્ટર-૧૬ના ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમાં ૫,૮૮૫ બાળકોએ એક સાથે ઊભા રહીને લહેરાતા રાષ્ટ્ર ધ્વજની પ્રતિ કૃતિ બનાવી હતી. બધા બાળકોએ કેસરી, સફેદ અને લીલા રંગના કપડાં પહેરી એક વિશાળ માનવ તિરંગો બનાવ્યો હતો. બાળકો દ્વારા એક લહેરાતા તિરંગાની માનવ પ્રતિકૃતિ બનાવવાનો આ વિશ્વ રેકોર્ડ છે. આ રેકોર્ડ સર્જવા માટે લગભગ દોઢ મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી. આ કાર્યક્રમમાં જોડાનારા બધા જ વિદ્યાર્થીઓ ચંડીગઢ યુનિવર્સિટીના હતા. માનવ તિરંગો બનાવવાનો વિશ્વ રેકોર્ડ પણ પહેલાંથી જ ભારતના નામે છે. વર્ષ ૨૦૧૪માં ચેન્નઈમાં ૪૩,૦૦૦થી વધુ લોકોએ એકત્ર થઈને માનવ ધ્વજ બનાવ્યો હતો. જોકે, ચંડીગઢમાં શનિવારે બનાવાયેલો માનવ ધ્વજ સૌથી મોટા લહેરાતા તિરંગા તરીકે ગિનિસ બૂકના વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ પ્રસંગે હાજર રહેલા ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ સ્વપન ગાંગરીકરે કહ્યું કે, આ પહેલાં લહેરાતા માનવ રાષ્ટ્રધ્વજનો વર્લ્ડ રેકોર્ડ દુબઈના નામે હતો. જ્યાં વર્ષ ૨૦૧૭માં ૪,૧૩૦ લોકોએ રાષ્ટ્રધ્વજની લહેરાતી પ્રતિકૃતિ બનાવી હતી.દરમિયાન સરકારના 'હર ઘર તિરંગા' અભિયાનને આવકારતાં અજમેર દરગાહના વડાએ શનિવારે જણાવ્યું હતું કે, આ અભિયાનથી લોકોમાં દેશભાવના જાગશે અને તે સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ પણ પાઠવશે. તિરંગો પ્રત્યેક ભારતીય માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. બીજીબાજુ દેશમાં મુસ્લિમોના સૌથી મોટા સંગઠન જમીયત-ઉલેમા-એ-હિંદે પણ તેના ટ્વિટર હેન્ડલનું પ્રોફાઈલ પિક્ચર બદલીને તિરંગો લગાવ્યો છે. ભાજપે દાવો કર્યો હતો કે હર ઘર તિરંગા અભિયાનને સમગ્ર દેશમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સ્વતંત્રતા દિવસે ૨૦ કરોડ પરિવારો દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું લક્ષ્ય હાંસલ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં પણ ઘરો અને દુકાનો પર તિરંગો લગાવાયેલો જોવા મળ્યો છે. આ અભિયાનના ભાગરૂપે શનિવારે દેશભરમાં અનેક જગ્યાએ તિરંગા યાત્રા નિકળી હતી. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે શ્રીનગરના ડલ સરોવરમાં હર ઘર તિરંગા રેલીને લીલી ઝંડી આપી હતી. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે પણ બાળકો સાથે તિરંગા યાત્રા કાઢી હતી જ્યારે કન્નૌજમાં સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે તિરંગા અભિયાન શરૂ કરાવ્યું હતું.આરએસએસે પણ પ્રોફાઈલ પિક્ચરમાં રાષ્ટ્ર ધ્વજ મૂક્યોરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શનિવારે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તેના કાર્યાલય પર તિરંગો ફરકાવવાનો વીડિયો જાહેર કર્યો હતો. સંઘ પ્રમુખ મોહન ભાગવતે આ તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે આરએસએસે સોશિયલ મીડિયા પર તેનું પ્રોફાઈલ પિક્ચર બદલીને તિરંગો મૂક્યો હતો. સંઘે તેના ટ્વિટર હેન્ડલ પર ભાગવતનો તિરંગો ફરકાવતો વીડિયો શૅર કરવાની સાથે લખ્યું હતું - સ્વાધિનતાનો અમૃત મહોત્સવ ઊજવો. હર ઘર તિરંગો ફરકાવો. રાષ્ટ્રીય સ્વાભિમાન જગાવો. ભારતના આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સોશીયલ મીડિયા પર તેમના પ્રોફાઈલ પિક્ચરમાં તિરંગો મૂકવાની હાકલ કર્યા પછી સેંકડો લોકોએ તેમના પ્રોફાઈલ પિક્ચર બદલીને તિરંગો મૂક્યો હતો. જોકે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેનું પ્રોફાઈલ પિક્ચર બદલ્યું ના હોવાથી વિવાદ થયો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષે સંઘ પર તિરંગાનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.