હળવદ:રીક્ષામાં ખીચોખીચ ભરીને કતલખાને લઇ જવાતા સાત ઘેટાને બચાવી લેવાયા
રીક્ષામાં નિર્દયતાથી હેરાફેરી કરતા બે તથા ઘેટા વેચનાર અને ખરીદનાર ખાટકી એમ કુલ ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ
હળવદમાં આવેલ મોરબી ચોકડી પાસે કતલખાને લઈ જવાતા સાત ઘેટાને જીવદયા પ્રેમી એવા સામાજીક કાર્યકર્તા દ્વારા બચાવી લેવાયા છે. આ સાથે બનાવમાં રીક્ષામાં ખીચોખીચ ભરીને લઇ જતા રીક્ષા ચાલક સહીત બે શખ્સો તથા ઘેટા વેચનાર તેમજ લેનાર મોરબીના ખાટકી શખ્સ સહિત કુલ ચાર સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હળવદના સોનીવાડમાં રહેતા કિરણકુમાર રજનીકાંતભાઈ પંડ્યા ઉવ.૩૮ એ આરોપી જીતુભાઈ દેવાભાઈ સલાટ ઉવ.૩૯ તથા રાજુભાઈ દેવાભાઈ સલાટ ઉવ.૪૧ બંને હાલ રહે.નવા જાંબુડીયા મુળરહે. વાંકાનેર ગાયત્રી મંદિર પાસે તેમજ આરોપી છેલાભાઈ ભરવાડ રહે.કોપરણી તા.ધ્રાંગધ્રા જી.સુ.નગર તથા આરોપી ઈસ્માઈલભાઈ મુસાભાઈ ખાટકી રહે.મોરબી સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે હળવદ હાઇવે પર આવેલ મોરબી ચોકડી પાસે સીએનજી રીક્ષા જીજે-૩૬-યુ-૭૩૩૦માં ગેરકાયદેસર રીતે એકદમ નિર્દયતાથી ખીચોખીચ ઘેટાં ભરી પસાર થતા ફરિયાદી કિરણકુમાર પંડ્યા દ્વારા અટકાવી પૂછપરછ કરાતા આ ઘેટા કતલખાને લઇ જવાતા હોવાનું સામે આવ્યું હતું. જેથી તુરંત રીક્ષાને હળવદ પોલીસ મથકે લઈ આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા રીક્ષા ચાલક આરોપી જીતુભાઇ સલાટ તથા તેની સાથેનો રાજુભાઈ સલાટની સઘન પૂછપરછ કરતા આ ઘેટા સુરેન્દ્રનગર જીલ્લાના કોપેણી ગામેથી આરોપી છેલાભાઈ ભરવાડ પાસેથી લઇ આવ્યા હોવાનું અને મોરબીમાં રહેતા આરોપી ઇસ્માઇલભાઈ ખાટકી પાસે લઇ જવામાં આવતા હોવાની કબૂલાત આપી હતી. ત્યારે હાલ પોલીસે ઘેટા વેચનાર છેલાભાઈ ભરવાડ તેમજ સીએનજી રીક્ષામાં ઘેટાં ભરી કતલખાને પહોંચાડવાની વ્યવસ્થા કરનાર આરોપી જીતુભાઈ સલાટ અને રાજુભાઈ સલાટ તથા જે જગ્યાએ ઘેટા પહોંચાડવાના હતા તે ઈસ્માઈલભાઈ મુસાભાઇ ખાટકી રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધી સીએનજી રીક્ષા તેમજ સાત ઘેટા કિંમત રૂપિયા ૧૪,૦૦૦/-નો મુદામાલ કબ્જે લઇ. ચારેય આરોપીઓ પૈકી બે આરોપીને અટક કરી અન્ય ઘેટાં વેચનાર તથા મોરબીના ખાટકી શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે . આ સાથે તમામ આરોપીઓ સામે પશુ પ્રત્યે ઘાતકી પણુ અટકાવવાનો અધિનીયમ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.