21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
21 ફેબ્રુઆરી ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’
માતૃભાષા તો માતાનું ધાવણ છે, ને બાળકને માનું દૂધ જ વિકસાવે છે: રવીન્દ્રનાથ ટાગોર
દુનિયાભરમાં પોતાની ભાષા-સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા ઉજવાય છે વિશ્વ માતૃભાષા દિવસ
વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીના રોજ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ દુનિયાભરમાં પોતાની ભાષા-સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે. યુનેસ્કો દ્વારા વર્ષ 1999માં માતૃભાષા દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. દુનિયાભરની ભાષાઓ અને સંસ્કૃતિનું સન્માન કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે માતૃભાષાને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7,000થી વધુ ભાષાઓને ઓળખી છે, જેનો ઉપયોગ વાંચવા, લખવા અને બોલવા માટે થતો હોવાનું કહેવાય છે.
ગુજરાતી ભાષા વિશે વાત કરીયે તો ગુજરાતી ભાષાનું સૌંદર્ય તેની લિપિ, વ્યાકરણ, જોડણી, ઉચ્ચારણો અને અભિવ્યક્તિમાં છે. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ 'સિદ્ધ હેમ શબ્દાનુશાસન' હતો. જે ઈ.સ. 1135માં લખાયો હતો.. સંસ્કૃત શબ્દ 'ગુર્જરત્રા' અને પ્રાકૃત શબ્દ 'ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલો શબ્દ 'ગુજરાત' પરથી વિશેષણ બન્યું 'ગુજરાતી'.
ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા ગુજરાત સરકાર દ્વારા પણ અનેક કોર્સ ગુજરાતી અભ્યાસક્રમમાં બનાવવાનો નિર્ણય લેવાયો છે જે ખરેખર ગૌરવપૂર્ણ છે. રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. ડૉ. અબ્દુલ કલામ સાહેબે એકવાર કહેલું કે, “જે દિવસે આપણે મેડિકલ, ઇજનેરી સહિત તમામ ક્ષેત્રોનું શિક્ષણ માતૃભાષામાં જ આપીશું ત્યારે આપણે વૈજ્ઞાનિક ક્રાંતિ કરીશું.” હવે એ દિવસો દુર નથી એ જાણીને હૈયું હેતથી ખીલી ઉઠે છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા વર્ણવતાં કહેલું કે “માતૃભાષા તો માતાનું ધાવણ છે, ને બાળકને માનું દૂધ જ વિકસાવે છે, મજબૂત બનાવે છે.”
માતૃભાષા માનવીના સંસ્કારોની વાહક છે. તેના વગર કોઈ પણ દેશની સંસ્કૃતિની કલ્પના ન થઇ શકે. માતૃભાષા એ આત્માનો અવાજ છે જે દેશના લોકોને એક દોરામાં માળાના મણકાની જેમ પરોવે છે. માતાના ખોળામાં ખીલેલી ભાષા બાળકના માનસિક વિકાસ માટે પ્રથમ શબ્દોને સંચાર આપે છે. માતૃભાષા જ માનવને વિચાર અને વર્તન અંગેના અનૌપચારિક શિક્ષણ અને સમજણ આપે છે.
ગુજરાતી કવિશ્રી વિનોદ જોશી જેમનું મૂળ વતન બોટાદ છે તેઓએ ગુજરાતી હોવા પર ગર્વ આલેખતી એક સરસ મજાની કવિતા રચી છે.
હું એવો ગુજરાતી
જેની;
‘હું ગુજરાતી’ એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગ૨,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર;
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજ૨તો હું ધવલ તેજનો ભૃંગ;
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
દુહા-છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાંની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન;
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની ૫૨ભાતી….
હું ગાંધીનું મૌન, હું જ સ૨દા૨ તણી છું હાક,
હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક;
હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવા૨ શૂ૨ની તાતી…
હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,
મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર;
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.