પાટડી હાઈવે નજીક રાત્રે જર્જરીત કોમ્પલેક્ષનું ધાબુ તૂટી પડયું
- કોમ્પ્લેક્ષના ધાબા ઉપર મોબાઈલ ટાવર અત્યંત જોખમી- દૂર્ઘટના દીવસે બની હોત તો મોટી જાનહાની થઇ હોત સુરેન્દ્રનગર : પાટડીમાં હાઈવેની નજીક આવેલા કેશવ કોમ્પ્લેક્ષના પ્રથમ માળનું ધાબુ રાત્રીના સમયે તુટી પડતા ફફડાટ ફેલાઇ ગયો હતો. આ દૂર્ઘટના દીવસે બની હોત તો જાનહાની થવાની સંભાવના હતી.આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, પાટડીના કેશવ કોમ્પ્લેક્ષનું બાંધકામ મજબૂત ન હોવાના કારણે થોડા વર્ષોમાં બિલ્ડીંગ જર્જરીત બની ગયુ હતું. શનિવારે રાત્રે આ કોમ્પ્લેક્ષના પ્રથમ માળના ધાબાનો ભાગ ઘડાકાભેર તુટી પડતા નીચે આવેલી દુકાનોના પતરાના શેડ તુટી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ જર્જરીત કોમ્પ્લેક્ષના ધાબા ઉપર મોબાઈલ ટાવર મુકેલો છે. જે દુકાનદારના ધાબા ઉપર મોબાઈલ ટાવર છે. તેની દુકાનમાં ચોમાસામાં પાણી પડે છે. દુકાનદારને ધાબુ નવું બનાવવું છે પણ મોબાઈલ ટાવરના લીધે તેમાં કામ કરાવી શકતા નથી અને ભય નીચે ધંધો કરે છે. કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા અન્ય દુકાનદારોનું કહેવું છે કે, નગરપાલિકા તંત્રને આ કોમ્પલેક્ષનો જર્જરીત ભાગ દુર કરવા અને મોબાઈલ ટાવર દુર કરવા જાણ કરેલ છે પણ કાર્યવાહી થઈ નથી.શનિવાર રાત્રીના દુર્ધટના પછી પાલિકા પ્રમુખ અને અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ હતા. દરેક દુકાનદારોને ત્રણ દિવસ દુકાનો બંધ રાખવા અને સામાન ખસેડી ભયજનક ભાગ તોડી પાડવા નોટિસ અપાઇ હતી. બાજુમાં રાહદારી રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. વેપારીઓ નોટિસનો અમલ ન કરે તો ત્રણ દિવસ બાદ પાલિકા દ્વારા ભયજનક બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવા ચીમકી આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.