શ્રમજીવી સોસાયટીમાં સામુ જોવા બાબતે છરીઓ ઉડી: એકને ઈજા - At This Time

શ્રમજીવી સોસાયટીમાં સામુ જોવા બાબતે છરીઓ ઉડી: એકને ઈજા


લોકોની ધીરજ ખુટી ગઈ હોય તેમ નાની-નાની બાબતોમાં મોટી માથાકૂટો થઈ જતા હોવાના કિસ્સા વધ્યા છે. ત્યારે શ્રમજીવી સોસાયટીમાં ગઈકાલે રાત્રે સામુ જોવા બાબતે છરીઓ ઉડી હતી અને એક યુવાનને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.25) (રહે.શ્રમજીવી સોસાયટી શેરી નં.6, ગોપાલનગર મેઈન રોડ)એ ભકિતનગર પોલીસ મથકે દુષ્યંતસિંહ જાડેજા, તેના ભાઈ કૃષ્ણસિંહ જાડેજા, રાજભા, અજયસિંહ, દશુભા અને અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ બાબરીયામાં ઘોડીયા બનાવવાનું કારખાનું ધરાવે છે અને પરિવાર સાથે શ્રમજીવી સોસાયટીમાં રહે છે.

ગઈકાલે તેમના મોટાભાઈ જયદીપસિંહ ઘર પાસે ગોપાલનગર મેઈન રોડ પર શેરી નં.4ના ખુણે હતા ત્યારે દુષ્યંતસિંહ જાડેજાએ ‘કેમ મારી સામે જાવે છે’ તેમ કહીં મારા મોટાભાઈ સાથે માથાકૂટ કરી હતી. મને જાણ થતા હું સ્થળ પર પહોંચ્યો ત્યારે દુષ્યંતસિંહે તેના ભાઈ કૃષ્ણસિંહને ફોન કરી સ્થળ પર બોલાવ્યા હતા તેની સાથે અન્ય સાત આરોપી પણ આવ્યા હતા. કૃષ્ણસિંહે ઉશ્કેરાઈ રાજદીપસિંહના હાથમાં છરી મારી દીધી હતી. અન્ય આરોપીઓએ પણ બન્ને ભાઈઓને ઢીકાપાટુનો માર મારી અપશબ્દો કહ્યા હતા.
બાદમાં ત્યાં હાજર લોકોએ છોડાવતા આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં રાજદીપસિંહને સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ મામલે પોલીસે આઈપીસી 323, 324, 504, 143, 144, 147, 148 વગેરે કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ કૃષ્ણસિંહ કરણીસેનાના આગેવાન છે. આ પહેલા તેમને કયારેય આ આરોપી સાથે સંપર્ક થયો નહોતો, આ પ્રથમ વખત ફકત સામુ જોવા જેવી નજીવી બાબતે માથાકૂટ કરી હતી. સમગ્ર મામલે ભકિતનગર પોલીસના પીએસઆઈ આર.કે. સુમાદ્રાએ વધુ તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.