કલોલ અને માણસા વચ્ચે 24 કિ.મી.ના હાઇવેની કામગીરી ત્રણ વર્ષે પણ અધૂરી
નારદીપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રીને પણ રજૂઆત કરાઈ હતી૨૦૧૯થી ૧૮ માસની મુદતમાં કામ પૂર્ણ કરવાનું હતું ઃ હાઇવેની
કામગીરી જોતા સંપૂર્ણ ફોરલેન માર્ગ બનતા હજુ એક વર્ષ લાગશેકલોલ : કલોલને માણસા સાથે જોડતા રોડને ફોરલેન કરવાની કામગીરી
ત્રણ-ત્રણ વર્ષના વહાણાં વાયા છતાં હજુ સુધી પૂર્ણ થઇ શકી નથી. કોરોના રોગચાળો અને કેન્દ્ર સરકારની સેન્ટ્રલ રોડ ફંડ
ગ્રાન્ટના અભાવ ઉપરાંત મંથરગતિથી ચાલતા રોડના કામને ક્વોરી હડતાલ, કાચા માલનો ભાવ
વધારો, વન
વિભાગની મંજૂરી જેવી અનેક અડચણ નડી છે. જેના પરિણામ સ્વરૃપ કલોલ અને માણસા
તાલુકાના આશરે એક લાખથી વધુ નાગરિકોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રાજ્ય સરકાર દ્વારા ૬૬.૧૪ કરોડ રૃપિયાના ખર્ચે
કલોલ-નારદીપુર-માણસા વચ્ચે ૨૪ કિલોમીટર રોડને ફોરલેન કરવા માટે નવેમ્બર ૨૦૧૯માં
વર્ક ઓર્ડરથી કામ આપવામાં આવ્યું હતું. વર્ક ઓર્ડરની તારીખથી ૧૮ માસની નિયત
સમયમર્યાદામાં ફોર લેન હાઇવેની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર હતી. આમ છતાં ઓગસ્ટ
૨૦૨૨માં કામગીરી શરુ થયે ૩૩ માસ થયા હોવા છતાં હાઇવેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું
નથી.આ કારણથી કલોલ થી માણસા,વિજાપુર
અને હિંમતનગર તરફ જનારા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તાલુકાના ગ્રામજનોએ છેલ્લા ત્રણ વર્ષથી કામગીરી
શરુ થઇ હોવા છતાં તેમાં નોંધપાત્ર પ્રગતિ ના થતા મુખ્યમંત્રી સુધી રજૂઆત તેમજ
ચૂંટણી બહિષ્કાર સુધીની ચીમકી આપી હતી. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ નારદીપુર ખાતે
વૃક્ષારોપણ પ્રસંગે આવ્યા હતા ત્યારે પણ તેમને લેખિતમાં રજુઆત કરાઈ હતી. કેન્દ્ર
સરકાર દ્વારા હાઇવેના નિર્માણ કાર્ય માટે સેન્ટ્રલ રોડ ફંડ માંથી નાણાંની ફાળવણી
કરવામાં આવતી હોય છે. જોકે કલોલ-માણસા વચ્ચે ફોરલેન બનાવવા માટેની સમયસર સીઆરએફ ની
ગ્રાન્ટ ન મળતા હાઇવે બાંધવાનું કામ ઠપ્પ થઈ ગયું હતું. કેન્દ્રની ગ્રાન્ટના અભાવે
કામગીરી બંધ થઈ જાય તે સરકાર માટે શરમજનક બાબત ગણી શકાય તેમ છે. કલોલના ધારાસભ્યે
રોડની ધીમી કામગીરી માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. કેન્દ્રમાંથી ગ્રાન્ટ ન આવી
હોય તે સંજોગોમાં સરકારે અન્ય યોજનાની ગ્રાન્ટ ફાળવી હોત તો અત્યારે કામ પૂર્ણ થઇ
ચૂક્યું હોત. સ્થાનિકોને પડતી હાલાકી ને લઈને સરકાર માં અનેક રજૂઆત કરવામાં આવી
હોવા છતાં સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.