સત્ય બહાર આવ્યું:‘વાઘ આવ્યો નહીં, સાપ આવ્યો...’ 6 વાર નહીં, એક જ વાર કરડ્યો’તો - At This Time

સત્ય બહાર આવ્યું:‘વાઘ આવ્યો નહીં, સાપ આવ્યો…’ 6 વાર નહીં, એક જ વાર કરડ્યો’તો


આપણે પેલા ગોવાળિયાની ‘વાઘ આવ્યો... વાઘ આવ્યો’ની વાર્તા બહુ સાંભળી છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં આવું જ પણ થોડું નોખું, ‘સાપ આવ્યો... સાપ આવ્યો’ થઈ ગયું! ફતેહપુરના વિકાસ દુબેને એક-બે નહીં સાત વાર સાપ કરડ્યાના સમાચારે ગામ ગજવ્યું. કૌભાંડો ને ગેરરીતિઓની તપાસ કરાવતી રાજ્ય સરકારે આ માણસને સાત-સાત વાર સાપ કેમ કરડ્યો? એની તપાસ સોંપી. તપાસમાં જે બહાર આવ્યું તે જાણીને આપણને સાપ પર દયા આવી જાય કે ‘બીચારાને ખોટો વગોવી નાખ્યો!’ એ તો સૌને ખબર જ છે કે સૌરા ગામના વિકાસ દુબેએ પોતાને સાપે ઘરમાં જ નહીં, સગાં-સંબંધીના ઘરે પણ ડંખ માર્યો હોવાનો દાવો કર્યો હતો. આ વાત વહેતી થઈ ને સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમો થકી દેશભરમાં ફેલાઈ ગઈ. લોકો પૂછવા લાગ્યા, ‘આવું તે હોતું હશે!’ વાત એવી ચગી, એવી ચગી કે સરકારેય તપાસનો આદેશ આપી દીધો. તબીબોની ટુકડી તાબડતોબ રચાઈ ગઈ. ચાર દિવસ સુધી તપાસનો ધમધમાટ ચાલ્યો પછી ટુકડીએ કલેક્ટરને રિપોર્ટ સોંપ્યો. કહાનીમાં ટ્વિસ્ટ હવે જ આવે છે. રિપોર્ટમાં લખ્યું છે કે સાપે સાત વાર નહીં પણ એક જ વાર ડંખ માર્યો છે. બાકીની 6 વાર તો ખાલી ભ્રમ જ થયો છે. તબીબોના કહેવા પ્રમાણે આ ભાઈને ‘સ્નેક ફોબિયા’ થયો છે. એટલે હવે માનસિક રોગોના નિષ્ણાત પાસે સારવાર કરાવવા ભલામણ કરાઈ છે. ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર આર. કે. વર્માએ કહ્યું છે કે ‘છ વારની સારવારના પ્રિસ્ક્રિપ્શન તપાસ્યાં ત્યારે જાણવા મળ્યું કે યુવકને એન્ટીવેનમ એટલે કે સાપ કરડે ત્યારે લગાડવાનું ઇન્જેક્શન આપ્યું છે. સ્નેક ફોબિયાની વાત સામે આવી છે એટલે પરિવારજનો સાથે વાતચીત કરીને સાઇકિયાટ્રિક પાસે સારવાર કરાવાશે.’ હવે, થોડા ફ્લેશબેકમાં જઈએ. સૌરા ગામના વિકાસ દુબેને 2 જૂને રાત્રે 9 વાગ્યે સાપ કરડ્યો એટલે તાત્કાલિક દવાખાને લઈ ગયા. પછી સાપ સાત વાર કરડ્યો હોવાનો દાવો કર્યો. તે કહેતો કે સાપ કરડવા આવશે તેવો પોતાને આભાસ થતો હોવાનું કહ્યું ને પરિવાર ચિંતામાં પડ્યો અને સંબંધીઓને ઘરે રહેવા મોકલી દીધો હતો. જોકે હવે કારણ સ્પષ્ટ થઈ ગયું છે એટલે આપણેય ચિંતા કરવાની જરૂર નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.